બજેટ 2026: શેરબજાર પર સબસિડીનો ‘પાવર’ દેખાશે? ખાતર અને ગેસ કંપનીઓના શેર્સ પર રાખો ખાસ નજર
Budget 2026: બજેટ 2026માં સબસિડીના આંકડા શેરબજારની દિશા નક્કી કરશે. ખાતર (Fertilizer), ફૂડ અને LPG સબસિડીમાં થનારા ફેરફારોની સીધી અસર તમારા પોર્ટફોલિયો પર પડી શકે છે. જાણો કયા શેર્સ પર થશે સૌથી મોટી અસર.
બજેટ 2026માં સૌથી મોટી અપેક્ષા ફર્ટિલાઈઝર (ખાતર) ઉદ્યોગને છે. હાલમાં માત્ર ફોસ્ફેટિક અને પોટાશ ખાતરો જ 'ન્યૂટ્રિઅન્ટ બેઝ્ડ સબસિડી' (NBS) હેઠળ આવે છે, જ્યારે યુરિયા માટે અલગ નિયમો છે.
Budget 2026: આગામી 1 ફેબ્રુઆરીએ રજૂ થનારા કેન્દ્રીય બજેટ 2026 પર આખા દેશની નજર મંડાયેલી છે, પરંતુ શેરબજારના રોકાણકારો માટે આ વખતનું બજેટ ખાસ કરીને સબસિડીના મોરચે ખૂબ જ મહત્વનું બની રહેવાનું છે. આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે સરકાર ફૂડ, ફર્ટિલાઈઝર અને એલપીજી (LPG) પર જે સબસિડી જાહેર કરશે, તેનાથી બજારની ચાલ નક્કી થશે.
જો તમે શેરબજારમાં રોકાણ કરો છો, તો બજેટના દિવસે તમારે નીચે મુજબના ત્રણ સેક્ટર પર ખાસ નજર રાખવી જોઈએ:
1. ફર્ટિલાઈઝર સેક્ટર: યુરિયા માટે નવી નીતિ?
બજેટ 2026માં સૌથી મોટી અપેક્ષા ફર્ટિલાઈઝર (ખાતર) ઉદ્યોગને છે. હાલમાં માત્ર ફોસ્ફેટિક અને પોટાશ ખાતરો જ 'ન્યૂટ્રિઅન્ટ બેઝ્ડ સબસિડી' (NBS) હેઠળ આવે છે, જ્યારે યુરિયા માટે અલગ નિયમો છે.
શું છે અપેક્ષા?
ઉદ્યોગની માંગ છે કે યુરિયાને પણ NBS હેઠળ લાવવામાં આવે. આ ઉપરાંત, કાચા માલ પરની કસ્ટમ ડ્યુટી ઘટાડવાની પણ માંગ છે.
શેર્સ પર અસર: જો સબસિડીનું બજેટ વધારવામાં આવે તો સરકારી કંપનીઓ જેવી કે RCF, NFL અને ખાનગી કંપનીઓ જેવી કે ચંબલ ફર્ટિલાઈઝર અને કોરોમંડલ ઈન્ટરનેશનલ માટે સારા સમાચાર બની શકે છે. સબસિડી સમયસર મળવાથી આ કંપનીઓની વર્કિંગ કેપિટલની સમસ્યા હળવી થાય છે.
2. ઓઈલ અને ગેસ (LPG): 30,000 કરોડની રાહત?
સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) – IOC, BPCL અને HPCL – લાંબા સમયથી રાંધણ ગેસ (LPG) પર નુકસાન (અંડર-રિકવરી) ભોગવી રહી છે.
શું છે અપેક્ષા?
બજારમાં એવી ચર્ચા છે કે સરકાર આ કંપનીઓના નુકસાનની ભરપાઈ કરવા માટે અંદાજે 30,000 કરોડ રૂપિયાની વિશેષ સબસિડી અથવા ગ્રાન્ટ ફાળવી શકે છે. જો આવું થાય તો આ સરકારી કંપનીઓના પ્રોફિટ માર્જિનમાં મોટો ઉછાળો આવી શકે છે.
બીજી તરફ, અમુક એક્સપર્ટ્સ એવું પણ માને છે કે સરકાર આવક વધારવા માટે પેટ્રોલ-ડીઝલ પર એક્સાઈઝ ડ્યુટીમાં ફેરફાર કરી શકે છે, જેની નકારાત્મક અસર પણ થઈ શકે છે.
3. ફૂડ સબસિડી અને ગ્રામીણ ભારત
'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' હેઠળ અપાતા મફત અનાજને કારણે ફૂડ સબસિડીનું બિલ ઘણું મોટું છે. જો સરકાર ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટે સબસિડી ચાલુ રાખે અથવા ખેડૂતોના હાથમાં વધુ પૈસા આવે તેવી જાહેરાત કરે, તો તેની સીધી અસર FMCG સેક્ટર (સાબુ, તેલ, બિસ્કિટ બનાવતી કંપનીઓ) અને ટ્રેક્ટર બનાવતી કંપનીઓ (M&M, Escorts) પર પોઝિટિવ જોવા મળશે.
બજેટ 2026માં સરકાર 'રાજકોષીય ખાધ' (Fiscal Deficit) કાબૂમાં રાખવા અને લોકપ્રિય જાહેરાતો કરવા વચ્ચે કેવું સંતુલન સાધે છે તે જોવું રસપ્રદ રહેશે. રોકાણકારોએ બજેટના દિવસે ખાસ કરીને સબસિડીના આંકડાઓ પર બારીક નજર રાખવી જોઈએ, કારણ કે તેનાથી સેક્ટર સ્પેસિફિક મુવમેન્ટ જોવા મળશે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સ્ટોક પર્ફોમન્સ પર આધારિત છે. એ નોંધવું અગત્યનું છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ ક્યારેય કોઈને અહીં પૈસા રોકવાની સલાહ આપતું નથી.