પીએમ મોદીની 'જન ધન યોજના'ના 12 વર્ષ પૂર્ણ: ગરીબો માટે બની આશીર્વાદ, જાણો ખાતું ખોલાવવાના 5 મોટા ફાયદા અને રેકોર્ડબ્રેક આંકડા
વડાપ્રધાન મોદીની પ્રધાનમંત્રી જન ધન યોજનાને 12 વર્ષ પૂરા થયા છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 59.09 કરોડ ખાતા ખુલ્યા છે. જાણો ઝીરો બેલેન્સ ખાતાના ફાયદા, ફ્રી વીમો અને 10000 ના ઓવરડ્રાફ્ટની સંપૂર્ણ માહિતી.
આ એક બેઝિક સેવિંગ એકાઉન્ટ છે, જેમાં ખાતામાં મિનિમમ બેલેન્સ (ન્યૂનતમ રકમ) રાખવાની કોઈ જ ઝંઝટ નથી. ઝીરો બેલેન્સ પર પણ ખાતું ચાલુ રહેશે.
PM Modis Jan Dhan Yojana : કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2014 માં શરૂ કરવામાં આવેલી મહત્વાકાંક્ષી 'પ્રધાનમંત્રી જન ધન યોજના' (PM-JDY) ને સફળતાપૂર્વક 12 વર્ષ પૂરા થઈ ગયા છે. દેશના ગરીબ અને છેવાડાના માનવીને બેંકિંગ સિસ્ટમ સાથે જોડવા માટે શરૂ કરાયેલું આ અભિયાન આજે આર્થિક સશક્તિકરણની એક જીવંત મિસાલ બની ગયું છે. આ 12 વર્ષના સમયગાળામાં કરોડો વંચિત લોકોને બેંકિંગ, લોન, વીમો, પેન્શન અને ડિજિટલ પેમેન્ટ જેવી સુવિધાઓનો સીધો લાભ મળ્યો છે.
આંકડાઓ આપી રહ્યા છે સાક્ષી: જમા રકમમાં 20 ગણો વધારો
આ યોજના કેટલી સફળ રહી છે, તે તેના આંકડાઓ પરથી જ સાબિત થાય છે. વર્ષ 2015 માં જન ધન ખાતાઓની સંખ્યા 14.72 કરોડ હતી, જે 19 ઓગસ્ટ 2026 ના લેટેસ્ટ આંકડા મુજબ વધીને 59.09 કરોડ સુધી પહોંચી ગઈ છે. સૌથી મોટી વાત એ છે કે આમાંથી 32.92 કરોડ ખાતા તો માત્ર મહિલાઓના જ છે. માર્ચ 2015 માં આ ખાતાઓમાં કુલ જમા રકમ 15,670 કરોડ રૂપિયા હતી, જે 19 ઓગસ્ટ 2026 સુધીમાં 20 ગણી વધીને 3,16,514 કરોડ રૂપિયા થઈ ગઈ છે. આ આંકડા દર્શાવે છે કે નાના અને ઓછી આવક ધરાવતા પરિવારોમાં હવે બચત કરવાની આદત પડી રહી છે.
ગિનીસ બુક અને વર્લ્ડ બેંકે પણ કરી નોંધ
ખૂખ ઓછા લોકોને ખબર હશે કે જાન્યુઆરી 2015 માં આ યોજનાની વિશાળતા અને વ્યાપકતાને જોતા તેનું નામ 'ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ' માં નોંધાયું હતું. એટલું જ નહીં, ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંકે પણ ભારતના આ નાણાકીય સમાવેશની પ્રશંસા કરી છે. આ જ કારણ છે કે ભારતનો ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ઇન્ડેક્સ જે 2018 માં 53.9 હતો, તે 2026 માં વધીને 67 પર પહોંચી ગયો છે.
વર્ષ 2014 માં શરૂઆતમાં સરકારનો ટાર્ગેટ દરેક 'ઘર' ને બેંક ખાતું આપવાનો હતો. પરંતુ 2018 પછી સરકારે પોતાની રણનીતિ બદલીને દરેક 'પુખ્ત વયના વ્યક્તિ' (જેની પાસે ખાતું નથી) તેને બેંક સાથે જોડવાનું લક્ષ્ય રાખ્યું હતું.
જન ધન ખાતું કોણ ખોલાવી શકે?
કોઈપણ ભારતીય નાગરિક આ ખાતું ખોલાવી શકે છે. આ ખાતું ખોલાવવા માટે કોઈ મહત્તમ ઉંમરની મર્યાદા નથી. તમે કોઈપણ બેંકની બ્રાન્ચમાં અથવા તમારા નજીકના 'બેંક મિત્ર' આઉટલેટ પર જઈને ખાતું ખોલાવી શકો છો. જરૂરી KYC દસ્તાવેજો (જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ વગેરે) સાથે ફોર્મ ભરીને આપવાનું રહેશે. વેરિફિકેશન પછી બેંક તમારું ખાતું ચાલુ કરી દેશે. આમાં જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકાય છે.
જન ધન ખાતાના 5 મોટા ફાયદા
આ એક બેઝિક સેવિંગ એકાઉન્ટ છે, જેમાં ખાતામાં મિનિમમ બેલેન્સ (ન્યૂનતમ રકમ) રાખવાની કોઈ જ ઝંઝટ નથી. ઝીરો બેલેન્સ પર પણ ખાતું ચાલુ રહેશે. અન્ય સામાન્ય બચત ખાતાની જેમ જ આ ખાતામાં જમા રકમ પર બેંક દ્વારા નિયત કરાયેલું વ્યાજ મળે છે. ખાતાધારકને મફતમાં 'રૂપે ડેબિટ કાર્ડ' આપવામાં આવે છે, જેથી એટીએમ વ્યવહારો અને ડિજિટલ પેમેન્ટ સરળતાથી કરી શકાય. આ કાર્ડની સાથે ગ્રાહકને કોઈ પણ જાતના પ્રીમિયમ વગર ફ્રી અકસ્માત વીમા કવરનો લાભ પણ મળે છે. જો ખાતાધારક પોતાના ખાતાની લેવડદેવડ યોગ્ય રીતે અને સંતોષકારક રીતે કરતો હોય, તો તેને બેંક તરફથી જરૂર પડે 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા પણ આપવામાં આવે છે.