Employee provident fund: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તેના નિયમોમાં મોટા ફેરફારની તૈયારી કરી રહ્યું છે, જેનાથી લાખો મેમ્બર્સને તેમની સેવિંગ્સનો વધુ સારી રીતે ઉપયોગ કરવાની આઝાદી મળશે. સરકારનો ઉદ્દેશ્ય EPFO નિયમોને વધુ ફ્લેક્સિબલ બનાવવાનો છે, જેથી મેમ્બર્સ તેમની ફાઈનાન્શિયલ જરૂરિયાતો મુજબ પૈસાનો ઉપયોગ કરી શકે. રિપોર્ટ પ્રમાણે ઘર બનાવવા, લગ્ન કે શિક્ષણ જેવા મહત્વના ખર્ચ માટે PF ખાતામાંથી પૈસા ઉપાડવાની લિમિટને સરળ બનાવવા પર કામ ચાલી રહ્યું છે.
10 વર્ષે સંપૂર્ણ પૈસા ઉપાડવાની સુવિધા
સરકારી અધિકારીઓએ જણાવ્યું કે, નવા નિયમો હેઠળ મેમ્બર્સને દર 10 વર્ષે તેમના EPFO ખાતામાં જમા થયેલા બધા પૈસા કે તેનો એક હિસ્સો ઉપાડવાની મંજૂરી આપવામાં આવી શકે છે. એક અધિકારીએ કહ્યું, “આ મેમ્બર્સના પોતાના પૈસા છે, તેઓએ તેમની જરૂરિયાતો મુજબ તેનો ઉપયોગ કરવાની આઝાદી હોવી જોઈએ.” આ ફેરફારથી ખાસ કરીને નીચલા અને મધ્યમ આવક ધરાવતા મેમ્બર્સને મોટી રાહત મળશે, જેમને ઘણીવાર તાત્કાલિક રોકડની જરૂર પડે છે.
હાલના નિયમો શું કહે છે?
હાલના નિયમો અનુસાર, EPFO મેમ્બર્સ 58 વર્ષની રિટાયરમેન્ટ ઉંમર પછી જ ખાતામાં જમા થયેલા બધા પૈસા ઉપાડી શકે છે. આ ઉપરાંત, જો કોઈ મેમ્બર 2 મહિનાથી વધુ સમય સુધી બેરોજગાર હોય તો પણ તે પૈસા ઉપાડી શકે છે. ખાસ સંજોગોમાં આંશિક ઉપાડની પણ મંજૂરી છે, પરંતુ આ પ્રક્રિયા ઘણીવાર જટિલ હોય છે.
નવા નિયમોની સમયરેખા
અધિકારીઓએ જણાવ્યું કે આ નવા નિયમો એક વર્ષની અંદર લાગુ થઈ શકે છે, જોકે હજુ સુધી કોઈ નિશ્ચિત સમયરેખા જાહેર કરવામાં આવી નથી. આ ફેરફારથી મેમ્બર્સને તેમની ફાઈનાન્શિયલ આઝાદી મળશે અને તેઓ પોતાની જરૂરિયાતો મુજબ નાણાંનું આયોજન કરી શકશે.
શા માટે જરૂરી છે આ ફેરફાર?
એક્સપર્ટ્સનું માનવું છે કે આ નવા નિયમો ખાસ કરીને નીચલા અને મધ્યમ આવકવર્ગના લોકો માટે ફાયદાકારક રહેશે. આ લોકોને ઘણીવાર ઈમરજન્સીમાં રોકડની જરૂર પડે છે, અને હાલના નિયમોમાં મર્યાદાઓને કારણે તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. નવા નિયમો ફ્લેક્સિબ્લિટી લાવશે અને મેમ્બર્સની ફાઈનાન્શિયલ સુરક્ષા વધારશે.
આ નવા નિયમો EPFO મેમ્બર્સ માટે એક મોટી રાહત લાવશે અને તેમના ભવિષ્યની ફાઈનાન્શિયલ પ્લાનિંગને વધુ સરળ બનાવશે.