Financial planning for daughter: વર્ષ 2026માં દીકરીનું ભવિષ્ય સુરક્ષિત કરવું છે?
Financial planning for daughter: આજના સમયમાં દરેક માતા-પિતા પોતાની દીકરીના ભવિષ્યને લઈને ચિંતિત હોય છે. જો તમે પણ વર્ષ 2026માં તમારી દીકરીના આર્થિક ભવિષ્યનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો તમારે તમારી વિચારસરણી થોડી બદલવી પડશે. હવે માત્ર કોઈ એક સ્કીમ કે પ્રોડક્ટમાં પૈસા રોકી દેવા પૂરતા નથી. આજનો ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે અને હવે માત્ર પૈસા ભેગા કરવાના બદલે એક એવો ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો બનાવવો જરૂરી છે, જે દીકરીના શિક્ષણ, કરિયર અને તેની લાંબા ગાળાની આત્મનિર્ભરતા માટે કામ આવી શકે.
તો ચાલો જાણીએ કે દીકરી માટે બેસ્ટ ફાઇનાન્સિયલ પ્લાનિંગ કેવી રીતે કરવું જોઈએ.
માત્ર એક સ્કીમ પર આધાર રાખવો કેમ યોગ્ય નથી?
સામાન્ય રીતે આપણે સૌથી સુરક્ષિત રોકાણ પસંદ કરીએ છીએ. આ માટે ‘સુકન્યા સમૃદ્ધિ યોજના' (SSY) જેવી સરકારી સ્કીમો આજે પણ ટેક્સ બચાવવા અને ગેરંટેડ રિટર્ન માટે બેસ્ટ છે. પરંતુ તેનો સૌથી મોટો માઈનસ પોઈન્ટ તેનો ‘લોક-ઇન પિરિયડ' (Locking Period) છે. આ સ્કીમમાં તમારા પૈસા લાંબા સમય સુધી બ્લોક થઈ જાય છે. ઘણી વખત દીકરીના ઉચ્ચ શિક્ષણ કે અન્ય ઇમરજન્સી માટે સમય પહેલાં પૈસાની જરૂર પડે, ત્યારે આ સ્કીમમાં રોકેલા પૈસા તરત કામ આવતા નથી. આ જ કારણ છે કે આજના ફાઇનાન્સિયલ એક્સપર્ટ્સ સલાહ આપે છે કે સુકન્યા સમૃદ્ધિ યોજનાને તમારા રોકાણનો એક હિસ્સો બનાવો, પરંતુ બધો જ આધાર તેના પર ન રાખો.
ઉચ્ચ શિક્ષણ પાછળનો વધતો ખર્ચ અને મ્યુચ્યુઅલ ફંડ
દીકરીના ભવિષ્યમાં સૌથી મોટો ખર્ચ તેના ઉચ્ચ શિક્ષણનો હોય છે. પછી ભલે તે ભારતમાં ભણે કે વિદેશમાં, ફીમાં જમીન-આસમાનનો તફાવત આવી શકે છે. આજે પ્રાઇવેટ કોલેજો અને વિદેશી ડિગ્રીઓનો ખર્ચ રોકેટ ગતિએ વધી રહ્યો છે. આવી સ્થિતિમાં માત્ર ફિક્સ રિટર્ન આપતી સ્કીમો મોંઘવારીને હરાવી શકશે નહીં.
આ માટે મ્યુચ્યુઅલ ફંડ એક શાનદાર વિકલ્પ છે. લાંબા ગાળે મોંઘવારીને માત આપવા માટે SIP (સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન) દ્વારા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
રોકાણમાં ફ્લેક્સિબિલિટી (લચીલાપણું) રાખો
દીકરી મોટી થાય ત્યારે માત્ર કોલેજની ફી જ એકમાત્ર ખર્ચ નથી હોતો. ગ્રેજ્યુએશન પછી બીજી કોઈ ડિગ્રી લેવી હોય, પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરવું હોય કે પછી ઘર લેવા માટે ડાઉન પેમેન્ટ આપવું હોય, આવી જરૂરિયાતો ગમે ત્યારે આવી શકે છે. જો તમારા બધા જ પૈસા કોઈ એક સ્કીમમાં લોક હશે, તો તમે આ જરૂરિયાતો પૂરી નહીં કરી શકો. તેથી રોકાણનો થોડો ભાગ એવી જગ્યાએ રાખો જેને જરૂર પડ્યે સરળતાથી ઉપાડી શકાય (લિક્વિડિટી).
ટર્મ ઇન્શ્યોરન્સ: એક અભેદ્ય સુરક્ષા કવચ
મોટાભાગના માતા-પિતા રોકાણ તો કરે છે, પરંતુ 'પ્યોર પ્રોટેક્શન' એટલે કે વીમાને ભૂલી જાય છે. ઘરના કમાતા સભ્ય કે માતા-પિતા પાસે એક સારો 'ટર્મ ઇન્શ્યોરન્સ' હોવો ખૂબ જ જરૂરી છે. ભગવાન ન કરે ને જો માતા-પિતાને કંઈક થઈ જાય, તો આ ટર્મ ઇન્શ્યોરન્સ એ વાતની ખાતરી કરશે કે દીકરીના ભવિષ્ય માટે જોયેલા સપના અધૂરા ન રહે. યાદ રાખો, આ કોઈ રોકાણ નથી, પરંતુ તમારા પરિવારનું સુરક્ષા કવચ છે.
દીકરીને આર્થિક રીતે સ્વતંત્ર બનાવો
પહેલાના સમયમાં માતા-પિતા મોટી રકમ ભેગી કરીને દીકરીના હાથમાં આપી દેતા હતા. પણ હવે સમય બદલાયો છે. બાળકો સાથે બચત વિશે વાત કરો, તેમને રોકાણ કેવી રીતે થાય છે તે સમજાવો અને આર્થિક નિર્ણયોમાં તેમને ધીમે-ધીમે સામેલ કરો. આનાથી તેમનામાં પૈસા મેનેજ કરવાની આવડત આવશે અને તેઓ સાચા અર્થમાં આર્થિક રીતે સ્વતંત્ર બનશે.
સમય-સમય પર પ્લાનિંગ રિવ્યૂ કરો
આજે તમે જે પણ રોકાણનો પ્લાન બનાવશો, તે આવતા 10 કે 15 વર્ષ સુધી એવો ને એવો નહીં રહે. સમય સાથે દીકરીના કરિયરની પસંદગી અને શિક્ષણની દિશા બદલાઈ શકે છે. તેથી દર વર્ષે તમારા ફાઇનાન્સિયલ પ્લાનિંગની સમીક્ષા (Review) કરો અને જરૂર જણાય તો તેમાં સમયસર ફેરફાર કરતા રહો.