સામાન્ય માણસને લાગશે મોટો ઝટકો! નબળા ચોમાસાથી દૂધ, કઠોળ અને ટામેટાં બગાડશે તમારું બજેટ, સમજો મોંઘવારીનું આખું ગણિત
દેશમાં નબળા ચોમાસાને કારણે સામાન્ય માણસનું બજેટ ખોરવાઈ શકે છે. દૂધ, કઠોળ અને ટામેટાંના ભાવમાં મોટો ઉછાળો આવવાની સંભાવના છે. જાણો મોંઘવારીનું આખું ગણિત.
નબળા ચોમાસાનો સૌથી મોટો ફટકો ખરીફ પાકની વાવણીને પડ્યો છે. આંકડાઓ મુજબ, 25 જૂન 2026 સુધીમાં દેશમાં પાકની વાવણી ગયા વર્ષની સરખામણીમાં આશરે 23 ટકા ઓછી થઈ છે.
જૂન મહિનો પૂરો થવા આવ્યો છે, પરંતુ દેશના ઘણા ભાગોમાં ચોમાસાની ચાલ હજુ પણ સાવ ધીમી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર વચ્ચે સરેરાશ કરતા ઓછો વરસાદ પડવાની 84 ટકા શક્યતા છે. ચોમાસાની આ નારાજગીની સીધી અસર હવે તમારા ખિસ્સા અને રસોડાના બજેટ પર પડવાની છે.
ડેરી ઇન્ડસ્ટ્રીના નિષ્ણાતો અને કૃષિ વૈજ્ઞાનિકોનું માનીએ તો, જો જુલાઈ અને ઓગસ્ટમાં પણ વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેશે, તો દૂધ, કઠોળ અને લીલા શાકભાજીના ભાવ આસમાને પહોંચી શકે છે. ચાલો સમજીએ કે આ નબળું ચોમાસું તમારા ઘરના રાશનનું બિલ કેવી રીતે વધારી શકે છે.
દૂધના ભાવ: જુલાઈ-ઓગસ્ટમાં આવી શકે છે 4 ટકા સુધીનો ઉછાળો
મે મહિનામાં અમૂલ અને મધર ડેરી જેવી મોટી કંપનીઓએ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. હવે જુલાઈ કે ઓગસ્ટમાં સામાન્ય જનતાને દૂધના ભાવમાં વધુ એક ઝટકો લાગી શકે છે.પરાગ મિલ્ક ફૂડ્સના ચેરમેન દેવેન્દ્ર શાહના જણાવ્યા મુજબ, દૂધના ભાવમાં પહેલાથી જ 2 થી 3 ટકાનો વધારો થઈ ચૂક્યો છે. જો મુખ્ય દૂધ ઉત્પાદક રાજ્યોમાં વરસાદ ખેંચાશે, તો લીલો ચારો અને પશુ આહારની ભારે અછત ઊભી થશે.ચારાની અછતને કારણે ડેરી ખેડૂતોનો ખર્ચ વધશે, જેનાથી કંપનીઓ દૂધના ભાવમાં વધુ 3 થી 4 ટકાનો વધારો કરી શકે છે. આની સીધી અસર દહીં, પનીર, છાશ, માખણ અને ઘીના ભાવ પર પણ જોવા મળશે.
કઠોળ અને શાકભાજી: થાળીમાંથી સ્વાદ ગાયબ થઈ શકે છે
નબળા ચોમાસાનો સૌથી મોટો ફટકો ખરીફ પાકની વાવણીને પડ્યો છે. આંકડાઓ મુજબ, 25 જૂન 2026 સુધીમાં દેશમાં પાકની વાવણી ગયા વર્ષની સરખામણીમાં આશરે 23 ટકા ઓછી થઈ છે. તુવેર અને અડદ જેવી દાળ સંપૂર્ણપણે ચોમાસાના વરસાદ પર આધાર રાખે છે. વરસાદ ખેંચાવાને કારણે વાવણી પાછળ ઠેલાઈ છે, જેથી આગામી દિવસોમાં કઠોળના ભાવ ભડકે બળી શકે છે.
ટામેટાં, ડુંગળી અને અન્ય લીલા શાકભાજીની સપ્લાય ચેઈન થોડા ઓછા વરસાદથી પણ ખોરવાઈ જાય છે. પાણીની અછતથી ઉત્પાદન ઘટશે અને મંડીઓમાં આવક ઓછી થવાથી છૂટક ભાવ વધશે. સોયાબીન અને મકાઈ જેવા તેલીબિયાં પાકોની વાવણી પણ ધીમી છે, જેના કારણે આગામી સમયમાં ખાદ્યતેલના ભાવમાં પણ વધારો જોવા મળી શકે છે.
મોંઘવારીની હાલની સ્થિતિ અને ભવિષ્યનું સંકટ
સરકારી આંકડા મુજબ, મે મહિનામાં ભલે છૂટક મોંઘવારી દર 3.93 ટકા રહ્યો હોય, પરંતુ ખાદ્ય મોંઘવારી દર 4.78 ટકાના ઉચ્ચ સ્તરે હતો. PWC ઇન્ડિયાના એક્સપર્ટ્સ માને છે કે જો અલ નીનોની અસર શિયાળા સુધી લંબાશે, તો ખરીફ પાકની સાથે સાથે ઘઉં જેવા રવી પાક પર પણ તેની નકારાત્મક અસર પડશે. આ સ્થિતિ ગ્રામીણ અર્થતંત્ર માટે એક બહુ મોટો ફટકો સાબિત થશે.