Gold Buying Tips: સોનું ખરીદતી વખતે ખાસ ચેક કરો આ 3 વસ્તુઓ, ભેળસેળ અને છેતરપિંડીથી બચવા માટે IBJAએ ગ્રાહકોને આપી ખાસ સલાહ
લગ્નસરાની સિઝનમાં નકલી કે ભેળસેળવાળા સોનાની છેતરપિંડીથી બચવા માટે IBJA એ ખાસ એડવાઈઝરી જાહેર કરી છે. સોનું ખરીદતી વખતે BIS હોલમાર્ક અને GST બિલ સહિતની આ 3 બાબતો ખાસ ચકાસો.
IBJA મુજબ, ગ્રાહકોએ સોનાના બિસ્કિ અને સિક્કા માત્ર BIS અને NABLમાં રજિસ્ટર્ડ રિફાઈનર્સ પાસેથી જ ખરીદવા જોઈએ.
Gold Buying Tips: લગ્નસરાની સિઝનમાં સોનાના દાગીના ખરીદનારા લોકો માટે એક ખૂબ જ મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતમાં લગ્ન પ્રસંગોમાં સોનાના દાગીના ભેટમાં આપવાની પરંપરા હોવાથી આ સિઝનમાં ગોલ્ડ જ્વેલરીનું વેચાણ વધી જાય છે. આ દરમિયાન ભેળસેળવાળા સોના અને ખરીદીમાં થતી છેતરપિંડીથી ગ્રાહકોને બચાવવા માટે 'ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન'એ કેટલીક ખાસ સલાહ આપી છે.
IBJA એ 25 નવેમ્બરના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટ કરીને આ અંગે સત્તાવાર એડવાઈઝરી જારી કરી છે. એસોસિએશને ગ્રાહકોને માત્ર BIS અને NABL રજિસ્ટર્ડ રિફાઈનર્સ પાસેથી જ સોનું ખરીદવાની સલાહ આપી છે. IBJA નું કહેવું છે કે આવા રિફાઈનર્સ સરકારી ધારાધોરણોનું પાલન કરે છે અને તેમની પાસે સોનાની શુદ્ધતા તપાસવા માટે આધુનિક મશીનો હોય છે, જેનાથી સોનામાં રહેલી અન્ય ધાતુઓ અને અશુદ્ધિઓ પકડી શકાય છે.
જોકે, એસોસિએશનના સચિવ સુરેન્દ્ર મહેતાએ સ્પષ્ટતા કરી છે કે આ માત્ર એક સાવચેતીના ભાગરૂપે આપવામાં આવેલી સલાહ છે. છેલ્લા એક વર્ષમાં એસોસિએશનને સોનામાં ભેળસેળ અંગેની કોઈ મોટી કે ખાસ ફરિયાદ મળી નથી.
સોનું ખરીદતી વખતે ગ્રાહકોએ આ 3 બાબતોનું ખાસ ધ્યાન રાખવું
1. માત્ર BIS અને NABL રજિસ્ટર્ડ રિફાઈનર પાસેથી જ ખરીદો ગોલ્ડ
IBJA મુજબ, ગ્રાહકોએ સોનાના બિસ્કિ અને સિક્કા માત્ર BIS અને NABLમાં રજિસ્ટર્ડ રિફાઈનર્સ પાસેથી જ ખરીદવા જોઈએ. આ સંસ્થાઓ સાથે જોડાયેલા રિફાઈનર્સ નિયમોનું પાલન કરે છે અને આધુનિક ટેસ્ટિંગ મશીનોનો ઉપયોગ કરે છે. BIS ગ્રાહક બાબતોના મંત્રાલય હેઠળ કામ કરે છે. NABL ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા હેઠળ આવે છે.
2. પાક્કું GST વાળું બિલ અચૂક લો
સોનાના સિક્કા, બિસ્કિટ કે દાગીના ખરીદતી વખતે GST ચૂકવ્યા પછી મળતું પાક્કું બિલ જરૂર લો. આ બિલમાં સોનાની શુદ્ધતા, વજન અને ખરીદીને લગતી અન્ય તમામ મહત્વની વિગતો લખેલી હોય છે. IBJA સચિવ સુરેન્દ્ર મહેતાએ કહ્યું કે દાગીનાની ખરીદીના કિસ્સામાં ગ્રાહકોએ હંમેશા BIS રજિસ્ટર્ડ જ્વેલર્સને જ પ્રાથમિકતા આપવી જોઈએ અને GST બિલ સાથે જ ખરીદી કરવી જોઈએ.
3. 'BIS Care' એપથી હોલમાર્ક અને HUID નંબરની તપાસ કરો
હોલમાર્ક વાળી જ્વેલરી ખરીદતી વખતે તેના પર લખેલા હોલમાર્ક યુનિક આઈડેન્ટિફિકેશન નંબર ની તપાસ ચોક્કસ કરો. આ માટે તમે તમારા મોબાઈલમાં 'BIS Care' એપનો ઉપયોગ કરી શકો છો. HUID નંબર નાખીને ગ્રાહકો દાગીનાના હોલમાર્કિંગને લગતી સાચી માહિતી વેરિફાઈ કરી શકે છે. તેનાથી ખરીદી સમયે સોનાની શુદ્ધતા અંગે જ્વેલર દ્વારા કરવામાં આવેલા દાવાઓની સત્યતા તપાસવામાં મદદ મળે છે.
જો સોનામાં ભેળસેળ કે ગડબડ નીકળે તો ક્યાં કરવી ફરિયાદ?
જો સોનું ખરીદ્યા પછી તેની શુદ્ધતામાં કોઈ ગડબડ કે ભેળસેળ હોવાનું માલૂમ પડે, તો ગ્રાહક સંબંધિત જ્વેલર વિરુદ્ધ સીધી બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટેન્ડર્ડ્સમાં ફરિયાદ કરી શકે છે. સુરેન્દ્ર મહેતાના જણાવ્યા અનુસાર, ભેળસેળનો મામલો સામે આવવા પર BIS સંબંધિત જ્વેલર સામે કડક કાર્યવાહી કરી શકે છે. એટલું જ નહીં, જો તપાસમાં હોલમાર્કિંગ એજન્સીની ભૂલ જણાય તો તેની સામે પણ પગલાં લેવામાં આવે છે.
એસોસિએશને ગ્રાહકોને અપીલ કરી છે કે તેઓ માત્ર કિંમત અને આકર્ષક ડિઝાઈન જોઈને સોનું ન ખરીદે, પરંતુ તેની શુદ્ધતા, સ્ત્રોત અને જરૂરી દસ્તાવેજોની પણ પૂરતી ચકાસણી કરે.