Google Pay: ગૂગલ પેએ પોતાના યુઝર્સ માટે એક ખાસ ફીચર લોન્ચ કર્યું છે. તેની મદદથી યુઝર્સ હવે એટીએમ કાર્ડ વગર પણ પોતાનું યુપીઆઈ એકાઉન્ટ બનાવી શકશે. ગૂગલ પેએ કહ્યું કે એટીએમ કાર્ડને બદલે હવે યુઝર્સ તેમના આધાર નંબરની વેરિફિકેશન કરીને UPI એકાઉન્ટ ખોલી શકશે. ગૂગલ પેની હરીફ કંપની PhonePeએ પણ થોડા દિવસો પહેલા આવી જ સર્વિસ લોન્ચ કરી હતી. જો કે, આધાર દ્વારા UPI એકાઉન્ટ બનાવવા માટે, તે જરૂરી છે કે યુઝર્સનું બેન્ક એકાઉન્ટ અને ફોન નંબર પણ તેમના આધાર સાથે લિંક હોય. જો આમ ન થાય તો તેઓએ પોતાનું બેન્ક એકાઉન્ટ આધાર સાથે લિંક કરવું પડશે.
ગૂગલ પેએ કહ્યું કે તેની નવી સુવિધાઓ લગભગ 22 બેન્કોના ખાતાધારકો માટે ઉપલબ્ધ છે. આ તમામ બેન્કો UPI માટે આધાર આધારિત OTP નંબર વેરિફિકેશનની સર્વિસને સમર્થન આપે છે. ગૂગલના પ્રોડક્ટ મેનેજમેન્ટ ડાયરેક્ટર શરત બુલુસુએ જણાવ્યું હતું કે આ નવી સુવિધાઓ યુઝર્સ માટે વસ્તુઓને સરળ અને સુવિધાજનક બનાવવામાં મદદ કરશે.
ગૂગલ પે એપ ઇન્સ્ટોલ કર્યા પછી, યુઝર્સને હવે UPI એકાઉન્ટ બનાવવા માટે બે વિકલ્પો મળશે. પ્રથમ - ડેબિટ કાર્ડ દ્વારા, બીજું - આધાર દ્વારા. Google Pay એ કહ્યું કે તે યુઝર્સના આધાર નંબર તેમની સાથે સંગ્રહિત કરશે નહીં અને ફક્ત વેરિફિકેશનની પદ્ધતિ તરીકે કાર્ય કરશે.
આધાર દ્વારા વેરિફિકેશન પસંદ કરનારા યુઝર્સે તેમના આધાર નંબરના પહેલા છ અંકો દાખલ કરવાના રહેશે. પછી તેમને UIDAI તરફથી અને પછી તેમની બેન્કમાંથી OTP મળશે, જે તેમણે આપેલી જગ્યામાં ભરવાની રહેશે. આ પછી, તેમની સંબંધિત બેન્ક પ્રક્રિયા પૂર્ણ કરશે અને તે પછી તેઓ તેમનો UPI પિન સેટ કરી શકશે.