દર મહિને મળશે 3,000ની ગેરંટીડ પેન્શન, નાના વેપારીઓ અને દુકાનદારો માટે સરકારની શાનદાર સ્કીમ, ફટાફટ કરો એપ્લાય
નાના વેપારીઓ અને દુકાનદારો માટે સરકારની શાનદાર NPS ટ્રેડર્સ સ્કીમ! દર મહિને માત્ર 55 થી 200 ના રોકાણ પર 60 વર્ષ પછી 3,000 નું ગેરંટીડ પેન્શન મેળવો. જાણો અરજી કરવાની રીત.
આ યોજના ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના એવા લોકો માટે બનાવવામાં આવી છે જેઓ EPFO જેવી કોઈ નિવૃત્તિ પેન્શન વ્યવસ્થાનો ભાગ નથી.
NPS Traders Pension Scheme: જો તમે નાના વેપારી, દુકાનદાર કે સેલ્ફ-એમ્પ્લોયડ છો અને ઘડપણમાં આર્થિક સુરક્ષાની ચિંતા તમને સતાવી રહી છે, તો તમારા માટે એક ખૂબ જ સારા સમાચાર છે. કેન્દ્ર સરકાર ખાસ વેપારીઓ માટે એક શાનદાર પેન્શન સ્કીમ ચલાવી રહી છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે તમામ નાના વેપારીઓ અને દુકાનદારોને વેપારીઓ માટે રાષ્ટ્રીય પેન્શન યોજનામાં વહેલી તકે રજીસ્ટ્રેશન કરાવવા માટે અપીલ કરી છે.
આ સરકારી પેન્શન યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે જ્યારે લાભાર્થીની ઉંમર 60 વર્ષ પૂરી થાય છે, ત્યારે તેને દર મહિને 3,000 (એટલે કે વાર્ષિક 36,000) નું ગેરંટીડ પેન્શન મળવાનું શરૂ થઈ જાય છે. ચાલો જાણીએ આ યોજનાની ખાસિયતો અને અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા.
NPS ટ્રેડર્સ સ્કીમની સૌથી મોટી ખાસિયતો શું છે?
આ યોજના ખાસ કરીને અસંગઠિત ક્ષેત્રના એવા લોકો માટે બનાવવામાં આવી છે જેઓ EPFO જેવી કોઈ નિવૃત્તિ પેન્શન વ્યવસ્થાનો ભાગ નથી. આ યોજનાની સૌથી સારી બાબત એ છે કે આમાં તમે જેટલું પ્રીમિયમ જમા કરાવશો, તેટલી જ 50% રકમ કેન્દ્ર સરકાર પોતાની તરફથી તમારા ખાતામાં જમા કરશે. આ સ્કીમમાં જોડાવા માટે તમારે કોઈ મોટું રોકાણ કરવાની જરૂર નથી. તમારી ઉંમરના આધારે તમારે દર મહિને માત્ર 55 થી લઈને 200 સુધીનું જ પ્રીમિયમ ભરવાનું રહે છે. જેવી તમારી ઉંમર 60 વર્ષની થશે, કે તરત જ તમને આજીવન દર મહિને 3,000 નું ફિક્સ પેન્શન મળવાનું શરૂ થઈ જશે.
સ્કીમમાં ક્યાં અને કેવી રીતે રજીસ્ટ્રેશન કરાવવું?
આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરવી ખૂબ જ સરળ છે. તમે બે રીતે તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
જન સેવા કેન્દ્ર દ્વારા તમે તમારા નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને નોંધણી કરાવી શકો છો. આ માટે તમારી પાસે આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટની પાસબુક હોવી જરૂરી છે. જો તમે જાતે ફોર્મ ભરવા માંગતા હોવ, તો યોજનાના સત્તાવાર ઓનલાઈન પોર્ટલ પર જઈને 'સેલ્ફ-એનરોલમેન્ટ' પણ કરી શકો છો.
અત્યાર સુધીમાં કેટલા લોકો જોડાયા?
સરકારી આંકડાઓ મુજબ, આ સ્કીમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 26 નવેમ્બર 2025 સુધીના લેટેસ્ટ રિપોર્ટ મુજબ, રાષ્ટ્રીય પેન્શન યોજના હેઠળ અત્યાર સુધીમાં 60,538 વેપારીઓ અને સ્વ-રોજગાર ધરાવતા લોકો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે.
નિષ્ણાતોની સલાહ: આ બાબતનું ધ્યાન રાખવું જરૂરી
ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સ માને છે કે નાના દુકાનદારોને પેન્શન કવર પૂરું પાડવા માટે સરકારનું આ કદમ ખૂબ જ પ્રશંસનીય છે. જોકે, ફાઇનાન્શિયલ ફર્મ Floatr ના સહ-સ્થાપક અમિત એચ.એલ. એક મહત્વની સલાહ આપતા કહે છે કે, "આજના સમયમાં દર મહિને 3,000 ની રકમ મદદરૂપ લાગી શકે છે, પરંતુ આજથી બે-ત્રણ દાયકા (20-30 વર્ષ) પછી વધતી મોંઘવારીને કારણે આ રકમનું મૂલ્ય ઘટી જશે. તેથી, સરકારે સમયાંતરે આ પેન્શનની રકમની સમીક્ષા કરવી જોઈએ અને ભવિષ્યમાં તેમાં વધારો કરવાનું પણ વિચારવું જોઈએ."