Budget 2026: ભારત બનશે સુપરપાવર? નિર્મલા સીતારમણે રજૂ કર્યો આર્થિક વિકાસનો '10 પોઈન્ટ રોડમેપ'
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ 2026 માં દેશના આર્થિક વિકાસ માટે 10 મોટી યોજનાઓ જાહેર કરી છે. સેમિકન્ડક્ટરથી લઈને ટેક્સટાઈલ અને ફાર્મા સેક્ટર સુધી, જાણો સરકારનો સંપૂર્ણ માસ્ટર પ્લાન.
પહેલા મિશનની સફળતા બાદ હવે સરકારે ISM 2.0 લોન્ચ કર્યું છે. આ અંતર્ગત સેમિકન્ડક્ટર બનાવવા માટે જરૂરી સાધનો અને મટીરિયલના ઉત્પાદન પર ભાર મૂકવામાં આવશે.
Budget 2026: કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં દેશનું બજેટ રજૂ કરતા ભારતની અર્થવ્યવસ્થાને નવી ઊંચાઈએ લઈ જવાનો મજબૂત રોડમેપ જાહેર કર્યો છે. દેશના વિકાસને વેગ આપવા અને આત્મનિર્ભરતા વધારવા માટે તેમણે 10 મોટી યોજનાઓનું એલાન કર્યું છે. આ યોજનાઓથી દેશમાં રોકાણ વધશે, નવી રોજગારીની તકો સર્જાશે અને 'મેક ઈન ઈન્ડિયા' વધુ મજબૂત બનશે.
જાણો નાણામંત્રીના પટારામાંથી નીકળેલી આ 10 મોટી યોજનાઓ વિશે:
1. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન (ISM) 2.0
પહેલા મિશનની સફળતા બાદ હવે સરકારે ISM 2.0 લોન્ચ કર્યું છે. આ અંતર્ગત સેમિકન્ડક્ટર બનાવવા માટે જરૂરી સાધનો અને મટીરિયલના ઉત્પાદન પર ભાર મૂકવામાં આવશે. ઉપરાંત, સપ્લાય ચેન મજબૂત કરવા અને ટેકનિકલ એક્સપર્ટ તૈયાર કરવા માટે ખાસ રિસર્ચ અને ટ્રેનિંગ સેન્ટર બનાવવામાં આવશે.
2. બાયોફાર્મા શક્તિ (Biopharma SHAKTI)
ભારતને દવા ઉત્પાદનમાં ગ્લોબલ હબ બનાવવા માટે આગામી 5 વર્ષમાં 10,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે. આ યોજના હેઠળ 3 નવા NIPER ઈન્સ્ટિટ્યૂટ બનશે અને 7 જૂના ઈન્સ્ટિટ્યૂટને અપગ્રેડ કરાશે. સાથે જ 1000 થી વધુ ક્લિનિકલ ટ્રાયલ સાઇટ્સનું નેટવર્ક ઊભું કરવામાં આવશે.
3. હાઈ-ટેક ટૂલ રૂમ્સ
ઉદ્યોગોમાં મશીનરી અને સાધનોની ગુણવત્તા સુધારવા માટે બે અત્યાધુનિક ડિજિટલ હાઈ-ટેક ટૂલ રૂમ બનાવવામાં આવશે. આ સિવાય કન્ટેનરના ઉત્પાદન માટે 10,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાની પણ જાહેરાત થઈ છે.
4. રેર અર્થ મેગ્નેટ કોરિડોર
ખનીજ ક્ષેત્રે ક્રાંતિ લાવવા માટે ઓડિશા, કેરળ, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં 'રેર અર્થ મેગ્નેટ' માટે સમર્પિત કોરિડોર બનાવવામાં આવશે. અહીં માઈનિંગ, પ્રોસેસિંગ અને રિસર્ચને વેગ આપવામાં આવશે.
5. ત્રણ નવા કેમિકલ પાર્ક
દેશમાં કેમિકલનું ઉત્પાદન વધારવા અને વિદેશથી થતી આયાત ઘટાડવા માટે ત્રણ નવા કેમિકલ પાર્ક બનાવવામાં આવશે. આ પાર્ક 'પ્લગ-એન્ડ-પ્લે' મોડલ પર આધારિત હશે.
6. ટેક્સટાઈલ ઉદ્યોગ માટે વિશેષ પેકેજ
કાપડ ઉદ્યોગ માટે 5 સ્તરીય યોજના જાહેર કરવામાં આવી છે:
રેશમ, ઊન અને જૂટમાં આત્મનિર્ભરતા.
મશીનરી અને ટેકનોલોજીનું અપગ્રેડેશન.
વણકરો અને કારીગરો માટે હેન્ડલૂમ પ્રોગ્રામ.
પર્યાવરણને અનુકૂળ (Tex-Eco) ઉત્પાદન.
7. સ્પોર્ટ્સ સાધનોનું ઉત્પાદન
ભારતને ઉચ્ચ ગુણવત્તાવાળા અને સસ્તા સ્પોર્ટ્સ (રમત-ગમત) સાધનોનું વૈશ્વિક હબ બનાવવા માટે નવી યોજના શરૂ થશે, જેમાં રિસર્ચ અને ઇનોવેશન પર ફોકસ રહેશે.
8. ઈલેક્ટ્રોનિક કોમ્પોનન્ટ્સ સ્કીમ
ઈલેક્ટ્રોનિક સાધનોના ઉત્પાદનને વેગ આપવા માટે આ યોજનાનું રોકાણ 22,919 કરોડથી વધારીને 40,000 કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે.
9. જૂના ઔદ્યોગિક ક્લસ્ટરનું નવનિર્માણ
દેશના 200 જેટલા જૂના ઔદ્યોગિક ક્લસ્ટર્સને રિવાઈવ (પુનઃજીવિત) કરવામાં આવશે. નવી ટેકનોલોજી દ્વારા તેમનો ઉત્પાદન ખર્ચ ઘટાડવા અને ક્ષમતા વધારવા પર કામ થશે.
10. હાઈ-ટેક કન્સ્ટ્રક્શન સાધનો
બાંધકામ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે વપરાતા આધુનિક સાધનોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવશે. જેનાથી ખેતી, સેવા ક્ષેત્ર અને સામાન્ય લોકોની ખરીદ શક્તિમાં સુધારો થશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આ તમામ પહેલથી ભારતનો આર્થિક વિકાસ દર 7% ની આસપાસ જળવાઈ રહેશે અને ગરીબી નાબૂદીમાં મોટી મદદ મળશે.