બચતથી રોકાણ સુધી: ભારતની 38% મહિલાઓ દર અઠવાડિયે કરે છે UPI પેમેન્ટ, 71% જાતે સંભાળે છે પોતાનું બેંક ખાતું
Women financial independence: ભારતમાં મહિલાઓ હવે આર્થિક રીતે સશક્ત બની રહી છે. રિપોર્ટ મુજબ 38% મહિલાઓ દર અઠવાડિયે UPI વાપરે છે અને 71% જાતે બેંક ખાતું ચલાવે છે. જાણો બચત અને રોકાણની ડિટેલ.
Women financial independence: ભારતમાં મહિલાઓ હવે આર્થિક રીતે સશક્ત બની રહી છે.
Women financial independence: ભારતમાં હવે ધીમે ધીમે ડિજિટલ ક્રાંતિ આવી રહી છે અને આ ક્રાંતિમાં મહિલાઓ જરા પણ પાછળ નથી. આજકાલ ગામડાઓ અને નાના શહેરોની મહિલાઓ પણ ફાઇનાન્સ અને ટેકનોલોજીના મામલે આત્મનિર્ભર બની રહી છે. તાજેતરમાં જ ‘PayNearby Women Financial Index (PWFI) 2026’નો એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં મહિલાઓની બચત, રોકાણ અને બેંકિંગને લગતી ખૂબ જ રસપ્રદ માહિતી જોવા મળી છે.
ચાલો જાણીએ કે આજના સમયમાં ભારતીય મહિલાઓ પોતાના પૈસાનું મેનેજમેન્ટ કઈ રીતે કરી રહી છે.
ડિજિટલ પેમેન્ટમાં મહિલાઓનો દબદબો
રિપોર્ટ અનુસાર, ભારતમાં 38 ટકા મહિલાઓ હવે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત UPI પેમેન્ટનો ઉપયોગ કરે છે. ઘરનો સામાન લાવવો હોય, લાઈટ બિલ ભરવું હોય કે મોબાઈલ રિચાર્જ કરવો હોય, મહિલાઓ હવે રોકડને બદલે ડિજિટલ પેમેન્ટને વધુ પસંદ કરી રહી છે.
પોતાનું બેંક ખાતું જાતે જ કરે છે ઓપરેટ
ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં કામ કરતી 10,000 મહિલા એજન્ટોના સર્વેમાંથી જાણવા મળ્યું છે કે 85 ટકા મહિલાઓ પોતાને ઘરની મુખ્ય બચતકાર માને છે. સૌથી મોટી અને સારી વાત એ છે કે 71 ટકા મહિલાઓ હવે કોઈની મદદ વગર પોતાનું બેંક એકાઉન્ટ જાતે જ ઓપરેટ કરે છે. ખાસ કરીને 18 થી 30 અને 31 થી 40 વર્ષની ઉંમરની મહિલાઓમાં આ કોન્ફિડન્સ સૌથી વધુ જોવા મળ્યો છે.
મહિલા એજન્ટ પર વધુ ભરોસો
નાણાકીય લેવડદેવડ માટે 78 ટકા મહિલાઓ પુરુષને બદલે મહિલા એજન્ટ પાસે જવાનું વધુ પસંદ કરે છે. આનું મુખ્ય કારણ એ છે કે તેમને મહિલા એજન્ટ સાથે વાત કરવામાં આસાની અને સુરક્ષાનો અનુભવ થાય છે.
બચત અને રોકાણમાં ક્યાં છે મહિલાઓની નજર?
આજની મહિલાઓ માત્ર પૈસા બચાવતી નથી, પણ તેને યોગ્ય જગ્યાએ રોકવા પણ માંગે છે:
ગોલ્ડ SIP: 44 ટકા મહિલાઓએ નાના હપ્તા એટલે કે SIP દ્વારા સોનામાં (ગોલ્ડ બેઝ્ડ પ્રોડક્ટ્સ) રોકાણ કરવાની ઈચ્છા બતાવી છે. સોના પર તેમનો ભરોસો હજુ પણ અકબંધ છે.
FD અને RD: ફિક્સ ડિપોઝિટ (FD) અને રિકરિંગ ડિપોઝિટ (RD) મહિલાઓમાં સૌથી ફેવરિટ છે. 98 ટકા મહિલાઓ તેમાં બચત કરવા માંગે છે.
મ્યુચ્યુઅલ ફંડ: જોકે, મ્યુચ્યુઅલ ફંડ વિશે હજુ જાગૃતિ ઓછી છે. 10 ટકાથી પણ ઓછી મહિલાઓ આના વિશે જાણે છે.
કેશ ઉપાડવાનું હજુ પણ છે જરૂરી
ડિજિટલ પેમેન્ટ ભલે વધ્યું હોય, પણ રોજિંદા ખર્ચ માટે રોકડની જરૂર તો પડે જ છે. પૈસા ઉપાડવા માટે 54 ટકા મહિલાઓ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન (જેમ કે ફેસ રીડિંગ)ને સુરક્ષિત માને છે. મોટાભાગે મહિલાઓ 1000થી 2500 રૂપિયાની વચ્ચેની રકમ ઉપાડતી હોય છે.
ઈમરજન્સી ફંડ અને લોન પ્રત્યેનો અભિગમ
મહિલાઓ હંમેશા મુશ્કેલ સમય માટે થોડા પૈસા અલગ રાખતી હોય છે. તેમની બચતનો મુખ્ય હેતુ બાળકોનું શિક્ષણ, મેડિકલ ઈમરજન્સી અને ઘરની વસ્તુઓ ખરીદવાનો હોય છે. જોકે, હાલમાં માત્ર 32 ટકા મહિલાઓ જ બેંકિંગ સિસ્ટમ દ્વારા સત્તાવાર રીતે બચત કરે છે. લોનની વાત કરીએ તો 73 ટકા મહિલાઓ બાળકોના ભણતર, ખેતી, બીમારી કે નાના બિઝનેસ માટે લોન લેવા તૈયાર છે. તેમાં પણ ગોલ્ડ લોન તેમનો સૌથી લોકપ્રિય વિકલ્પ બની રહ્યો છે.
વીમો અને સ્વાસ્થ્ય સેવાઓમાં જાગૃતિ
વીમો લેવાના મામલે પણ 26 ટકા મહિલાઓ આગળ આવી છે, જેમાં હેલ્થ, લાઈફ અને એક્સિડન્ટ પોલિસીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 37 ટકા મહિલાઓ કોમ્યુનિટી સેન્ટર પરથી ટેલિહેલ્થ કન્સલ્ટેશન અને સેનિટરી પેડ જેવી સ્વાસ્થ્ય સેવાઓનો પણ લાભ લઈ રહી છે. નિષ્ણાંતોએ જણાવ્યું કે, હવે મહિલાઓ માત્ર નાણાકીય સેવાઓ સાથે જોડાઈ નથી રહી, પણ તેમાં સક્રિય ભાગીદારી કરી રહી છે. મહિલા એજન્ટોના કારણે તેમને સાચું માર્ગદર્શન મળી રહ્યું છે.
ટૂંકમાં કહીએ તો, આ રિપોર્ટ સાબિત કરે છે કે ભારતની મહિલાઓ હવે ઘરના રસોડાથી લઈને બેંકના રોકાણ સુધીની દરેક જવાબદારી પૂરા આત્મવિશ્વાસથી નિભાવી રહી છે.