Budget 2026: PM મોદી સાથેની બેઠકમાં અર્થશાસ્ત્રીઓએ આપી મોટી સલાહ, સરકારી ખર્ચ અને લોન પર ચિંતા વ્યક્ત કરી
Budget 2026 પહેલા PM મોદીએ અર્થશાસ્ત્રીઓ સાથે મહત્વની બેઠક યોજી. જાણો સરકારી ખર્ચ, FRBM નિયમો અને ઘટતી બચત અંગે નિષ્ણાતોએ શું સૂચનો આપ્યા છે અને તેનાથી તમારા પર શું અસર થશે.
Budget 2026 પહેલા PM મોદીએ અર્થશાસ્ત્રીઓ સાથે મહત્વની બેઠક યોજી.
Budget 2026: આગામી નાણાકીય વર્ષના બજેટ (Budget 2026)ને લઈને તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ છે. આ સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ડિસેમ્બરના રોજ દેશના નામાંકિત અર્થશાસ્ત્રીઓ સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા, રાજકોષીય ખાધ ઘટાડવા અને આત્મનિર્ભર ભારત જેવા મુદ્દાઓ પર ગંભીર ચર્ચા કરવામાં આવી હતી.
અર્થશાસ્ત્રીઓએ સરકારને સ્પષ્ટ શબ્દોમાં સલાહ આપી છે કે હવે જૂના નાણાકીય નિયમો પર પાછા ફરવાનો સમય આવી ગયો છે, સાથે જ લોકોની ઘટતી બચત પર પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ચાલો જાણીએ આ બેઠકની મુખ્ય બાબતો.
FRBM ફ્રેમવર્ક પર પાછા ફરવાની સલાહ
બેઠકમાં હાજર રહેલા કેટલાક વરિષ્ઠ અર્થશાસ્ત્રીઓએ સરકારને સલાહ આપી છે કે ફિસ્કલ પોલિસીને ફરીથી FRBM (Fiscal Responsibility and Budget Management) ફ્રેમવર્ક સાથે જોડવી જોઈએ. નિષ્ણાતોનું માનવું છે કે કોરોના સમયગાળા બાદ હવે અર્થતંત્ર સુધરી રહ્યું છે, તેથી ઓરિજિનલ FRBM નિયમો લાગુ કરવાનો આ યોગ્ય સમય છે.
તેમણે સૂચન કર્યું કે સરકારે જાહેર ખર્ચ (Public Expenditure)ને ધીમે-ધીમે ઘટાડીને 3 ટકાની નજીક લાવવો જોઈએ. જો સરકાર પોતાનો ખર્ચ નિયંત્રણમાં રાખશે, તો પ્રાઈવેટ સેક્ટર માટે નાણાકીય સંસાધનો વધુ સરળતાથી ઉપલબ્ધ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે FY26 માટે સરકારે કેપિટલ એક્સપેન્ડિચર માટે 11.21 લાખ કરોડ રૂપિયાનો ટાર્ગેટ રાખ્યો હતો, જે GDP ના 3 ટકા કરતા વધારે છે.
આત્મનિર્ભર અને વિકસિત ભારતનો રોડમેપ
પીએમ મોદી સાથેની આ ચર્ચામાં ‘આત્મનિર્ભર ભારત' અને ‘વિકસિત ભારત' બનાવવાના રોડમેપ પર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. અર્થશાસ્ત્રીઓએ ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નીચે મુજબના સૂચનો આપ્યા:
આ દરમિયાન પીએમ મોદીએ સરકારની ઉપલબ્ધિઓ ગણાવતા કહ્યું કે, છેલ્લા કેટલાક વર્ષોમાં શિક્ષણ, સ્વાસ્થ્ય અને રોજગાર ક્ષેત્રે ઘણું કામ થયું છે અને લગભગ 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
ઘરગથ્થુ બચતમાં ઘટાડો ચિંતાનો વિષય
અર્થશાસ્ત્રીઓએ દેશમાં ઘટી રહેલી ઘરેલું બચત (Household Savings) પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. આંકડાઓ મુજબ, હાઉસહોલ્ડ ફાઈનાન્શિયલ સેવિંગ્સ જે અગાઉ GDP ના 10 થી 10.5 ટકા હતી, તે ઘટીને હવે 7 થી 7.5 ટકા પર આવી ગઈ છે.
નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે જો પરિવારની બચતમાં આ જ રીતે ઘટાડો ચાલુ રહ્યો તો:
* સરકાર અને પ્રાઈવેટ સેક્ટર બંને માટે ફાઈનાન્સિંગના વિકલ્પો ઘટી જશે.
* ફોરેન કેપિટલ ફ્લો પણ અનિશ્ચિત છે, તેથી ઘરેલું બચત ઘટવી જોખમી છે.
* કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ (CAD) ને 2 ટકા સુધી પહોંચી વળવામાં મુશ્કેલી પડી શકે છે.
* વધારે પડતા મૂડી ખર્ચને કારણે લિક્વિડિટી પર દબાણ આવી રહ્યું છે, જેની અસર બોન્ડ યીલ્ડ પર જોવા મળી રહી છે.
વ્યાજ ચૂકવવામાં જઈ રહી છે મોટી રકમ
બેઠકમાં એક અન્ય મહત્વનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો તે હતો સરકાર પર વધી રહેલું દેવું અને તેના વ્યાજની ચૂકવણી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચિંતા માત્ર લોન લેવાની નથી, પરંતુ વ્યાજ પાછળ થઈ રહેલા ખર્ચની છે. હાલમાં સરકારના કુલ ખર્ચનો આશરે 25 થી 28 ટકા હિસ્સો માત્ર વ્યાજ ચૂકવવામાં (Interest Payment) જ વપરાય જાય છે. અર્થશાસ્ત્રીઓએ ચેતવ્યા છે કે જો આ પ્રમાણ વધતું જશે તો આવનારા વર્ષોમાં સરકારની આર્થિક સ્થિતિ પર તેની માઠી અસર પડી શકે છે. આ ઉપરાંત, જ્યારે આઠમું પગાર પંચ (8th Pay Commission) લાગુ થશે, ત્યારે સરકાર પર આર્થિક બોજ હજુ વધવાની શક્યતા છે.