જો તમે તમારા સેવિંગ કે કરંટ એકાઉન્ટમાં 2 વર્ષથી વધુ સમય સુધી કોઈ જ લેવડ-દેવડ (ટ્રાન્ઝેક્શન) નથી કરી, તો બેંક તે ખાતાને 'ઇનઓપરેટિવ' (Inoperative) એટલે કે નિષ્ક્રિય ખાતા તરીકે જાહેર કરી શકે છે.
Closed bank account rules 2026: આજના સમયમાં ઘણા લોકો પાસે એક કરતા વધારે બેંક એકાઉન્ટ હોય છે. નોકરી બદલતી વખતે, શહેર બદલતી વખતે કે પછી નવું એકાઉન્ટ ખોલાવ્યા પછી, જૂના ખાતાને આપણે ભૂલી જઈએ છીએ. ધીમે ધીમે વર્ષો વીતી જાય છે અને આપણને યાદ પણ નથી રહેતું કે તેમાં આપણા કેટલાક પૈસા જમા છે. જો તમારી સાથે પણ આવું બન્યું છે, તો તમારે સહેજ પણ ચિંતા કરવાની જરૂર નથી. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના લેટેસ્ટ નિયમો મુજબ તમારા પૈસા એકદમ સુરક્ષિત છે. ચાલો જાણીએ આ અંગેના નિયમો શું કહે છે.
જો 2 વર્ષ સુધી ખાતું ન વાપરો તો શું થાય?
જો તમે તમારા સેવિંગ કે કરંટ એકાઉન્ટમાં 2 વર્ષથી વધુ સમય સુધી કોઈ જ લેવડ-દેવડ (ટ્રાન્ઝેક્શન) નથી કરી, તો બેંક તે ખાતાને 'ઇનઓપરેટિવ' (Inoperative) એટલે કે નિષ્ક્રિય ખાતા તરીકે જાહેર કરી શકે છે. અહીં એ સમજવું ખૂબ જરૂરી છે કે, જો બેંક તમારા ખાતામાં વ્યાજ જમા કરે કે પછી કોઈ ચાર્જ કાપે, તો તેને ગ્રાહક દ્વારા કરવામાં આવેલું ટ્રાન્ઝેક્શન માનવામાં આવતું નથી. ખાતામાં માત્ર વ્યાજ આવવાથી તમારું ખાતું એક્ટિવ ગણાશે નહીં. જોકે, ખાતું ઇનઓપરેટિવ થવાનો અર્થ એ બિલકુલ નથી કે તમારા પૈસા ડૂબી ગયા. તમારા ખાતામાં પડેલા પૈસા તમારા જ રહે છે.
બંધ પડેલા બેંક ખાતાને ફરીથી ચાલુ કેવી રીતે કરવું?
જો તમારું જૂનું બેંક એકાઉન્ટ ઇનઓપરેટિવ થઈ ગયું છે, તો તમે તેને ફરીથી એક્ટિવ કરાવી શકો છો. આ માટે તમારે બેંકમાં જઈને તમારું KYC અપડેટ કરાવવું પડશે. RBIના નિયમો મુજબ, તમે બેંકની કોઈપણ શાખામાં જઈને KYC કરાવી શકો છો, એવું જરૂરી નથી કે જ્યાં ખાતું ખોલાવ્યું હોય ત્યાં જ જવું. આજકાલ ઘણી બેંકોમાં વિડીયો KYC (V-CIP) ની સુવિધા પણ ઉપલબ્ધ છે. એકવાર તમે જરૂરી ડોક્યુમેન્ટ આપી દો, ત્યાર બાદ બેંકે 3 વર્કિંગ દિવસ (કામકાજના દિવસો) ની અંદર તમારું ખાતું એક્ટિવ કરી આપવું પડે છે.
જો 10 વર્ષ સુધી પૈસા ન ઉપાડો તો શું થશે?
આ સૌથી મહત્વનો સવાલ છે. ઘણાને એવું લાગે છે કે જો 10 વર્ષ સુધી ખાતામાંથી પૈસા ન ઉપાડીએ તો બેંક તે પૈસા લઈ લે છે. પણ આ વાત તદ્દન ખોટી છે. જો કોઈ ખાતામાં 10 વર્ષ સુધી કોઈ જ ક્લેમ કરવામાં ન આવે એટલે કે પૈસા માટે કોઈ દાવો ન કરે, તો બેંક તે રકમને RBI ના 'ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ' ફંડમાં ટ્રાન્સફર કરી દે છે. આમ છતાં તમારા પૈસા સિક્યોર જ રહે છે. ખાતાધારક અથવા તો તેમના કાયદેસરના વારસદાર ગમે ત્યારે પોતાની બેંકનો સંપર્ક કરીને આ પૈસાનો ક્લેમ કરી શકે છે. યોગ્ય તપાસ બાદ બેંક તમને તમારા પૈસા પાછા આપી દેશે.
જૂનું બેંક ખાતું યાદ નથી?
ઘણીવાર લોકોને એ પણ યાદ નથી હોતું કે તેમના પૈસા કઈ બેંકમાં પડ્યા છે. આ સમસ્યાના ઉકેલ માટે RBI એ UDGAM પોર્ટલ શરૂ કર્યું છે. આ પોર્ટલ પર જઈને તમે તમારું નામ દાખલ કરો. સાથે જ પાન કાર્ડ (PAN), ડ્રાઇવિંગ લાઇસન્સ, વોટર આઈડી, પાસપોર્ટ કે જન્મ તારીખ જેવી માહિતી નાખીને તમે તમારા અનક્લેમ્ડ પૈસા શોધી શકો છો. જોકે એ ધ્યાનમાં રાખવું કે UDGAM પોર્ટલ માત્ર તમને એ બતાવશે કે તમારા પૈસા ક્યાં છે. પૈસા પાછા મેળવવા માટે તમારે જે-તે બેંકમાં જઈને જ ક્લેમ કરવો પડશે.
શું બંધ ખાતું ચાલુ કરવાનો કોઈ ચાર્જ લાગે છે?
ના, બિલકુલ નહીં. 2026 ના લેટેસ્ટ નિયમો મુજબ, કોઈપણ બેંક ઇનઓપરેટિવ એકાઉન્ટને ફરીથી એક્ટિવ કરવા માટે ગ્રાહક પાસેથી એક પણ રૂપિયાનો ચાર્જ વસૂલી શકે નહીં. જો તમારી પાસે પણ એવું કોઈ બેંક એકાઉન્ટ છે જેનો તમે વર્ષોથી ઉપયોગ નથી કર્યો, તો તેને એમ જ છોડી ન દો. તેમાં રહેલા તમારા પરસેવાની કમાણીના પૈસા પર તમારો જ હક છે. બેંકમાં જઈને KYC કરાવીને તરત જ તમારા પૈસા પાછા મેળવો.