મોદી સરકારની આ યોજના આવતા મહિનાથી થવા જઈ રહી છે શરૂ, કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર
આ યોજના હાલની રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS)ના ઓપ્શન તરીકે કાર્ય કરશે અને તેનો ઉદ્દેશ્ય કર્મચારીઓને નિવૃત્તિ પછી વધુ સારી નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે.
કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ઉપયોગી સમાચાર છે. આવતા મહિનાથી એટલે કે એપ્રિલથી એક નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે. વાસ્તવમાં, કેન્દ્રીય નાણામંત્રીએ 1 એપ્રિલ, 2025થી કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે યુનિફાઇડ પેન્શન યોજના એટલે કે UPS શરૂ કરવાની જાહેરાત કરી હતી. આ યોજના હાલની રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ (NPS) ના ઓપ્શન તરીકે કાર્ય કરશે અને તેનો ઉદ્દેશ્ય કર્મચારીઓને નિવૃત્તિ પછી વધુ સારી નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો છે.
શું છે યુનિફાઇડ પેન્શન સ્કીમ ?
યુનિફાઇડ પેન્શન સ્કીમ એ એક નવું માળખું છે જે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) કરતાં વધુ સ્થિર અને વિશ્વસનીય પેન્શન લાભો પ્રદાન કરવા માટે રચાયેલ છે. આ યોજના હેઠળ, કર્મચારીઓને તેમના છેલ્લા પગારના 50% પેન્શન મળશે.
NPS VS ન્યૂ UPS
NPS- NPS બજાર આધારિત છે, જેનો અર્થ એ છે કે પેન્શનની રકમ બજારની પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. કર્મચારીનું યોગદાન 10% છે, અને સરકારનું યોગદાન 14% છે.
UPS- NPSથી વિપરીત, UPS બજાર આધારિત નથી અને છેલ્લા પગારના 50% પેન્શનની ગેરંટી આપે છે. સરકારનું યોગદાન વધીને 18.5% થયું છે, જ્યારે કર્મચારીઓનું યોગદાન એ જ રહેશે. આપને જણાવીએ કે UPS દ્વારા પેન્શન મેળવવા માટે ઓછામાં ઓછી 10 વર્ષની સેવા જરૂરી છે.
યુનિફાઇડ પેન્શન યોજના માટે કોણ પાત્ર છે?
યુનિફાઇડ પેન્શન યોજના હાલમાં NPS હેઠળના તમામ કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે અને તેઓ નવી યોજનામાં સ્વિચ કરવા તૈયાર છે.
આ નિર્ણય કેમ લેવામાં આવ્યો?
એપ્રિલ 2023માં નાણા સચિવ ટીવી સોમનાથનની અધ્યક્ષતામાં રચાયેલી એક પેનલે NPS ના પુનર્ગઠનની ભલામણ કરી હતી. આનાથી યુનિફાઇડ પેન્શન સ્કીમની રચના થઈ, જેનો ઉદ્દેશ્ય સરકારી કર્મચારીઓને વધુ નાણાકીય સુરક્ષા પૂરી પાડવાનો હતો.
યુનિફાઇડ પેન્શન યોજના ક્યારે અમલમાં આવશે?
યુનિફાઇડ પેન્શન યોજના 1 એપ્રિલ, 2025થી અમલમાં આવશે. કેબિનેટ સચિવ ટીવી સોમનાથનના જણાવ્યા અનુસાર, 99% કેસોમાં કર્મચારીઓ માટે UPS વધુ ફાયદાકારક રહેશે, જોકે કેટલાક અપવાદરૂપ કિસ્સાઓ NPS હેઠળ રહી શકે છે. તમને જણાવી દઈએ કે સરકારના આ નિર્ણયથી લગભગ 23 લાખ સરકારી કર્મચારીઓ અને 12 લાખ પેન્શનરોને ફાયદો થશે. યુનિફાઇડ પેન્શન સ્કીમ નિવૃત્તિ દરમિયાન તેમની નાણાકીય ચિંતાઓ ઘટાડશે, તેમની એકંદર લાઇફ સ્ટાઇલમાં સુધારો કરશે તેવી અપેક્ષા છે.