High Value Transactions:ભારતમાં ફાઇનાન્શિયલ ટ્રાન્જેક્શનને વધુ સિક્યોર અને સરળ બનાવવા માટે એક મોટું પગલું લેવાઈ રહ્યું છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એનપીસીઆઈ) ટૂંક સમયમાં હાઇ વેલ્યૂએશનના ટ્રાન્જેક્શન માટે આધાર આધારિત ફેસ ઓથેન્ટીકેશન પ્રણાલી અમલમાં મૂકવાની તૈયારી કરી રહ્યું છે. યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI)ના વરિષ્ઠ અધિકારીએ મંગળવારે આ વિશે માહિતી આપી હતી. પીટીઆઈના અહેવાલ અનુસાર, ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2025માં એક પેનલ ચર્ચા દરમિયાન UIDAIના ડેપ્યુટી ડિરેક્ટર જનરલ અભિષેક કુમાર સિંહે આ સંભવિત ફેરફાર વિશે વાત કરી હતી.
આ પ્રણાલી શા માટે જરૂરી છે?
સિંહે જણાવ્યું કે ચહેરા ઓથેન્ટીકેશનને મલ્ટી-ફેક્ટર ઓથેન્ટિકેશન તરીકે વાપરવું જરૂરી છે. તેમણે કહ્યું કે UIDAI એક મુખ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે જે વ્યક્તિની ઓળખની ખરાઈ કરે છે. અમારી પાસે વિશ્વનું સૌથી મોટું બાયોમેટ્રિક ડેટાબેઝ છે. તેમણે વધુમાં કહ્યું કે UIDAI આ અભિગમને પહેલેથી જ માન્યતા આપી છે અને આગામી દિવસોમાં આ અંગે સત્તાવાર જાહેરાત કરી શકે છે. તેમણે અન્ય બેન્કરોને પણ આ નવી ટેક્નોલોજી અપનાવવાની અપીલ કરી અને તેને ઓળખ વેરિફાઈ કરવાનો સૌથી સરળ અને ઝડપી રસ્તો ગણાવ્યો.
આ નવી પ્રણાલી વર્તમાન ડિવાઇસના ઈકોસિસ્ટમને સંપૂર્ણપણે બદલી નાખશે. હાલમાં બાયોમેટ્રિક ઓથેન્ટીકેશન માટે વિશેષ ડિવાઇસની જરૂર પડે છે (ઓટીપી આધારિત ઓથેન્ટીકેશનને બાદ કરતા). પરંતુ ચહેરા ઓથેન્ટીકેશનથી આ મર્યાદા દૂર થઈ જશે. સિંહે ત્રણ મહિના જૂના અહેવાલનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે ભારતમાં 64 કરોડથી વધુ સ્માર્ટફોન છે. તેમણે કહ્યું કે જ્યારે અમે ચહેરા ઓથેન્ટીકેશનની વાત કરીએ તો તમારો સ્માર્ટફોન જ તમારું ડિવાઇસ બની જાય છે અને આમ ડિવાઇસનું ઈકોસિસ્ટમ અચાનક 640 મિલિયન (64 કરોડ)થી વધુ પર પહોંચી જાય છે. આનો અર્થ એ છે કે આ ટેક્નોલોજી કોઈને પણ સરળતાથી અને ક્યાંય પણ પોતાની ઓળખ વેરિફાઈ કરવાની સુવિધા આપશે, જેનાથી હાઇ વેલ્યૂએશનના ફાઇનાન્શિયલ ટ્રાન્જેક્શન વધુ સિક્યોર અને સરળ બનશે.