Budget 2026-27: ચાંદી, કોપર અને ઝિંકના ભાવ કાબૂમાં આવશે? સરકાર લાવી રહી છે દમદાર માઈનિંગ પોલિસી
Budget 2026-27: આગામી બજેટ 2026-27માં ચાંદી, કોપર અને ઝિંક માટે મોટી જાહેરાત થવાની શક્યતા છે. સરકાર આયાત પર નિર્ભરતા ઘટાડવા અને ઘરઆંગણે ઉત્પાદન વધારવા નવી માઈનિંગ પોલિસી લાવી રહી છે. જાણો શું થશે ફાયદો.
આ મેટલ્સની ઉપલબ્ધતા વધારવા માટે અત્યારે સરકારી સ્તરે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે.
Budget 2026-27: ભારતમાં હવે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનો વ્યાપ વધી રહ્યો છે, ત્યારે ઉદ્યોગો માટે ખૂબ જ મહત્વની ગણાતી ધાતુઓ જેવી કે ચાંદી, કોપર (તાંબુ) અને ઝિંક (જસત)ની અછત અને વધતા ભાવ ચિંતાનો વિષય બન્યા છે. આ સમસ્યાના ઉકેલ માટે સરકાર હવે એક્શન મોડમાં આવી ગઈ છે. આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ, નાણાકીય વર્ષ 2026-27ના બજેટમાં માઈનિંગ સેક્ટર માટે એક ખાસ નવી નીતિ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે.
આયાત પર નિર્ભરતા ઘટાડવા સરકારનો પ્લાન
અત્યારે ભારત ચાંદી અને કોપર જેવી ધાતુઓ માટે મોટાભાગે વિદેશી આયાત પર નિર્ભર છે. આ મેટલ્સની ઉપલબ્ધતા વધારવા માટે અત્યારે સરકારી સ્તરે ગંભીર ચર્ચાઓ ચાલી રહી છે. સરકારનો મુખ્ય હેતુ એ છે કે આ ધાતુઓનું ઉત્પાદન ભારતમાં જ એટલે કે ઘરઆંગણે વધવું જોઈએ. જો આપણે મેન્યુફેક્ચરિંગ હબ બનવું હોય, તો વિદેશ પરની નિર્ભરતા લાંબા સમય સુધી ચાલે તેમ નથી.
માઈનિંગમાં ખાનગી કંપનીઓને મળશે મોટું પ્રોત્સાહન
નવી નીતિમાં પ્રાઈવેટ સેક્ટર એટલે કે ખાનગી કંપનીઓ માટે મોટી તકો ઉભી કરવામાં આવશે. સરકારનો પ્લાન નીચે મુજબ છે:
પ્રોસેસિંગને પ્રોત્સાહન: માત્ર ખોદકામ જ નહીં, પરંતુ ચાંદી, કોપર અને ઝિંકનું પ્રોસેસિંગ પણ દેશમાં જ થાય તે માટે ઈન્સેન્ટિવ (પ્રોત્સાહન) આપવામાં આવશે.
નવી ટેકનોલોજી: હાલની ખાણોમાંથી રિકવરી વધારવા અને ક્ષમતા વિસ્તરણ કરવા માટે ખાનગી કંપનીઓની મદદ લેવાની દરખાસ્ત પણ વિચારણામાં છે.
શા માટે આ ત્રણ ધાતુઓ જ મહત્વની છે?
અત્યારે ગ્લોબલ માર્કેટમાં સપ્લાયની અછત (પૂરવઠા ખેંચ) જોવા મળી રહી છે, જેના કારણે આ ત્રણેય ધાતુઓના ભાવ આસમાને પહોંચી રહ્યા છે. બીજી બાજુ ભારતમાં ઇલેક્ટ્રોનિક્સ, સોલાર પેનલ્સ અને ઈલેક્ટ્રિક વ્હીકલ (EV)નું ઉત્પાદન વધી રહ્યું છે. આ સેક્ટરમાં ચાંદીનો વ્યાપક ઉપયોગ થાય છે.
ભારત ચાંદીનો મોટો વપરાશકાર દેશ છે, પણ આપણે આપણી જરૂરિયાત આયાત કરીને પૂરી કરવી પડે છે. ચીન ચાંદીનો મોટો નિકાસકાર છે, પરંતુ હાલમાં તેણે કેટલીક ધાતુઓની નિકાસ પર અંકુશો મૂકી દીધા છે. આવા સંજોગોમાં ભારતે પોતાના પગ પર ઉભા રહેવું જરૂરી બન્યું છે.
બાય-પ્રોડક્ટ તરીકે ઉત્પાદન વધારવા પર ભાર
એક રસપ્રદ વાત એ છે કે, ચાંદી ઘણીવાર કોપર અને ઝિંક માઈનિંગની 'બાય-પ્રોડક્ટ' (આડપેદાશ) તરીકે મળે છે. તેથી નવી નીતિમાં સિલ્વરની રિકવરી અને રિફાઈનિંગ પ્રોસેસમાં સુધારો કરવા પર ખાસ ભાર મૂકવામાં આવશે. સરકારની આ નવી પહેલથી ભવિષ્યમાં આ ધાતુઓના ભાવ નિયંત્રણમાં રહે અને સ્થાનિક ઉદ્યોગોને સરળતાથી કાચો માલ મળી રહે તેવી આશા છે.