Budget 2026: સુપર રિચ લોકો પર ટેક્સ વધ્યો તો દેશ છોડી દેશે? જાણો શું છે નિષ્ણાતોની ચેતવણી અને ટેક્સનું ગણિત
Budget 2026: શું આગામી બજેટ 2026માં અમીરો પર ટેક્સનો બોજ વધશે? આર્થિક નિષ્ણાતોએ સરકારને સલાહ આપી છે કે સુપર રિચ પર સરચાર્જ વધારવાથી તેઓ ભારત છોડીને ઓછા ટેક્સ વાળા દેશોમાં વસી શકે છે. જાણો વેલ્થ ટેક્સ અને સરચાર્જ અંગેના મહત્વના અપડેટ્સ.
નિષ્ણાતોના મતે, જો સરકાર સુપર રિચ લોકો પર ટેક્સનો બોજ વધારે છે અથવા 2015માં બંધ થયેલો વેલ્થ ટેક્સ ફરી શરૂ કરે છે, તો આ લોકો ઓછા ટેક્સવાળા દેશો જેમ કે દુબઈ, સિંગાપોર તરફ વળી શકે છે.
Budget 2026: ભારતમાં બજેટ 2026-27ની તૈયારીઓ અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન ટેક્સને લઈને એક મોટો મુદ્દો સામે આવ્યો છે. દેશના અગ્રણી ટેક્સ એક્સપર્ટ્સ અને અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે સરકારે આગામી બજેટમાં સુપર રિચ એટલે કે અત્યંત ધનિક લોકો પર ઇન્કમ ટેક્સ સરચાર્જ વધારવો જોઈએ નહીં કે વેલ્થ ટેક્સ ફરીથી લાગુ કરવો જોઈએ નહીં. જો સરકાર આમ કરશે, તો દેશના ધનવાનો ભારત છોડીને વિદેશમાં સ્થાયી થઈ શકે છે.
શા માટે સરચાર્જ ન વધારવો જોઈએ?
નિષ્ણાતોના મતે, જો સરકાર સુપર રિચ લોકો પર ટેક્સનો બોજ વધારે છે અથવા 2015માં બંધ થયેલો વેલ્થ ટેક્સ ફરી શરૂ કરે છે, તો આ લોકો ઓછા ટેક્સવાળા દેશો જેમ કે દુબઈ, સિંગાપોર તરફ વળી શકે છે. હાલના સમયમાં દુનિયાભરમાં સ્થળાંતર કરવું સરળ બન્યું છે. સ્વતંત્ર અર્થશાસ્ત્રીઓના અંદાજ મુજબ, ચાલુ નાણાકીય વર્ષ 2025-26માં GST દરમાં ઘટાડો અને ઓછા ઇન્કમ ટેક્સ કલેક્શનને કારણે સરકારી તિજોરીને લગભગ 2 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. જોકે, આ નુકસાનની ભરપાઈ કરવા માટે ટેક્સ વધારવો એ યોગ્ય ઉકેલ નથી.
હાલમાં કેટલો લાગે છે સરચાર્જ?
ભારતમાં હાલની ટેક્સ વ્યવસ્થા મુજબ, 50 લાખ રૂપિયાથી વધુની વાર્ષિક આવક ધરાવતા લોકો પર સરચાર્જ લાગુ પડે છે. તેનું ગણિત નીચે મુજબ છે:
50 લાખથી 1 કરોડ સુધીની આવક: 10 ટકા સરચાર્જ.
1 કરોડથી 2 કરોડ સુધીની આવક: 15 ટકા સરચાર્જ.
2 કરોડથી 5 કરોડ સુધીની આવક: 25 ટકા સરચાર્જ.
5 કરોડથી વધુ આવક: નવી કર વ્યવસ્થા (New Tax Regime) પસંદ કરનારાઓ માટે 25 ટકા, જ્યારે જૂની કર વ્યવસ્થા (Old Tax Regime) વાળા માટે 37 ટકા સરચાર્જ છે.
શું કહે છે ટેક્સ નિષ્ણાતો?
1. વધુ ટેક્સ એટલે પ્રતિભાનું પલાયન
પીડબ્લ્યુસી (PwC)ના પાર્ટનર અમિત રાણા જણાવે છે કે ટેક્સ સિસ્ટમમાં જેટલી કમાણી, તેટલો ટેક્સનો સિદ્ધાંત બરાબર છે, પરંતુ જો ટેક્સ ખૂબ વધારે હોય તો ઉચ્ચ આવક ધરાવતા લોકો ભારત છોડવાનું પસંદ કરશે. આ એ જ વર્ગ છે જે દેશમાં ઉદ્યોગો અને રોજગારીનું સર્જન કરે છે. તેથી આ બેલેન્સ જાળવવું ખૂબ જરૂરી છે.
2. સ્થિરતા જરૂરી છે
નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, ટેક્સના દરોમાં વારંવાર ફેરફાર અને અનિશ્ચિતતા મૂડીને વિદેશ તરફ ધકેલે છે. જો આપણે દેશમાં ટેલેન્ટ અને પૈસો રોકી રાખવો હોય, તો ટેક્સ સિસ્ટમ સ્થિર હોવી જોઈએ.
3. વેલ્થ ટેક્સ લાવવો જોખમી
શાર્દુલ અમરચંદ મંગલદાસના ગૌરી પુરી માને છે કે વેલ્થ ટેક્સ ફરી શરૂ કરવાથી વહીવટી ગૂંચવણો વધશે અને ઉદ્યોગસાહસિકો નિરાશ થશે. આનાથી રોકાણ પર અસર પડી શકે છે.
શું સરકાર ટેક્સ વધારશે?
ડેલોઈટ ઇન્ડિયાના આલોક અગ્રવાલના મતે, સરકારે બજેટ 2023માં જ 5 કરોડથી વધુ આવક ધરાવતા લોકો માટે નવી ટેક્સ વ્યવસ્થામાં સરચાર્જ 37 ટકાથી ઘટાડીને 25 ટકા કર્યો હતો. આનાથી મેક્સિમમ ટેક્સ રેટ 42.7 ટકાથી ઘટીને 39 ટકા થઈ ગયો છે. આ ફેરફાર 1 એપ્રિલ 2023થી જ લાગુ થયો છે.
સરકાર સામાન્ય રીતે આટલા ટૂંકા ગાળામાં પોતાની નીતિ બદલે અને ફરીથી ટેક્સ વધારે તેવું હાલ શક્ય લાગતું નથી. છતાં, અંતિમ નિર્ણય આગામી બજેટમાં જ સ્પષ્ટ થશે.