SBI Cyber Fraud: ભારતની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ તેના ગ્રાહકોની સુરક્ષા માટે એક મહત્વનું એલર્ટ જાહેર કર્યું છે. દેશમાં સાઇબર ફ્રોડના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, SBIએ ગ્રાહકોને સાવચેત રહેવા અને સુરક્ષિત રહેવા માટે આ મહત્વની સૂચના આપી છે.
SBIએ તેના ઓફિશિયલ X એકાઉન્ટ પર જણાવ્યું છે કે તેમનું કૉન્ટેક્ટ સેન્ટર માત્ર બે પ્રકારના નંબરો- 1600 અને 140થી શરૂ થતી સિરીઝથી જ ગ્રાહકોને કૉલ કરે છે. જો તમારી પાસે આ બે સિરીઝ સિવાયના કોઈ અન્ય નંબરથી કૉલ આવે અને કૉલર પોતાને SBIનો અધિકારી કે કર્મચારી ગણાવે, તો તમારે સાવધાની રાખવી જરૂરી છે.
SBI માત્ર આ નંબરોથી જ કરે છે કૉલ
SBIના જણાવ્યા અનુસાર, તેમના 10 આંકડાના નંબર 1600 XX XXXX અથવા 140 XXX XXXX ફોર્મેટમાં હોય છે. જો આ નંબરો સિવાયના અન્ય નંબરથી કૉલ આવે, તો તે શંકાસ્પદ હોઈ શકે છે. ગ્રાહકોએ ક્યારેય પણ પોતાની બેંક એકાઉન્ટની ગોપનીય માહિતી જેમ કે OTP, બેંક એકાઉન્ટ નંબર, પાન નંબર, પાસવર્ડ, ATM કાર્ડ નંબર કે પિન શેર ન કરવા જોઈએ. આ ઉપરાંત, અજાણ્યા લિંક્સ પર ક્લિક કરવાનું પણ ટાળવું જોઈએ.
જો તમે કોઈ સાઇબર ફ્રોડનો શિકાર બનો છો, તો તાત્કાલિક 1930 પર કૉલ કરીને ફરિયાદ નોંધાવો. SBIએ ગ્રાહકોને સલાહ આપી છે કે તેઓ કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણ તાત્કાલિક કરે, જેથી સમયસર પગલાં લઈ શકાય. આ એલર્ટનો હેતુ ગ્રાહકોને સાઇબર ફ્રોડથી બચાવવાનો છે. તેથી, SBIના ગ્રાહકો તરીકે તમારે હંમેશા સતર્ક રહેવું જોઈએ અને બેંકની સત્તાવાર સૂચનાઓનું પાલન કરવું જોઈએ.