કિસમિસ (સુકી દ્રાક્ષ): અગાઉ 250 રૂપિયા પ્રતિ કિલો મળતી કિસમિસમાં સીધો 80% નો ઉછાળો આવ્યો છે. હવે તેનો નવો ભાવ 450 રૂપિયા થઈ ગયો છે.
Dry fruit price hike in Gujarat: ગુજરાતમાં તહેવારોની સિઝન શરૂ થતાં જ સામાન્ય પ્રજા પર મોંઘવારીનો મોટો બોજ આવી પડ્યો છે. પવિત્ર શ્રાવણ મહિનામાં જ લોકો મોંઘવારીની ચક્કીમાં પીસાઈ રહ્યા છે. સુકામેવા, ખાંડ, લોટ અને તેલ જેવી રોજિંદી જરૂરિયાતની વસ્તુઓના ભાવ આસમાને પહોંચી ગયા છે. એક તરફ નેતાઓ મૌન સેવીને બેઠા છે અને બીજી તરફ ગરીબ તેમજ મધ્યમ વર્ગ માટે તહેવાર મનાવવો આર્થિક રીતે મુશ્કેલ બની ગયો છે.
સુકામેવાના ભાવમાં વિસ્ફોટક વધારો
માર્કેટના સૂત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા થોડા દિવસોમાં જ સુકામેવાના ભાવમાં કમરતોડ વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને મહાદેવને ધરાવાતા ચૂરમાના લાડુ અને પ્રસાદમાં વપરાતા સુકામેવાના ભાવ સામાન્ય માણસના બજેટની બહાર થઈ ગયા છે. બજારમાં નવા ભાવ કંઈક આ મુજબ છે:
કિસમિસ (સુકી દ્રાક્ષ): અગાઉ 250 રૂપિયા પ્રતિ કિલો મળતી કિસમિસમાં સીધો 80% નો ઉછાળો આવ્યો છે. હવે તેનો નવો ભાવ 450 રૂપિયા થઈ ગયો છે.
બદામ: માત્ર એક અઠવાડિયા પહેલાં 1000 રૂપિયા કિલો વેચાતી બદામના ભાવમાં 20% નો વધારો થતા તે હવે 1200 રૂપિયે કિલો થઈ ગઈ છે.
એલચી: એલચીના ભાવ પહેલાંથી જ 3500 રૂપિયા પ્રતિ કિલો હતા, જેમાં વધુ 30% નો વધારો થતા હવે તે 4500 રૂપિયાના ઊંચા સ્તરે પહોંચી ગઈ છે.
ખાંડ અને ગેસ મોંઘા થતાં કાચો માલ મોંઘો પડ્યો
સુરત સહિત સમગ્ર રાજ્યમાં ખાંડના ભાવ 70 રૂપિયાને પાર કરી ગયા છે. શહેરના દૂધ અને મીઠાઈના વેપારીઓના મતે ખાંડના ભાવમાં લગભગ 40% નો વધારો નોંધાયો છે. આ ઉપરાંત કોમર્શિયલ ગેસ સિલિન્ડર અને દૂધના ભાવમાં પણ અગાઉ વધારો ઝીંકાઈ ચૂક્યો છે, જેના કારણે મીઠાઈ અને ફરસાણ બનાવવા માટેનો કાચો માલ ઘણો મોંઘો પડી રહ્યો છે.
તહેવારોની મજા બગડશે: મીઠાઈમાં 10% સુધીનો વધારો
શ્રાવણ માસ, આવનાર રક્ષાબંધન અને ગણેશોત્સવ જેવા તહેવારોમાં મીઠાઈનું વિશેષ મહત્વ હોય છે. બજારમાં હાલમાં પેંડા અને કાજુ કતરી જેવી મીઠાઈઓ સરેરાશ 450 થી 1200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. પરંતુ ઉત્પાદન ખર્ચ વધતા આગામી દિવસોમાં મીઠાઈના ભાવમાં 10% સુધીનો સત્તાવાર વધારો લાગુ થઈ શકે છે. કેટલાક વેપારીઓએ તો અત્યારથી જ મીઠાઈના ભાવમાં કિલો દીઠ 40 થી 50 રૂપિયાનો વધારો કરી દીધો છે.
આમ, આ વર્ષે તહેવારોની મોસમ સામાન્ય માણસના ખિસ્સા પર ભારે પડવાની છે. સુકામેવાથી લઈને દૈનિક જીવનમાં વપરાતા લોટ અને તેલ સુધીની દરેક વસ્તુ પર મોંઘવારીનું ગ્રહણ લાગી ગયું છે, જેણે તહેવારોના ઉત્સાહને ફીક્કો પાડી દીધો છે.