CBDTના આ નવા પગલાથી NRI પાસેથી મિલકત ખરીદ્યા પછી નાગરિકોને જે મુશ્કેલીઓ વેઠવી પડતી હતી તેનો અંત આવશે.
NRI Property Purchase: જો તમે ભવિષ્યમાં કોઈ મિલકત કે પ્રોપર્ટી ખરીદવાનું વિચારી રહ્યા છો, ખાસ કરીને કોઈ બિન-નિવાસી ભારતીય પાસેથી, તો તમારા માટે એક ખૂબ જ રાહતના સમાચાર છે. કેન્દ્ર સરકારે મિલકત ખરીદનારાઓને કાગળની લાંબી ઝંઝટમાંથી મુક્તિ અપાવવા માટે એક મોટો નિર્ણય લીધો છે. આગામી 1 ઓક્ટોબરથી પ્રોપર્ટી ખરીદીના નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, જેનાથી સામાન્ય નાગરિકોને ઘણો ફાયદો થશે.
હવે નહીં પડે TAN-TDS નંબરની જરૂર
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા એક નવો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ નવા નિયમ મુજબ, હવેથી NRI પાસેથી કોઈપણ મિલકત ખરીદનાર વ્યક્તિએ અલગથી TAN-TDS (Tax Deduction and Collection Account Number) લેવાની કોઈ જ જરૂર રહેશે નહીં. આગામી 1 ઓક્ટોબરથી આ નવી જોગવાઈ સમગ્ર દેશમાં અમલમાં આવી જશે. આ નિર્ણયથી પ્રોપર્ટી ડીલિંગ બાદ થતી કાગળની કાર્યવાહી અને કાયદાકીય પ્રક્રિયાઓ એકદમ સરળ બની જશે.
ફોર્મ 161 અને 144 મર્જ કરીને નવું ફોર્મ 16 બહાર પડાયું
ટેક્સની પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવા માટે સરકારે ફોર્મ્સમાં પણ ફેરફાર કર્યો છે. અગાઉ ભારતીય રહેવાસીઓ માટે ફોર્મ 16 વપરાતું હતું, જ્યારે બિન-નિવાસી ભારતીય માટે ફોર્મ 144 નો ઉપયોગ થતો હતો. હવે સરકારે ફોર્મ નંબર 161 અને 144 ને મર્જ કરીને એક સુધારેલું 'નવું ફોર્મ 16' બહાર પાડ્યું છે.
આ નવા ફોર્મ 16માં જ નોન-રેસિડન્ટની માહિતી દર્શાવવા માટે એક ખાસ કોલમ ઉમેરી દેવામાં આવી છે. આ વ્યવસ્થા લાગુ થવાથી મિલકત ખરીદનારે હવે અલગથી TDS નંબર મેળવવા માટે ધક્કા ખાવા પડશે નહીં.
જૂની અને નવી ટેક્સ વ્યવસ્થા વચ્ચે શું છે તફાવત?
જૂનો નિયમ: અગાઉના નિયમ પ્રમાણે, જો કોઈ વ્યક્તિ ભારતના સામાન્ય નિવાસી પાસેથી 50 લાખ રૂપિયાથી વધુની પ્રોપર્ટી ખરીદે, તો તેણે પેમેન્ટ પર 1 ટકાના દરે TDS કાપવો પડતો હતો. પરંતુ, જો મિલકત વેચનાર NRI હોય, તો પેમેન્ટ પર સીધો 12.5 ટકાના દરે TDS કાપવાનો નિયમ હતો. આ પ્રક્રિયા માટે ખરીદદારે અલગથી ફોર્મ ભરવું, ચલણ જમા કરાવવું, TAN નંબર લેવો અને ફોર્મ 16 માં TDS સર્ટિફિકેટ આપવા જેવી જટિલ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડતું હતું.
નવો નિયમ: હવે નવા સુધારેલા ફોર્મમાં ભારતીય નિવાસી અને NRI બંનેની વિગતો એકસાથે સરળતાથી ભરી શકાશે. જેના કારણે અલગથી એકાઉન્ટ નંબર કે ફોર્મ ભરવાની મગજમારીમાંથી કાયમી છુટકારો મળશે. જોકે, તમને જણાવી દઈએ કે ભારતના સ્થાનિક નિવાસી પાસેથી મિલકત ખરીદવામાં પહેલા પણ TAN નંબર લેવાની જરૂર પડતી નહોતી.
CBDTના આ નવા પગલાથી NRI પાસેથી મિલકત ખરીદ્યા પછી નાગરિકોને જે મુશ્કેલીઓ વેઠવી પડતી હતી તેનો અંત આવશે. 1 ઓક્ટોબરથી આ સંપૂર્ણ નવી વ્યવસ્થા દેશભરમાં લાગુ થતાં જ પ્રોપર્ટી માર્કેટમાં NRI ડીલ વધુ ઝડપી અને કાગળરહિત બની જશે. સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મળનારી આ રાહત ખરીદદારો માટે એક મોટો આશીર્વાદ સાબિત થશે.