સાચું ફોર્મ પસંદ કરવાથી લઈને ડોક્યુમેન્ટ્સ અને ઈ-વેરિફિકેશન સુધીની સંપૂર્ણ માહિતી જાણી લો.
ITR Filing 2026: ઇન્કમ ટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની છેલ્લી તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, તેમ લાખો ટેક્સપેયર્સ પોતાનું રિટર્ન ભરવાની તૈયારીમાં લાગી ગયા છે. ITR Filing 2026ને લઈને એવા ઘણા લોકો છે જેઓ પહેલીવાર પોતાનો ટેક્સ ફાઈલ કરવા જઈ રહ્યા છે. મોટાભાગે પહેલીવાર રિટર્ન ભરતી વખતે મનમાં ડર અને મૂંઝવણ હોય છે કે કોઈ ભૂલ તો નહીં થઈ જાય ને! પરંતુ હવે તમારે જરા પણ ગભરાવવાની જરૂર નથી.
જો તમે કેટલાક મહત્વના સ્ટેપ્સ સમજી લેશો અને જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખશો, તો તમે ઘરે બેઠા જ કોઈ પણ ભૂલ વગર સરળતાથી તમારું ITR ફાઈલ કરી શકશો. ચાલો જાણીએ તેની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ.
ITR ફાઈલ કરતા પહેલા આ ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખો
કોઈપણ કામની શરૂઆત યોગ્ય તૈયારીથી થાય છે. રિટર્ન ભરવા બેસો તે પહેલાં તમારી પાસે નીચે મુજબના દસ્તાવેજો હોવા ખૂબ જ જરૂરી છે:
* પાન કાર્ડ (PAN Card) અને આધાર કાર્ડ
* ફોર્મ 16 (Form 16 - નોકરી કરતા લોકો માટે)
* ફોર્મ 26AS (Form 26AS)
* એન્યુઅલ ઇન્ફોર્મેશન સ્ટેટમેન્ટ (AIS)
* બેંક એકાઉન્ટની વિગતો
* જો તમે શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ કે ફિક્સ્ડ ડિપોઝિટ (FD)માં રોકાણ કર્યું હોય તો તેના રેકોર્ડ્સ. આ દસ્તાવેજોની મદદથી તમારી આવક, કપાયેલો ટેક્સ અને અન્ય આર્થિક માહિતીનો સચોટ મેળ બેસાડી શકાશે.
તમારી આવક મુજબ સાચું ITR ફોર્મ પસંદ કરો
ઇન્કમ ટેક્સ રિટર્ન ભરવાની પ્રક્રિયામાં સૌથી મહત્વનો તબક્કો છે ‘સાચા ફોર્મની પસંદગી'. જો તમે નોકરી કરો છો (Salaried Person), તો તમારે સામાન્ય રીતે ITR-1 ફોર્મ ભરવાનું હોય છે. પરંતુ જો તમારી આવક બિઝનેસમાંથી આવતી હોય, શેરબજારના કેપિટલ ગેઇન્સમાંથી આવતી હોય કે અન્ય કોઈ સોર્સથી હોય, તો તમારે અલગ ફોર્મ પસંદ કરવું પડશે. જો તમે ખોટું ફોર્મ પસંદ કરશો, તો તમારું રિટર્ન પ્રોસેસ થવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.
ઈ-ફાઈલિંગ પોર્ટલ પર માહિતી કેવી રીતે ભરવી?
> સાચું ફોર્મ પસંદ કર્યા પછી, ઇન્કમ ટેક્સના ઓફિશિયલ ઈ-ફાઈલિંગ પોર્ટલ પર લોગીન કરો.
> આજકાલ પોર્ટલ પર ઘણી બધી માહિતી પહેલેથી જ ભરેલી (Pre-filled) આવે છે. પણ આંખ > બંધ કરીને તેના પર વિશ્વાસ ન કરો, તેને તમારા ડોક્યુમેન્ટ્સ સાથે ક્રોસ-ચેક જરૂર કરો.
> અંતે, સબમિટ કરતા પહેલા ફોર્મમાં ભરેલી તમામ વિગતો ફરીથી ચકાસી લો.
પહેલીવાર ITR ભરતી વખતે આ 8 બાબતોનું ખાસ ધ્યાન રાખો:
~ તમારા પાન અને આધાર કાર્ડની માહિતી એકદમ સાચી હોવી જોઈએ.
~ Form 16, AIS અને Form 26AS માં આપેલી માહિતીનો તાળો જરૂર મેળવો.
~ આવકના સ્ત્રોત મુજબ સાચા ITR ફોર્મની જ પસંદગી કરો.
~ તમારી કમાણીના તમામ સોર્સની માહિતી છુપાવ્યા વિના યોગ્ય રીતે ભરો.
~ જો તમે ટેક્સ બચાવવા માટે રોકાણ કર્યું હોય, તો ડિડક્શન્સ (Deductions) નો ક્લેમ કરવાનું ભૂલશો નહીં.
~ ફાઇનલ સબમિશન કરતા પહેલા આખું ફોર્મ બે વાર ચેક કરો.
~ રિટર્ન જમા કર્યા પછી તેનું ઈ-વેરિફિકેશન કરવું ફરજિયાત છે.
~ ભવિષ્યના ઉપયોગ માટે રિટર્નની પહોંચ (Acknowledgement Copy) ડાઉનલોડ કરીને સુરક્ષિત રાખો.
ઈ-વેરિફિકેશન વગર પ્રક્રિયા અધૂરી
ઘણા લોકો રિટર્ન સબમિટ કરીને માની લે છે કે કામ પૂરું થઈ ગયું, પણ એવું નથી. ફોર્મ જમા કર્યા પછી ઈ-વેરિફિકેશન (e-Verification) કરવું અત્યંત જરૂરી છે. આ કામ તમે તમારા આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવતા OTP, નેટ બેન્કિંગ, બેંક એકાઉન્ટ અથવા ડિજિટલ સિગ્નેચર દ્વારા સરળતાથી કરી શકો છો. યાદ રાખો, જ્યાં સુધી તમે ઈ-વેરિફિકેશન નહીં કરો, ત્યાં સુધી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તમારા રિટર્નને પ્રોસેસ કરશે નહીં.
એક્સપર્ટ્સની સલાહ છે કે પહેલીવાર ITR ભરતી વખતે કોઈપણ પ્રકારની ઉતાવળ ટાળવી જોઈએ. તમામ ડોક્યુમેન્ટ્સની ઝીણવટભરી તપાસ કર્યા પછી જ રિટર્ન જમા કરવું હિતાવહ છે. યોગ્ય સમયે અને સાચી રીતે ITR ભરવાથી તમને ભવિષ્યમાં હોમ લોન, પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ કે વિદેશ જવા માટે વિઝા મેળવવામાં ખૂબ જ મદદ મળે છે.