Income Tax Return: ITRમાં વિદેશી આવક અને સંપત્તિની માહિતી છુપાવી તો લાગશે 10 લાખનો દંડ! જાણો નવા નિયમો
ITR filing AY 2026-27: આકારણી વર્ષ 2026-27 માટે ITR ફાઇલ કરતી વખતે વિદેશી બેન્ક ખાતા કે સંપત્તિની વિગતો આપવી ફરજિયાત છે. માહિતી છુપાવવા પર 10 લાખ રૂપિયાનો દંડ થઈ શકે છે. જાણો ITRના નવા નિયમો
ITR filing AY 2026-27: આકારણી વર્ષ 2026-27 માટે ITR ફાઇલ કરતી વખતે વિદેશી બેન્ક ખાતા કે સંપત્તિની વિગતો આપવી ફરજિયાત છે.
ITR filing AY 2026-27: ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ભરવાની સિઝન શરૂ થઈ ગઈ છે. આકારણી વર્ષ (Assessment Year) 2026-27 માટે ટેક્સપેયર્સ પોતાનું રિટર્ન ફાઈલ કરી રહ્યા છે. આવકવેરા વિભાગ હંમેશા સલાહ આપે છે કે ટેક્સપેયર્સએ પોતાની તમામ આવકની સાચી અને સંપૂર્ણ માહિતી ITR માં આપવી જોઈએ. પરંતુ, જો તમારી પાસે વિદેશમાં કોઈ સંપત્તિ છે અથવા તમને ત્યાંથી કોઈ આવક થાય છે, તો તમારે રિટર્ન ભરતી વખતે વિશેષ સાવધાની રાખવાની જરૂર છે.
ટેક્સ ચોરી અને બ્લેક મની રોકવા માટે સરકારે કાયદાઓ ખૂબ જ કડક બનાવ્યા છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે વિદેશી સંપત્તિ અંગે આવકવેરા વિભાગના નવા નિયમો શું કહે છે.
વિદેશી સંપત્તિ છુપાવવા પર 10 લાખનો તોતિંગ દંડ!
આવકવેરાના નિયમો અનુસાર, ભારતમાં રહેતા નાગરિકો (રેસિડેન્ટ કે ઓર્ડિનરી રેસિડેન્ટ - ROR) માટે તેમની વિદેશી આવક અને સંપત્તિની માહિતી આપવી એકદમ ફરજિયાત છે. વિદેશી સંપત્તિમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
* વિદેશી બેન્ક ખાતા
* વિદેશી કંપનીના શેર કે રોકાણ
* વિદેશી રિટાયરમેન્ટ એકાઉન્ટ્સ
* એમ્પ્લોયી સ્ટોક ઓનરશિપ પ્લાન (ESOP)
જો કોઈ કરદાતા ITR માં આ સંપત્તિની માહિતી આપવાનું ભૂલી જાય કે છુપાવે, તો ‘બ્લેક મની એક્ટ' (BMA) હેઠળ તેના પર 10 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવી શકે છે. સૌથી મોટી વાત એ છે કે, જો તે વિદેશી સંપત્તિ પર તમારો કોઈ ટેક્સ ન બનતો હોય, તો પણ માહિતી ન આપવા બદલ આ દંડ ભરવો પડી શકે છે.
રિટર્ન માટે કયું ફોર્મ ભરવું અને વિગતો ક્યાં આપવી?
ITR-2 ફોર્મ: જો તમને વિદેશમાંથી આવક થાય છે પણ તમારો કોઈ પોતાનો બિઝનેસ કે પ્રોફેશન નથી, તો તમારે ITR-2 ફોર્મ પસંદ કરવાનું રહેશે. આ ફોર્મમાં ‘શેડ્યૂલ એફએ' (Schedule FA) નામનો એક વિભાગ હોય છે, જેમાં તમારે તમારી વિદેશી સંપત્તિની તમામ ડિટેલ આપવાની હોય છે.
ITR-3 ફોર્મ: જે લોકો વિદેશમાં સંપત્તિ ધરાવે છે અને સાથે સાથે તેમને કોઈ બિઝનેસ કે પ્રોફેશનમાંથી પણ આવક થાય છે, તેમણે ITR-3 ફોર્મ દ્વારા રિટર્ન ફાઈલ કરવાનું રહેશે.
કયા સમયગાળાની માહિતી આપવી?
ભારતમાં આપણે સામાન્ય રીતે એપ્રિલથી માર્ચ સુધીના નાણાકીય વર્ષનો હિસાબ ITR માં આપીએ છીએ. પરંતુ, વિદેશી સંપત્તિના કિસ્સામાં નિયમ થોડો અલગ છે. દુનિયાના મોટાભાગના દેશો 'કેલેન્ડર વર્ષ' (જાન્યુઆરીથી ડિસેમ્બર) ને જ નાણાકીય વર્ષ માને છે. તેથી, નિયમો મુજબ આકારણી વર્ષ 2026-27 ના ITR માં તમારે જાન્યુઆરી 2025 થી ડિસેમ્બર 2025 સુધીની વિદેશી સંપત્તિ અને આવકની વિગતો આપવાની રહેશે.
ડબલ ટેક્સેશનથી કેવી રીતે બચવું?
ઘણા લોકોને ચિંતા હોય છે કે વિદેશની કમાણી પર ત્યાં પણ ટેક્સ કપાયો હોય અને ભારતમાં પણ ટેક્સ ભરવો પડે તો? આ ડબલ ટેક્સથી બચવા માટે ટેક્સપેયર્સ ફોરેન ટેક્સ ક્રેડિટ (FTC) નો દાવો કરી શકે છે.
આ રાહત ભારત અને તે દેશ વચ્ચે થયેલા ડબલ ટેક્સેશન એવોઈડન્સ એગ્રીમેન્ટ (DTAA) ની શરતો પર આધાર રાખે છે. યોગ્ય ક્રેડિટ મેળવવા માટે તમારે ચૂકવેલા વિદેશી ટેક્સની માહિતી ITR ના ‘શિડ્યૂલ ટીઆર' (Schedule TR - ટેક્સ રિલીફ) માં અચૂક આપવી પડશે.
કોઈપણ નોટિસ, પેનલ્ટી કે લાંબી તપાસથી બચવાનો શ્રેષ્ઠ રસ્તો એ જ છે કે રિટર્ન સબમિટ કરતા પહેલાં તમારા તમામ નાણાકીય રેકોર્ડ્સ બરાબર ચેક કરી લો. પારદર્શિતા રાખવાથી તમે ટેક્સ વિભાગની કડક કાર્યવાહી અને 10 લાખ રૂપિયાના દંડથી સુરક્ષિત રહી શકશો. સમયસર અને સાચી માહિતી સાથે ITR ફાઈલ કરો.