Budget 2026: દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ અત્યારે લોકસભામાં સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત મંત્રીમંડળના તમામ સભ્યો તેમનું ભાષણ સાંભળવા સંસદમાં ઉપસ્થિત છે. આ નિર્મલા સીતારમણનું સતત 9મું બજેટ છે. પોતાના ભાષણની શરૂઆતમાં જ તેમણે મોદી સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી અને આ બજેટને 'યુવા શક્તિ બજેટ' ગણાવીને યુવાનો માટે મોટી આશાઓ જગાડી છે.
12 વર્ષની તપસ્યા અને આર્થિક સ્થિરતા
નાણામંત્રીએ સંસદમાં કહ્યું કે, "જ્યારથી અમે સત્તા સંભાળી છે, ત્યારથી એટલે કે છેલ્લા 12 વર્ષથી દેશનો આર્થિક માર્ગ સ્થિરતા, નાણાકીય શિસ્ત અને સતત વિકાસવાળો રહ્યો છે." તેમણે ઉમેર્યું કે અનેક મુશ્કેલીઓ અને અનિશ્ચિતતાઓ વચ્ચે પણ સરકારે જે 'સચેત નિર્ણયો' (Conscious decisions) લીધા છે, તેના કારણે જ આજે મોંઘવારી મર્યાદિત રહી છે અને વિકાસદર જળવાઈ રહ્યો છે.
બજેટના કેન્દ્રમાં છે આ 3 મુખ્ય કર્તવ્યો
વૈશ્વિક સ્તરે ભલે અસ્થિરતા હોય, પરંતુ ભારતની આર્થિક મજબૂતી જાળવી રાખીને વિકાસની ગતિ તેજ કરવી.
સામાન્ય જનતાની આશાઓ અને આકાંક્ષાઓ પૂરી કરવી અને તેમની ક્ષમતા વધારીને તેમને ભારતની સમૃદ્ધિમાં ભાગીદાર બનાવવા.
દરેક પરિવાર, સમુદાય, ધર્મ અને ક્ષેત્રના લોકોને સંસાધનો અને સુવિધાઓ સરળતાથી મળી રહે તે સુનિશ્ચિત કરવું.
નાણામંત્રીએ પોતાના ભાષણની શરૂઆત સંત રવિદાસના નામ સાથે કરી હતી. તેમણે કહ્યું કે સરકારે દેશમાંથી ગરીબી હટાવવા માટે અનેક મહત્વના કામ કર્યા છે. નવી ટેકનોલોજી આવી રહી છે અને તેના કારણે દેશમાં મોટા બદલાવ જોવા મળી રહ્યા છે.