RBI Plastic Notes: કાગળની નોટો ભૂતકાળ બની જશે! RBI લાવી રહ્યું છે 10 અને 20 ની નવી પ્લાસ્ટિક નોટો, જાણો શું છે ખાસિયત | Moneycontrol Gujarati
Get App

RBI Plastic Notes: કાગળની નોટો ભૂતકાળ બની જશે! RBI લાવી રહ્યું છે 10 અને 20 ની નવી પ્લાસ્ટિક નોટો, જાણો શું છે ખાસિયત

RBI Plastic Notes: ભારતમાં કાગળની નોટોનો જમાનો પૂરો થવા જઈ રહ્યો છે. RBI ટૂંક સમયમાં 10 અને 20ની નવી પ્લાસ્ટિક પોલીમર નોટો લાવશે. જાણો આ 6 ગણી ટકાઉ નોટોની ખાસિયતો અને લેટેસ્ટ અપડેટ.

અપડેટેડ 12:12:48 PM Aug 31, 2026 પર
Story continues below Advertisement
આ મોટા પ્રોજેક્ટ માટે બહાર પાડવામાં આવેલા ગ્લોબલ ટેન્ડરમાં બે વિદેશી અને એક ભારતીય કંપનીએ પોતાની બોલી લગાવી દીધી છે. આવો જાણીએ આ નવા પ્રોજેક્ટની લેટેસ્ટ માહિતી, RBI ની કડક શરતો અને આ નવી નોટો કાગળની નોટો કરતા કેટલી અલગ હશે.

RBI Plastic Notes: ભારતમાં કાગળની નોટો હવે ટૂંક સમયમાં વીતેલા જમાનાની વાત બની જશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી કંપની BRBNMPL (ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડ) એ 10 અને 20ની મજબૂત અને ટકાઉ પ્લાસ્ટિક નોટો છાપવાની તૈયારીઓ તેજ કરી દીધી છે. આ મોટા પ્રોજેક્ટ માટે બહાર પાડવામાં આવેલા ગ્લોબલ ટેન્ડરમાં બે વિદેશી અને એક ભારતીય કંપનીએ પોતાની બોલી લગાવી દીધી છે. આવો જાણીએ આ નવા પ્રોજેક્ટની લેટેસ્ટ માહિતી, RBI ની કડક શરતો અને આ નવી નોટો કાગળની નોટો કરતા કેટલી અલગ હશે.

તાત્કાલિક 68,000 રીમની જરૂરિયાત

લેટેસ્ટ રિપોર્ટ અનુસાર, BRBNMPL ને બેંક નોટો છાપવા માટે તાત્કાલિક ધોરણે 68,000 રીમ પોલીમર શીટની જરૂર છે. એક રીમમાં આવી 500 શીટ્સ હોય છે. ટેન્ડર ભરનાર તમામ કંપનીઓએ પોતાના સેમ્પલ જમા કરાવવા પડશે. આ સેમ્પલને ભારતના અલગ-અલગ વાતાવરણ અને આબોહવામાં ટેસ્ટ કરવામાં આવશે અને જે કંપની આ ટેસ્ટમાં પાસ થશે તેને જ ફાઈનલ ટેન્ડરમાં ભાગ લેવા મળશે.

RBIની 2 સૌથી કડક શરતો

આ ટેન્ડરમાં ભાગ લેનારી કંપનીઓ માટે RBI એ બે ખૂબ જ કડક શરતો રાખી છે, જેનું પાલન કરવું ફરજિયાત છે:


ચીન અને પાકિસ્તાનથી નો-એન્ટ્રી (ફાયરવોલ): ભારતીય ચલણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કંપનીઓએ એફિડેવિટ આપવું પડશે કે ભારતમાં તેમનું કામકાજ ચીન કે પાકિસ્તાન સાથે જોડાયેલી તેમની કોઈપણ ગતિવિધિથી સંપૂર્ણપણે અલગ રહેશે.

પ્રાણીઓની ચરબી (એનિમલ ફેટ) પર સંપૂર્ણ પ્રતિબંધ: બ્રિટન જેવા દેશોમાં જ્યારે પ્લાસ્ટિકની નોટો આવી ત્યારે તેમાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ થયો હોવાથી મોટો વિવાદ સર્જાયો હતો. આથી, RBI એ પહેલેથી જ સ્પષ્ટ કર્યું છે કે કંપનીઓએ સર્ટિફિકેટ આપવું પડશે કે તેમની પોલીમર શીટમાં પ્રાણીઓની ચરબી કે તેનું DNA બિલકુલ નહીં હોય.

ટેન્ડરની રેસમાં કઈ દિગ્ગજ કંપનીઓ છે સામેલ?

આ પ્રોજેક્ટ માટે દુનિયાની મોટી કંપનીઓ મેદાનમાં છે:

Cosmo First અને De La Rue: ભારતની સૌથી મોટી BOPP એક્સપોર્ટર કંપની કોસ્મો ફર્સ્ટે બ્રિટનની દુનિયાની સૌથી મોટી બેંક નોટ સપ્લાયર કંપની 'ડી લા રૂ' સાથે પાર્ટનરશીપ કરી છે. બ્રિટિશ કંપની આ નોટો માટે સિક્યોરિટી ફિચર્સ અને ટેકનોલોજી આપશે.

CCL Secure: ઓસ્ટ્રેલિયાની આ કંપની દુનિયાની 40 થી વધુ સેન્ટ્રલ બેંકોને પોલીમર નોટ પૂરી પાડે છે. કંપનીનો દાવો છે કે તેમની નોટો સામાન્ય સુતરાઉ (કોટન) નોટો કરતા 6 ગણી વધારે ટકાઉ હોય છે.

Q&T High-Tech Polymer: વિયેતનામની આ કંપનીએ પણ ભારતીય ટેન્ડરમાં રસ દાખવ્યો છે. આ કંપનીનો દાવો છે કે પોલીમર નોટો વાપરવાથી કોટન કરન્સીની સરખામણીમાં 78% જેટલો ખર્ચ બચે છે.

નવી પ્લાસ્ટિક નોટો કાગળની નોટો કરતા કેટલી અલગ હશે?

6 ગણી લાંબી ઉંમર અને મજબૂતી: પોલીમર નોટો પર પાણી, ભેજ કે ધૂળ-માટીની કોઈ અસર થતી નથી. તે ફાટતી નથી અને કાગળની નોટો કરતા 6 ગણી વધારે સમય સુધી ચાલે છે.

નકલી નોટોનું દૂષણ અટકશે: આ નોટોમાં વિન્ડો ટ્રાન્સપરન્સી અને લેટેસ્ટ સિક્યોરિટી ફિચર્સ હશે, જેના કારણે તેની નકલ કરવી કે ડુપ્લીકેટ નોટ છાપવી લગભગ અશક્ય બની જશે.

હાઈજીનિક: કાગળની નોટો જલ્દી ગંદી થઈ જાય છે, જ્યારે પ્લાસ્ટિકની નોટો એકદમ સાફ રહે છે. આનાથી બીમારી ફેલાવતા કીટાણુંઓનો ખતરો પણ ઘટી જાય છે.

ટૂંકમાં કહીએ તો, RBIનો આ નિર્ણય ભારતીય કરન્સી સિસ્ટમમાં એક મોટો અને સકારાત્મક બદલાવ લાવવા જઈ રહ્યો છે. ટેસ્ટિંગ પૂરું થયા બાદ બહુ જલ્દી આપણા ખિસ્સામાં 10 અને 20ની નવી ચમકતી પ્લાસ્ટિક નોટો જોવા મળી શકે છે.

આ પણ વાંચો- 1 સપ્ટેમ્બર 2026થી બદલાશે આ 9 મોટા નિયમો: LPG, દૂધ અને શેરબજારથી લઈને તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

MoneyControl News

MoneyControl News

First Published: Aug 31, 2026 12:12 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.