નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં તેમનું 9મું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. મોંઘવારી અને ટેક્સ સ્લેબને લઈને સામાન્ય જનતાને મોટી આશાઓ છે. જાણો બજેટ 2026 ના લાઈવ અપડેટ્સ.
આ બજેટ રજૂ કરવાની સાથે જ નિર્મલા સીતારમણ એક નવો રેકોર્ડ પોતાના નામે કરશે. આ તેમનું સતત 9મું બજેટ હશે. જેમાં 7 પૂર્ણ બજેટ અને 2 વચગાળાના બજેટનો સમાવેશ થાય છે.
Budget 2026: દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં સામાન્ય બજેટ રજૂ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આજે સવારે તેઓ ગોલ્ડન કલરની ચેક્સ ડિઝાઈનવાળી પર્પલ સાડી પહેરીને કર્તવ્ય ભવનથી બજેટ લઈને રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. ત્યાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પરંપરા મુજબ નાણામંત્રીને દહીં-ખાંડ ખવડાવીને તેમનું મોઢું મીઠું કરાવ્યું હતું. હવે સામાન્ય જનતાને પણ આશા છે કે જેવી રીતે રાષ્ટ્રપતિએ નાણામંત્રીનું મોઢું મીઠું કરાવ્યું, તેવી જ રીતે નાણામંત્રી પણ પોતાના બજેટ દ્વારા જનતાને કોઈ ‘મીઠી’ ભેટ આપશે.
રાષ્ટ્રપતિ ભવનથી નીકળીને હવે નાણામંત્રી સંસદ ભવન પહોંચશે, જ્યાં કેબિનેટની બેઠકમાં બજેટને મંજૂરી આપવામાં આવશે. ત્યાર બાદ બરાબર 11 વાગ્યે તેઓ લોકસભામાં બજેટ ભાષણ શરૂ કરશે. માનવામાં આવી રહ્યું છે કે આ બજેટમાં 'વિકસિત ભારત' ના રોડમેપની ઝલક જોવા મળશે.
જનતાને બજેટ પાસેથી શું છે આશાઓ?
આ વખતનું બજેટ સામાન્ય અને પૂર્ણ બજેટ હોવાથી મધ્યમ વર્ગ (Middle Class) અને નોકરીિયાત લોકોને નાણામંત્રી પાસેથી ઘણી અપેક્ષાઓ છે. ખાસ કરીને નીચે મુજબના ફેરફારોની આશા રાખવામાં આવી રહી છે:
ઇનકમ ટેક્સ સ્લેબ: નોકરિયાત વર્ગ આશા રાખી રહ્યો છે કે સ્ટાન્ડર્ડ ડિડક્શન (Standard Deduction) ની મર્યાદામાં વધારો કરવામાં આવે.
નવી ટેક્સ વ્યવસ્થા (New Tax Regime): સરકાર નવી ટેક્સ વ્યવસ્થાને વધુ આકર્ષક બનાવવા માટે તેમાં સુધારા કરી શકે છે.
મોંઘવારી પર કાબૂ: ગૃહિણીઓ અને સામાન્ય નાગરિકોને આશા છે કે ખાવા-પીવાની વસ્તુઓ અને ઈંધણના ભાવ કાબૂમાં આવે તેવા પગલાં સરકાર લેશે.
નિર્મલા સીતારમણ રચશે ઈતિહાસ
આ બજેટ રજૂ કરવાની સાથે જ નિર્મલા સીતારમણ એક નવો રેકોર્ડ પોતાના નામે કરશે. આ તેમનું સતત 9મું બજેટ હશે. જેમાં 7 પૂર્ણ બજેટ અને 2 વચગાળાના બજેટનો સમાવેશ થાય છે. આ સાથે તેઓ પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમના 9 બજેટ રજૂ કરવાના રેકોર્ડની બરાબરી કરી લેશે.
જો કે, 'સતત' બજેટ રજૂ કરવાના મામલે તેઓ મોરારજી દેસાઈ (સતત 6 બજેટ) ને તો ક્યારના પાછળ છોડી ચૂક્યા છે. મોરારજી દેસાઈના નામે કુલ 10 વાર બજેટ રજૂ કરવાનો રેકોર્ડ છે. જો નિર્મલા સીતારમણ આવતા વર્ષે પણ બજેટ રજૂ કરશે તો તેઓ ભારતની પ્રથમ એવી મહિલા નાણામંત્રી બની જશે જેમણે 10 કે તેથી વધુ વખત બજેટ રજૂ કર્યું હોય.
બજેટ સાથે જોડાયેલી રસપ્રદ વાતો
રવિવારે બજેટ: સામાન્ય રીતે બજેટ કામકાજના દિવસોમાં રજૂ થતું હોય છે, પરંતુ આ વર્ષે 1 ફેબ્રુઆરીએ રવિવાર હોવા છતાં બજેટ રજૂ કરવામાં આવી રહ્યું છે.
ડિજિટલ બજેટ: વર્ષ 2021 થી પરંપરાગત બહી-ખાતાને બદલે બજેટ પેપરલેસ થઈ ગયું છે. હવે નાણામંત્રી ટેબ્લેટ દ્વારા બજેટ વાંચે છે.
હલવા સેરેમની: બજેટ પ્રક્રિયાની ગુપ્તતા જાળવવા માટે થતી પરંપરાગત 'હલવા સેરેમની' તાજેતરમાં જ સંપન્ન થઈ છે, જે બજેટના 'ડિજિટલ લોકિંગ' ની શરૂઆત દર્શાવે છે.