હવે એરપોર્ટ પર લાંબી લાઈનો ભૂલી જાઓ! આવી ગયો છે નવો e-Passport, જાણો શું છે ખાસિયતો અને કેવી રીતે બચાવશે તમારો સમય
e-Passport India: ભારતમાં હવે e-Passport યુગની શરૂઆત થઈ ચૂકી છે! જાણો માઇક્રોચિપ ધરાવતો આ નવો પાસપોર્ટ કેવી રીતે કામ કરે છે, તેનાથી એરપોર્ટ પર ઇમિગ્રેશનમાં કેવી રીતે સમય બચશે અને તે જૂના પાસપોર્ટથી કેટલો અલગ અને વધુ સુરક્ષિત છે.
વિદેશ યાત્રા કરનારાઓ માટે એક મોટા અને સારા સમાચાર છે.
e-Passport India: વિદેશ યાત્રા કરનારાઓ માટે એક મોટા અને સારા સમાચાર છે. ભારતીય વિદેશ મંત્રાલયે દેશભરમાં e-Passport જારી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જેનાથી હવે એરપોર્ટ પર ઇમિગ્રેશન કાઉન્ટર પર થતી લાંબી લાઇન અને સમયના બગાડમાંથી મુક્તિ મળશે. આ નવો પાસપોર્ટ સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મજબૂત છે અને મુસાફરીને વધુ સરળ બનાવશે.
ચાલો વિગતે જાણીએ કે આ નવો e-Passport શું છે અને તેનાથી તમને શું ફાયદા થશે.
શું છે આ નવો e-Passport?
e-Passport દેખાવમાં તમારા જૂના પાસપોર્ટ જેવો જ છે, પરંતુ તેના કવર પર અશોક સ્તંભની નીચે એક નાની ઇલેક્ટ્રોનિક ચિપ લગાવેલી છે. આ ચિપમાં પાસપોર્ટ ધારકની બધી જ જરૂરી માહિતી જેવી કે નામ, સરનામું, ફોટો અને બાયોમેટ્રિક ડેટા (ફિંગરપ્રિન્ટ) સુરક્ષિત રીતે સ્ટોર કરેલી હોય છે. જો તમે 28મે 2025ના રોજ અથવા તે પછી તમારો પાસપોર્ટ કઢાવો છો અથવા રિન્યુ કરાવો છો, તો તમને નવો e-Passport જ મળશે.
મુખ્ય ફાયદાઓ: સુરક્ષા અને સમયની બચત
આ ચિપને કારણે હવે નકલી પાસપોર્ટ બનાવવા કે દસ્તાવેજોનો ખોટો ઉપયોગ કરવો લગભગ અશક્ય બની જશે. e-Passport ધારકોને હવે એરપોર્ટ પર ઇમિગ્રેશન કાઉન્ટર પર લાંબો સમય રાહ નહીં જોવી પડે. વેરિફિકેશનની પ્રક્રિયા ખૂબ જ ઝડપી અને સરળ બની જશે.
એરપોર્ટ પર કેવી રીતે કામ કરશે?
નવા e-Passport સાથે, તમારે ઇમિગ્રેશન ગેટ પર લાગેલી ટચ સ્ક્રીન પર ફક્ત પાસપોર્ટની ચિપને ટચ કરવાની રહેશે. સિસ્ટમ તરત જ તમારી માહિતી વેરીફાય કરી લેશે અને ગેટ આપોઆપ ખૂલી જશે. આ પ્રક્રિયા "ટ્રસ્ટેડ ટ્રાવેલર પ્રોગ્રામ" હેઠળ કરવામાં આવી રહી છે, જે ભારતીય એરપોર્ટ પર ચાલી રહેલા 'ડિજિ યાત્રા'નું જ એક વૈશ્વિક સ્વરૂપ છે.
આંકડા શું કહે છે?
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં દેશમાં 80 લાખ લોકોને e-Passport જારી કરી દેવામાં આવ્યા છે. વિદેશમાં ભારતીય દૂતાવાસો દ્વારા 60,000 e-Passport જારી કરાયા છે. આજથી 10 વર્ષ પહેલાં જ્યાં વર્ષે 50 લાખ પાસપોર્ટ બનતા હતા, ત્યાં હવે દર વર્ષે 1.5 કરોડ પાસપોર્ટ જારી કરવામાં આવી રહ્યા છે.
સરકારની કામગીરી અને સુવિધાઓ
પાસપોર્ટ મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા માટે, વિદેશ મંત્રાલય દેશના દરેક લોકસભા ક્ષેત્રમાં પાસપોર્ટ સુવિધા કેન્દ્ર ખોલી રહ્યું છે. અત્યાર સુધીમાં 511 લોકસભા ક્ષેત્રમાં આ કેન્દ્રો ખૂલી ચૂક્યા છે. બાકી રહેલા 32 ક્ષેત્રોમાં પણ ટૂંક સમયમાં કેન્દ્રો શરૂ કરવામાં આવશે. નાગરિકોની સુવિધા માટે પાસપોર્ટ સંબંધિત માહિતી હવે દેશની 17 જુદી-જુદી ભાષાઓમાં ઉપલબ્ધ છે. આમ, e-Passport ભારતીય નાગરિકો માટે વિદેશ યાત્રાને વધુ સુરક્ષિત, ઝડપી અને તણાવમુક્ત બનાવવાની દિશામાં એક મોટું અને મહત્વનું પગલું છે.