Gold Bond નો જાદુ: 3,788 ના રોકાણ સામે હવે મળી રહ્યા છે 15,009; રોકાણકારોના પૈસા 5 વર્ષમાં થયા 4 ગણા!
RBI એ સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) 2019-20 સીરીઝ V માટે રિડેમ્પશન પ્રાઈસ 15,009 નક્કી કરી છે. 3,788 માં ખરીદેલા આ બોન્ડ પર રોકાણકારોને 296% થી વધુ નફો મળી રહ્યો છે. જાણો સંપૂર્ણ વિગત.
જો તમે મેચ્યોરિટી પહેલા એટલે કે 5 વર્ષે પૈસા પાછા ખેંચો છો, તો મળતો નફો ટેક્સ-ફ્રી રહેતો નથી. આ ઉપરાંત, 1 એપ્રિલથી ટેક્સના નિયમોમાં મોટો ફેરફાર થયો છે.
સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) માં રોકાણ કરનારાઓ માટે ખુશીના સમાચાર છે. વર્ષ 2019-20 ની પાંચમી સીરીઝના (Series V) રોકાણકારોને અત્યારે પ્રી-મેચ્યોર રિડેમ્પશન પર બમ્પર વળતર મળી રહ્યું છે. જે રોકાણકારોએ આ બોન્ડમાં નાણાં રોક્યા હતા, તેમની મૂડી અત્યારે લગભગ ચાર ગણી વધી ગઈ છે. RBI એ આ સીરીઝ માટે પ્રતિ યુનિટ ભાવ 15,009 નક્કી કર્યો છે.
3,788 નું રોકાણ હવે 15,009 થયું
જ્યારે આ ગોલ્ડ બોન્ડ સીરીઝ 15 ઓક્ટોબર, 2019 ના રોજ બહાર પાડવામાં આવી હતી, ત્યારે તેનો ભાવ પ્રતિ યુનિટ માત્ર 3,788 હતો. આજે 5 વર્ષ બાદ તેનો ભાવ વધીને 15,009 પર પહોંચી ગયો છે.
ગણતરી કરીએ તો, રોકાણકારોને પ્રતિ યુનિટ 11,221 નો સીધો નફો મળી રહ્યો છે. એટલે કે માત્ર 5 વર્ષમાં રોકાણકારોના પૈસામાં 296% નો જંગી વધારો થયો છે. આ નફા ઉપરાંત, રોકાણકારોને વાર્ષિક 2.5% વ્યાજ તો અલગથી મળ્યું જ છે, જે આ રોકાણને વધુ આકર્ષક બનાવે છે.
RBI એ કેવી રીતે નક્કી કર્યો ભાવ?
કેન્દ્રીય બેંક (RBI) એ આ રિડેમ્પશન પ્રાઈસ નક્કી કરવા માટે ખાસ ગણતરી કરી છે. આ ભાવ છેલ્લા ત્રણ કામકાજના દિવસો (9 એપ્રિલ, 10 એપ્રિલ અને 13 એપ્રિલ) દરમિયાન 999 શુદ્ધતા એટલે કે 24 કેરેટ સોનાના ક્લોઝિંગ પ્રાઈસની સરેરાશ કાઢીને નક્કી કરવામાં આવ્યો છે. આ માટેના ભાવ ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) પાસેથી લેવામાં આવ્યા છે.
પ્રી-મેચ્યોર રિડેમ્પશન એટલે શું?
સોવરિન ગોલ્ડ બોન્ડનો કુલ સમયગાળો 8 વર્ષનો હોય છે, પરંતુ યોજનાના નિયમો મુજબ, રોકાણકારો 5 વર્ષ પૂર્ણ થયા પછી વ્યાજની ચૂકવણીની તારીખે બોન્ડમાંથી બહાર નીકળી શકે છે, જેને પ્રી-મેચ્યોર રિડેમ્પશન કહેવામાં આવે છે.
ટેક્સના નવા નિયમો ખાસ જાણી લેજો
જો તમે મેચ્યોરિટી પહેલા એટલે કે 5 વર્ષે પૈસા પાછા ખેંચો છો, તો મળતો નફો ટેક્સ-ફ્રી રહેતો નથી. આ ઉપરાંત, 1 એપ્રિલથી ટેક્સના નિયમોમાં મોટો ફેરફાર થયો છે.
પ્રાઈમરી માર્કેટ રોકાણકારો: જે લોકોએ સીધા RBI પાસેથી બોન્ડ ખરીદ્યા હતા, તેમને 8 વર્ષની મેચ્યોરિટી પર પૂરેપૂરો નફો ટેક્સ-ફ્રી મળશે.
સેકન્ડરી માર્કેટ રોકાણકારો: જો તમે કોઈ બીજા પાસેથી કે શેરબજારમાંથી બોન્ડ ખરીદ્યા હોય, તો હવે મેચ્યોરિટી પર પણ તમારે નફા પર ટેક્સ ચૂકવવો પડી શકે છે.