ACME Solarના શેરમાં 9%નો ભારે ઉછાળો: કંપનીના એક મોટા અપડેટથી રોકાણકારો થયા માલામાલ!
ACME Solar Holdingsના શેરમાં 9%નો મોટો ઉછાળો નોંધાયો છે. કંપનીએ રાજસ્થાનમાં નવો BESS પ્રોજેક્ટ ચાલુ કર્યો છે. જાણો આ શેર વિશેની સંપૂર્ણ માહિતી અને નફાકારક યોજનાઓ.
ACME Solar Holdingsના શેરમાં 9%નો મોટો ઉછાળો નોંધાયો છે.
ACME Solar Holdings: રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં કામ કરતી જાણીતી કંપની ACME Solar Holdingsના શેરહોલ્ડર્સ માટે 13 માર્ચનો દિવસ ખૂબ જ શાનદાર રહ્યો છે. ટ્રેડિંગ સેશન દરમિયાન કંપનીના શેરમાં 9 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો હતો. BSE પર આ શેર તેજી સાથે 262.45 રૂપિયાના હાઈ લેવલ પર પહોંચી ગયો હતો. આ જબરદસ્ત તેજી પાછળનું મુખ્ય કારણ કંપની દ્વારા આપવામાં આવેલું એક મહત્વનું અપડેટ છે, જેનાથી રોકાણકારોનો ભરોસો વધ્યો છે.
પ્રોજેક્ટ અંગેનું મોટું અપડેટ
કંપનીએ શેર બજારને સત્તાવાર રીતે માહિતી આપી છે કે, તેમણે પોતાના બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ (BESS) પ્રોજેક્ટમાંથી મોટો હિસ્સો સફળતાપૂર્વક ચાલુ કરી દીધો છે. કંપનીની કુલ પ્લાન કરેલી 585 MW/2011.24 MWhની ક્ષમતામાંથી પ્રથમ તબક્કામાં 142.67 MW/481.49 MWhનો BESS પ્રોજેક્ટ કાર્યરત થઈ ગયો છે. આ કામગીરી કંપનીએ પોતાની અલગ-અલગ સબસિડિયરી કંપનીઓ મારફતે કરી છે. ભવિષ્યની જરૂરિયાતોની વાત કરીએ તો, કંપનીના હાલના પોર્ટફોલિયોને પહોંચી વળવા માટે અલગ-અલગ રાજ્યોમાં તબક્કાવાર રીતે લગભગ 17 GWh BESS લગાવવાની જરૂર પડશે.
કેવી રીતે થશે કંપનીની કમાણી?
રાજસ્થાનમાં આવેલા આ નવા BESS પ્રોજેક્ટ્સ અગાઉથી જ કાર્યરત ઇન્ટર સ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ (ISTS) સાથે જોડાયેલા છે. શરૂઆતના સમયમાં તે શોર્ટ-ટર્મ મર્ચન્ટ બેઝ પર કામ કરશે. આનો સીધો ફાયદો એ થશે કે પીક અવર્સ (જ્યારે વીજળીની માંગ સૌથી વધુ હોય) અને નોન-પીક અવર્સ વચ્ચેના ભાવના તફાવતમાંથી કંપની વધારાની આવક ઊભી કરી શકશે.
ત્યારબાદ, આ પ્રોજેક્ટ્સને FDRE (ફર્મ એન્ડ ડિસ્પેચેબલ રિન્યુએબલ એનર્જી) સાથે જોડી દેવામાં આવશે. જે પછીથી 25 વર્ષ સુધી PPA (પાવર પરચેઝ એગ્રીમેન્ટ) હેઠળ નિરંતર કામ કરતા રહેશે, જેનાથી કંપનીને લાંબા ગાળાની આવક મળતી રહેશે.
બીજા તબક્કાની પણ થઈ શરૂઆત
એક દિવસ અગાઉ જ કંપનીએ એક્સચેન્જને જણાવ્યું હતું કે, તેમણે રાજસ્થાનના ફલોદી અને જોધપુરમાં પણ કામગીરી તેજ કરી છે. અહીં કુલ 300 MW/1,409.34 MWh ના પ્રોજેક્ટમાંથી 33.335 MW/160.51 MWhનો બીજો તબક્કો શરૂ કરી દેવાયો છે. આ કામગીરી 100 ટકા માલિકી ધરાવતી પેટા-કંપની ACME Sun Power દ્વારા કરવામાં આવી છે.
આ બીજા તબક્કાની કમર્શિયલ ઓપરેશન તારીખ (COD) 14 માર્ચ નક્કી કરવામાં આવી છે. આ નવા અપડેટ સાથે જ ACME Sun Power ની કુલ કાર્યરત ક્ષમતા હવે 66.67 MW/320.99 MWh પર પહોંચી ગઈ છે.
એક વર્ષમાં શેરમાં 27 ટકાનું રિટર્ન
ACME Solar ના શેરે રોકાણકારોને નિરાશ કર્યા નથી.
માર્કેટ કેપ: સતત વૃદ્ધિ સાથે કંપનીનું માર્કેટ કેપ વધીને 15500 કરોડ રૂપિયા થઈ ગયું છે.
રિટર્ન: છેલ્લા એક જ વર્ષમાં આ શેરે 27 ટકાનો સારો ગ્રોથ બતાવ્યો છે.
પ્રમોટર હોલ્ડિંગ: ડિસેમ્બરના અંત સુધીમાં પ્રમોટર્સ પાસે કંપનીની 83.29 ટકા જેટલી મજબૂત હિસ્સેદારી હતી.
52-વીક હાઈ/લો: BSE પર શેરનો 52 સપ્તાહનો હાઈ 324.25 રૂપિયા અને લો 172.90 રૂપિયા છે.
BESS શું છે અને તેનો ફાયદો શું?
એક્સચેન્જ ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યું છે કે, BESS (બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ) નો મુખ્ય હેતુ પાવર ગ્રીડની વિશ્વસનીયતા વધારવાનો અને વીજળીના ઉપયોગને સ્માર્ટ બનાવવાનો છે. જ્યારે વીજળીની માંગ ઓછી હોય (નોન-પીક અવર્સ) ત્યારે આ સિસ્ટમ દ્વારા બેટરીઓને ચાર્જ કરવામાં આવે છે. અને જ્યારે માંગ વધે (પીક અવર્સ) ત્યારે તેમાંથી વીજળી સપ્લાય કરવામાં આવે છે. આ સિસ્ટમ ઊર્જાની સપ્લાય અને માંગ વચ્ચે સંતુલન જાળવવામાં ખૂબ જ અગત્યની ભૂમિકા ભજવશે અને ગ્રીડને વધુ સ્થિર બનાવશે.
ડિસ્ક્લેમર: અહીં આપેલી માહિતી સ્ટોક પર્ફોમન્સ પર આધારિત છે. એ નોંધવું અગત્યનું છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે, પૈસાનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો. મનીકંટ્રોલ ક્યારેય કોઈને અહીં પૈસા રોકવાની સલાહ આપતું નથી.