Budget 2026: બજેટ 2026 પહેલા સોનાના ભાવ આસમાને છે. દાણચોરો એક કિલો સોના પર 11.5 લાખ રૂપિયાનો નફો કમાઈ રહ્યા છે. જુલાઈ 2024માં ડ્યુટી ઘટી હતી છતાં કેમ વધી દાણચોરી? શું નાણામંત્રી ફરી ટેક્સ ઘટાડશે? જાણો વિગતવાર અહેવાલ.
જુલાઈ 2024માં સરકારે દાણચોરી રોકવા માટે બેઝિક કસ્ટમ ડ્યુટી 15% થી ઘટાડીને 6% કરી હતી. થોડો સમય દાણચોરી ઘટી પણ હતી, પરંતુ હવે ભાવ વધતા ફરીથી એરપોર્ટ પર સોનું પકડાવાના કિસ્સા વધી ગયા છે.
Budget 2026: દેશમાં સામાન્ય જનતાની નજર હવે 1 ફેબ્રુઆરીના રોજ રજૂ થનારા બજેટ પર ટકેલી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ જ્યારે સંસદમાં બજેટ રજૂ કરશે, ત્યારે સોનાના ખરીદદારોને કોઈ રાહત મળશે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન છે. બજેટ પહેલા જ સોનાના ભાવમાં જે રીતે ભડકો થયો છે, તેણે બધા સમીકરણો બગાડી નાખ્યા છે. જુલાઈ 2024માં સરકારે સોના પરની કસ્ટમ ડ્યુટી ઘટાડી હતી, પરંતુ ભાવ વધારાને કારણે આ રાહત ધોવાઈ ગઈ છે અને દાણચોરી (Smuggling) માટે મોકળું મેદાન મળી ગયું છે.
સોનાના ભાવમાં ઐતિહાસિક તેજી
છેલ્લા એક વર્ષમાં સોનાએ રોકાણકારોને માલામાલ કરી દીધા છે, પણ ખરીદદારો માટે મુશ્કેલી વધારી છે. ગયા વર્ષે સોનાના ભાવમાં લગભગ 67%નો જબરદસ્ત ઉછાળો આવ્યો હતો અને આ વર્ષે પણ અત્યાર સુધીમાં 11%નો વધારો નોંધાઈ ચૂક્યો છે. શેરબજારમાં ઉતાર-ચઢાવ હોવા છતાં સોનું સતત ચમકતું રહ્યું છે.
વૈશ્વિક સ્તરે અમેરિકામાં વ્યાજદરમાં ઘટાડો અને ડૉલર નબળો પડવાને કારણે લોકો સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળ્યા છે. 2025માં સોનાએ અનેક રેકોર્ડ તોડ્યા હતા અને 26 ડિસેમ્બરના રોજ તે 4,549.7 ડૉલર પ્રતિ ઔંસના ઉચ્ચ સ્તરે પહોંચી ગયું હતું. હવે તે 5000 ડૉલરની સપાટીને અડવા જઈ રહ્યું છે.
દાણચોરોને જલસા: 1 કિલો પર લાખોની કમાણી
સોનાના ભાવ આસમાને પહોંચતા જ ગ્રે માર્કેટ એટલે કે દાણચોરીનું બજાર ગરમ થઈ ગયું છે. હાલની સ્થિતિ એવી છે કે દાણચોરો માટે સોનાની તસ્કરી કરવી અત્યંત ફાયદાકારક બની ગઈ છે. હાલમાં સોના પર 6% કસ્ટમ ડ્યુટી અને 3% સેલ્સ ટેક્સ લાગે છે. દાણચોરો આ ટેક્સ ચોરી કરીને પ્રતિ કિલો સોના પર 11.5 લાખ રૂપિયાથી વધુનો નફો કમાઈ રહ્યા છે. મુંબઈના બુલિયન ડીલર્સનું કહેવું છે કે જેમ જેમ ભાવ વધે છે તેમ તેમ દાણચોરોનું માર્જિન પણ વધી રહ્યું છે. જુલાઈ 2024માં સરકારે દાણચોરી રોકવા માટે બેઝિક કસ્ટમ ડ્યુટી 15% થી ઘટાડીને 6% કરી હતી. થોડો સમય દાણચોરી ઘટી પણ હતી, પરંતુ હવે ભાવ વધતા ફરીથી એરપોર્ટ પર સોનું પકડાવાના કિસ્સા વધી ગયા છે.
ભારતીયો પાસે કેટલું સોનું છે?
ભારતમાં સોનું માત્ર રોકાણ નથી, પણ લાગણી છે. મોર્ગન સ્ટેનલીના એક રિપોર્ટ મુજબ, ભારતીય ઘરોમાં આશરે 34,600 ટન સોનું પડ્યું છે. જેની કિંમત લગભગ 3.8 ટ્રિલિયન ડૉલર થાય છે. આ આંકડો અમેરિકા, ચીન, જર્મની અને ફ્રાન્સ જેવા દેશોના મધ્યસ્થ બેંકોના કુલ સોનાના ભંડાર કરતાં પણ વધારે છે. જો સરેરાશ ગણતરી કરીએ તો, ભારતના દરેક વ્યક્તિ પાસે લગભગ 25 ગ્રામ સોનું છે. આ જ કારણ છે કે બજેટમાં સોનાના ભાવમાં થતો નાનો ફેરફાર પણ સામાન્ય માણસના ખિસ્સા પર મોટી અસર કરે છે.
ઉદ્યોગ જગતની શું છે માંગ?
CMS INDUSLAWના પાર્ટનર શશિ મેથ્યુઝના જણાવ્યા અનુસાર, સરકારના પ્રયાસો છતાં બંદરો અને એરપોર્ટ પર દાણચોરીના કેસ વધી રહ્યા છે. આનો સીધો અર્થ છે કે વર્તમાન ઉપાયો કારગર સાબિત થઈ રહ્યા નથી. હવે બુલિયન ઇન્ડસ્ટ્રીની માંગ છે કે દાણચોરીને સંપૂર્ણપણે ડામવા માટે ઇમ્પોર્ટ ડ્યુટીને ઘટાડીને 3% કરી દેવી જોઈએ. હવે જોવું એ રહ્યું કે 1 ફેબ્રુઆરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણ સોનાના શોખીનો અને જ્વેલરી ઉદ્યોગની આ માંગને સ્વીકારે છે કે કેમ?