ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સ રિટાયરમેન્ટ માટે '4% ના ઉપાડનો નિયમ'વાપરવાની સલાહ આપે છે. આ નિયમ મુજબ, તમારે પહેલા વર્ષે તમારા કુલ ફંડના માત્ર 4% પૈસા જ ઉપાડવા જોઈએ.
Retirement Planning: નોકરીમાંથી નિવૃત્ત થતી વખતે હાથમાં 1 કરોડ રૂપિયાનું ફંડ આવે, તો સાંભળવામાં આ રકમ ખૂબ મોટી લાગે છે. પરંતુ શું આ 1 કરોડ રૂપિયાથી નિવૃત્તિ પછીની આખી જિંદગી આરામથી પસાર થઈ શકે? આનો કોઈ સીધો અને એક જ જવાબ નથી, કારણ કે તેનો આધાર તમારા દર મહિનાના ખર્ચ, ભવિષ્યની મોંઘવારી અને તમે પૈસા ક્યાં રોક્યા છે તેના પર રહેલો છે.
ધારો કે રિટાયરમેન્ટ સમયે તમારી પાસે 1 કરોડ રૂપિયા જમા છે અને હવે તમારે દર મહિને ઘર ચલાવવા માટે આમાંથી જ પૈસા ઉપાડવાના છે. તો ચાલો સમજીએ કે આ રકમ કેટલા વર્ષ સુધી તમારો સાથ આપશે.
1 કરોડનું ફંડ કેટલા વર્ષ ચાલશે?
આપણે એક ઉદાહરણથી સમજીએ. જો તમે તમારા 1 કરોડ રૂપિયાનું એવી જગ્યાએ રોકાણ કરો છો જ્યાં તમને સરેરાશ 8% વાર્ષિક વળતર મળે છે અને બજારમાં મોંઘવારી દર 6% રહે છે, તો તમારા માસિક ખર્ચ પ્રમાણે ફંડ આટલા વર્ષ ચાલશે:
જો મહિને 30,000 રૂપિયા ખર્ચો છો: તો આ ફંડ લગભગ 40 વર્ષ સુધી ચાલશે.
જો મહિને 40,000 રૂપિયા ખર્ચો છો: તો આ ફંડ લગભગ 27 વર્ષ સુધી ચાલશે.
જો મહિને 50,000 રૂપિયા ખર્ચો છો: તો આ ફંડ લગભગ 20 વર્ષ જ ચાલશે.
જો મહિને 60,000 રૂપિયા ખર્ચો છો: તો આ 1 કરોડનું ફંડ માત્ર 16 વર્ષમાં પૂરું થઈ જશે.
મોંઘવારી તમારા ખર્ચને કેવી રીતે વધારશે?
રિટાયરમેન્ટ પ્લાનિંગ કરતી વખતે જો તમે મોંઘવારીને ધ્યાનમાં નહીં લો તો ભવિષ્યમાં મોટું નુકસાન થઈ શકે છે. આજે તમારો ઘરખર્ચ 40,000 રૂપિયા મહિને છે, પરંતુ 10 વર્ષ પછી આટલા જ રૂપિયામાં ઘર નહીં ચાલે. જો 6% મોંઘવારી દર ગણીએ, તો આજે જે વસ્તુઓ 40,000 રૂપિયામાં આવે છે, 10 વર્ષ પછી તે જ વસ્તુઓ માટે તમારે દર મહિને 71,600 રૂપિયાની જરૂર પડશે. એટલે માત્ર આજના ખર્ચને જોઈને જ પ્લાનિંગ ન કરવું જોઈએ.
શું બધા પૈસા બેંકની FD માં મૂકવા યોગ્ય છે?
મોટાભાગના લોકો રિટાયરમેન્ટના બધા જ પૈસા ફિક્સ ડિપોઝિટમાં મૂકી દે છે જેથી દર મહિને વ્યાજ મળતું રહે. પરંતુ આ એક મોટી ભૂલ સાબિત થઈ શકે છે. જેમ જેમ મોંઘવારી વધશે તેમ તેમ તમારા FD ના વ્યાજની વેલ્યુ ઘટતી જશે. બીજી તરફ, જો તમે બધા જ પૈસા શેરબજારમાં રોકી દો તો તેમાં રિસ્ક ખૂબ વધારે રહે છે. બજાર ઘટે અને તમારે પૈસાની જરૂર પડે તો નુકસાનમાં પૈસા ઉપાડવા પડે. એટલે હંમેશા તમારા પૈસાને અલગ-અલગ જગ્યાએ વેંચીને રોકવા જોઈએ જેથી મોંઘવારીને બીટ કરી શકાય.
દર મહિને કેટલા પૈસા ઉપાડવા જોઈએ? (4% નો નિયમ)
ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સ રિટાયરમેન્ટ માટે '4% ના ઉપાડનો નિયમ'વાપરવાની સલાહ આપે છે. આ નિયમ મુજબ, તમારે પહેલા વર્ષે તમારા કુલ ફંડના માત્ર 4% પૈસા જ ઉપાડવા જોઈએ.
ઉદાહરણ તરીકે, જો તમારી પાસે 1 કરોડ રૂપિયા છે, તો તેના 4% એટલે કે વાર્ષિક 4 લાખ રૂપિયા થાય. આ હિસાબે તમે શરૂઆતમાં દર મહિને 33,300 રૂપિયા ઉપાડી શકો છો. પછીના વર્ષોમાં જેમ મોંઘવારી વધે (દા.ત. 6%), તેમ તમે તમારા ઉપાડની રકમમાં 6% નો વધારો કરી શકો છો. આ સિસ્ટમથી તમારું ફંડ જલ્દી ખાલી નહીં થાય અને વધતા ખર્ચ સામે આવક પણ વધતી રહેશે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી ફક્ત સામાન્ય જાગૃતિના હેતુ માટે છે. કોઈપણ રોકાણ, લોન, કર, વીમો અથવા અન્ય નાણાકીય નિર્ણયો લેતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતોની સલાહ લો. મનીકંટ્રો કોઈપણ નાણાકીય ઉત્પાદનો અથવા સેવાઓની ભલામણ કરતું નથી.