એસ્ટ્રલના પરિણામો બાદ જાણીતી બ્રોકરેજ કંપનીઓએ તેમના ટાર્ગેટ પ્રાઈસમાં મોટો ફેરફાર કર્યો છે.
Astral Share Price: પાઈપ, એડહેસિવ્સ, બાથવેર અને પેઇન્ટ્સ બનાવતી જાણીતી કંપની એસ્ટ્રલના શેરમાં આજે તોફાની તેજી જોવા મળી છે. જૂન ક્વાર્ટરના શાનદાર પરિણામો જાહેર થયા બાદ કંપનીના શેરમાં 9%થી વધુનો ઉછાળો આવ્યો છે. છેલ્લા 5 વર્ષમાં ઇન્ટ્રા-ડેમાં જોવા મળેલી આ સૌથી મોટી તેજી છે. શાનદાર પરિણામોને જોતા મોટી બ્રોકરેજ ફર્મ્સે પણ આ શેર માટે પોઝિટિવ રેટિંગ આપ્યું છે, જેના કારણે આજે રોકાણકારો આ શેર પર તૂટી પડ્યા હતા.
આજના ટ્રેડિંગ સેશનમાં, બીએસઇ પર આ શેર 9.60% ઉછળીને ઇન્ટ્રા-ડે હાઈ 1599.00 રૂપિયા પર પહોંચી ગયો હતો. હાલમાં આ શેર લગભગ 7.06%ના વધારા સાથે 1561.95 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.
બ્રોકરેજ ફર્મ્સનું શું કહેવું છે?
એસ્ટ્રલના પરિણામો બાદ જાણીતી બ્રોકરેજ કંપનીઓએ તેમના ટાર્ગેટ પ્રાઈસમાં મોટો ફેરફાર કર્યો છે:
જેપી મોર્ગન: આ ફર્મે એસ્ટ્રલનું રેટિંગ 'ન્યુટ્રલ' થી વધારીને 'ઓવરવેઈટ' કર્યું છે અને ટાર્ગેટ પ્રાઈસ 1600 રૂપિયાથી વધારીને 1750 રૂપિયા કરી દીધો છે.
નુવામા: નુવામાએ પણ રેટિંગ હોલ્ડથી અપગ્રેડ કરીને બાય કર્યું છે. સાથે જ ટાર્ગેટ પ્રાઈસ 1572 રૂપિયાથી વધારીને 1675 રૂપિયા આપ્યો છે.
સિટી: સિટી બ્રોકરેજે ખરીદીની સલાહ જાળવી રાખી છે અને સૌથી ઊંચો 1900 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઈસ આપ્યો છે. તેમના મતે ચાલુ નાણાકીય વર્ષના શરૂઆતના મહિનાઓમાં કંપનીના વોલ્યુમમાં ડબલ ડિજિટ ગ્રોથ જોવા મળ્યો છે.
CLSA: જોકે, આ ફર્મે 1490 રૂપિયાના ટાર્ગેટ સાથે હોલ્ડ રેટિંગ આપ્યું છે, પરંતુ કંપનીનું ગાઈડન્સ મજબૂત હોવાની વાત સ્વીકારી છે.
જૂન ક્વાર્ટરના પરિણામો અને ફ્યુચર પ્લાનિંગ
જૂન ક્વાર્ટરમાં એસ્ટ્રલની આવક વાર્ષિક ધોરણે 16%ના દરે વધી છે. જોકે તે બજારની 17%ની અપેક્ષા કરતા સહેજ ઓછી છે. આ સમયગાળા દરમિયાન કંપનીનો EBITDA 25%ના દરે વધ્યો છે અને માર્જિન 14.6% રહ્યું છે, જે બજારના અંદાજ મુજબ જ છે. સેગમેન્ટ મુજબ જોઈએ તો, પ્લમ્બિંગ બિઝનેસની આવકમાં 10% અને પેઇન્ટ્સ-એડહેસિવ બિઝનેસમાં 30%નો મોટો ઉછાળો આવ્યો છે.
કંપનીના વિસ્તરણની વાત કરીએ તો, 40,000 ટનના CPVC રેઝિન પ્લાન્ટનો પહેલો તબક્કો ડિસેમ્બર સુધીમાં તૈયાર થવાની ધારણા છે. નાણાકીય વર્ષ 2027ના ચોથા ક્વાર્ટર સુધીમાં તેનું બેકવર્ડ ઇન્ટિગ્રેશન યોગ્ય ટ્રેક પર છે અને તેનો સંપૂર્ણ ફાયદો નાણાકીય વર્ષ 2028 માં કંપનીના માર્જિન અને માર્કેટ શેરમાં જોવા મળશે.
MSCI ઇન્ડેક્સમાં ફેરફારની અસર
ઇન્ડેક્સ સર્વિસ પ્રોવાઇડર MSCI દ્વારા એસ્ટ્રલને MSCI ઇન્ડિયા સ્ટાન્ડર્ડ ઇન્ડેક્સ માંથી હટાવીને 'સ્મોલકેપ ઇન્ડેક્સ' માં સામેલ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ રિબેલેન્સિંગની પ્રક્રિયા 31 ઓગસ્ટના રોજ થશે. નુવામા રિસર્ચના મતે, આ ફેરફારને કારણે અંદાજે $13.8 કરોડનું આઉટફ્લો થઈ શકે છે. આની શોર્ટ ટર્મમાં શેરની કિંમત પર થોડી અસર જોવા મળી શકે છે.
શેરની ચાલ અને એનાલિસ્ટ્સનો મત
છેલ્લા એક વર્ષના રેકોર્ડ પર નજર કરીએ તો એસ્ટ્રલના શેરની 52-સપ્તાહની નીચી સપાટી 1269.90 રૂપિયા રહી છે, જ્યારે હાઈ લેવલ 1767.95 રૂપિયા નોંધાયું છે. બજારના એક્સપર્ટ્સ આ શેરને લઈને ખૂબ જ પોઝિટિવ છે. આ શેરને કવર કરતા કુલ 31 એનાલિસ્ટ્સમાંથી 24 એનાલિસ્ટ્સે બાય, 3 એનાલિસ્ટ્સે હોલ્ડ અને માત્ર 4 એનાલિસ્ટ્સે સેલનું રેટિંગ આપ્યું છે. ભવિષ્યના લક્ષ્યાંકો અને બિઝનેસ ગ્રોથને જોતા લાંબા ગાળાના રોકાણકારો માટે આ શેર આકર્ષક સાબિત થઈ રહ્યો છે.
ડિસ્ક્લેમર: આ માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે. અહીં જણાવવું જરૂરી છે કે શેરબજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકારોએ કોઈપણ જગ્યાએ નાણાં રોકતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. મનીકંટ્રોલ દ્વારા ક્યારેય પણ કોઈને રોકાણ કરવાની સલાહ આપવામાં આવતી નથી.