UPI Digital Payment: ડિજિટલ ઇન્ડિયાનો ડંકો હવે દેશના ખૂણે-ખૂણે વાગી રહ્યો છે. યૂનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)એ ફેસ્ટિવ સિઝનમાં એવો ધડાકો કર્યો છે કે રોકડનું ચલણ લગભગ ભૂતકાળ બની ગયું છે. નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા (NPCI)ના તાજા આંકડા દર્શાવે છે કે ઓક્ટોબર 2025માં UPI દ્વારા રોજના સરેરાશ 94,000 કરોડ રૂપિયાના લેવડ-દેવડ થયા છે. આ આંકડો સપ્ટેમ્બરની સરખામણીએ 13% વધુ છે, જે દર્શાવે છે કે ડિજિટલ પેમેન્ટ હવે ભારતની રોજિંદી જરૂરિયાત બની ગયું છે.
દિવાળીની ધામધૂમે બજારોમાં રોનક ઉમેરી છે, પરંતુ UPIના આંકડાઓએ તો નવો ઇતિહાસ રચ્યો છે. દિવાળીની પૂર્વસંધ્યાએ UPIએ એક જ દિવસમાં 740 મિલિયન (74 કરોડ) ટ્રાન્ઝેક્શનનો રેકૉર્ડ બનાવ્યો. આ ઉપરાંત, ઓક્ટોબરમાં રોજના સરેરાશ 695 મિલિયન ટ્રાન્ઝેક્શન નોંધાયા, જે સપ્ટેમ્બરના 654 મિલિયનની સરખામણીએ 6% વધુ છે. આ આંકડાઓ દર્શાવે છે કે ભારતીયો હવે ખરીદી માટે ડિજિટલ પેમેન્ટને પ્રાથમિકતા આપી રહ્યા છે.
ઓક્ટોબરમાં UPIના રોજના ટ્રાન્ઝેક્શનનું વેલ્યૂ 6 વખત 1,00,000 કરોડ રૂપિયાને પાર કરી ગયું, જ્યારે સપ્ટેમ્બરમાં આ સિદ્ધિ માત્ર 3 વખત મળી હતી. આ ઉછાળો દિવાળીની ખરીદી, બોનસ, ડિસ્કાઉન્ટ અને તાજેતરની GST ઘટાડાને આભારી છે. નિષ્ણાતોનું માનવું છે કે મોબાઇલ ઇન્ટરનેટની સરળ ઉપલબ્ધતા અને ગલી-ગલીમાં QR કોડની સુવિધાએ UPIને દરેક વર્ગ સુધી પહોંચાડ્યું છે.
જો આ જ ગતિ ચાલુ રહી, તો વિશ્લેષકોનો અંદાજ છે કે ઓક્ટોબર 2025માં UPIનું કુલ ટ્રાન્ઝેક્શન મૂલ્ય 28,00,000 કરોડ રૂપિયાને વટાવી શકે છે, જે અત્યાર સુધીનું સૌથી ઉંચું સ્તર હશે. UPIની આ ગતિ ડિજિટલ ભારતની નવી ઓળખ બની રહી છે, જે દેશને કેશલેસ અર્થતંત્ર તરફ ઝડપથી લઈ જઈ રહી છે.