UPI પર ફી લાગુ થવાથી કોની તિજોરી ભરાશે? PhonePe, GPay અને બેંકો વચ્ચે કેવી રીતે વહેંચાશે કમાણી, જાણો સંપૂર્ણ વિગત | Moneycontrol Gujarati
Get App

UPI પર ફી લાગુ થવાથી કોની તિજોરી ભરાશે? PhonePe, GPay અને બેંકો વચ્ચે કેવી રીતે વહેંચાશે કમાણી, જાણો સંપૂર્ણ વિગત

UPI MDR Charges: 15 ઓક્ટોબર 2026થી 2000થી વધુના UPI મર્ચન્ટ પેમેન્ટ પર 0.40% MDR ચાર્જ લાગુ થશે. જાણો આ નવી ફીથી બેંકો અને UPI એપ્સને કેટલો ફાયદો થશે અને સામાન્ય ગ્રાહકો પર તેની શું અસર પડશે.

અપડેટેડ 10:49:48 AM Sep 16, 2026 પર
Story continues below Advertisement
UPI MDR Charges: નવા UPI ચાર્જથી કોને થશે સૌથી મોટો ફાયદો?

UPI MDR Charges: નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આવનારી 15 ઓક્ટોબર 2026થી જો તમે કોઈ દુકાનદાર કે મર્ચન્ટને 2000 થી વધુનું UPI પેમેન્ટ કરશો, તો તેના પર 0.40% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ થશે. હવે લોકોના મનમાં સૌથી મોટો સવાલ એ છે કે આ નવી ફીમાંથી જે કમાણી થશે, તે કોના ખાતામાં જશે? શું તેનો ફાયદો PhonePe અને Google Pay જેવી એપ્સને થશે કે પછી બેંકો બાજી મારી જશે? આવો આખા ગણિતને સરળ ભાષામાં સમજીએ.

આજે ભારતના UPI માર્કેટમાં Google Pay અને PhonePe નો દબદબો છે. દેશના લગભગ 90% ડિજિટલ પેમેન્ટ આ બે જ એપ્સ દ્વારા થાય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ નવી વ્યવસ્થામાં સૌથી મોટો ફાયદો આ એપ્સને નહીં, પણ બેંકોને થવાનો છે.

આ રીતે વહેંચાશે પૈસા

NPCI એ એક નવું રેવેન્યુ-શેરિંગ મોડલ તૈયાર કર્યું છે. આ મોડલ મુજબ, લેવામાં આવતા કુલ 0.40% MDR ચાર્જમાંથી 70% હિસ્સો સીધો બેંકિંગ સેક્ટર પાસે જશે. ચાલો જોઈએ કોના ખાતામાં કેટલા ટકા જશે:

ઇશ્યૂઇંગ બેંક (40% હિસ્સો): સૌથી મોટો ફાયદો તે બેંકને થશે જે બેંકમાંથી ગ્રાહકના પૈસા કપાયા છે. એટલે કે પૈસા મોકલનારની બેંકને કુલ ફીના 40% મળશે.


એક્વાયર્ડ બેંક (30% હિસ્સો): બીજો મોટો હિસ્સો દુકાનદાર એટલે કે મર્ચન્ટની બેંકને મળશે. જે બેંકમાં દુકાનદારનું ખાતું છે, તેને 30% કમાણી મળશે.

UPI એપ્સ (20% હિસ્સો): PhonePe, Google Pay અને Paytm જેવી થર્ડ-પાર્ટી એપ્સ કે જેના દ્વારા પેમેન્ટ થયું છે, તેમને માત્ર 20% હિસ્સો જ મળશે.

સ્પોન્સર બેંક (10% હિસ્સો): બાકી વધેલા 10% તે પાર્ટનર બેંકોને જશે જે આ UPI એપ્સને પાછળથી (બેકએન્ડ) ટેકનિકલ સપોર્ટ આપે છે.

10,000ના પેમેન્ટ પર સમજો આખું ગણિત

માની લો કે તમે કોઈ દુકાનદારને 10,000 નું ઓનલાઈન પેમેન્ટ કર્યું. નિયમ મુજબ તેના પર 0.40% લેખે 40નો MDR ચાર્જ લાગશે. હવે આ 40ની વહેંચણી આ રીતે થશે:

UPI MDR Charges 1

* તમારી બેંક (ઇશ્યૂઇંગ બેંક)ને 16 મળશે.

* દુકાનદારની બેંક (એક્વાયર્ડ બેંક)ને 12 મળશે.

* પેમેન્ટ એપ (જેમ કે PhonePe/GPay)ને 8 મળશે.

* બેકએન્ડ સપોર્ટ આપતી બેંક (સ્પોન્સર બેંક)ને 4 મળશે.

સામાન્ય જનતા અને દુકાનદારો પર શું અસર થશે?

જો તમે એક સામાન્ય UPI યુઝર છો, તો તમારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. NPCI એ સ્પષ્ટ કર્યું છે કે આ ચાર્જની સામાન્ય ગ્રાહકો પર કોઈ જ અસર નહીં પડે. બેંક કે દુકાનદાર ગ્રાહક પાસેથી આ પૈસા વસૂલી શકશે નહીં. આ ઉપરાંત, પેમેન્ટ એપ્સ પણ ગ્રાહકો પર કોઈ 'પ્લેટફોર્મ ચાર્જ' લગાવી શકશે નહીં. આ પૂરેપૂરો ચાર્જ દુકાનદારો (મર્ચન્ટ્સ) એ જ ભોગવવો પડશે.

આ પણ વાંચો- 15 ઓક્ટોબરથી બદલાવા જઈ રહ્યા છે UPI પેમેન્ટના નિયમો: શું સામાન્ય માણસ માટે પેમેન્ટ મોંઘુ થશે? જાણો A ટુ Z માહિતી

અમુક પેમેન્ટ્સમાં છૂટછાટ

સરકારે જીવનજરૂરી સેવાઓ માટે ચાર્જમાં રાહત આપી છે. જો તમે પેટ્રોલ પંપ પર, ટ્રેનની ટિકિટ માટે, મોબાઈલ રિચાર્જ કે ઈન્સ્યોરન્સ પ્રીમિયમ ભરવા માટે પેમેન્ટ કરશો, તો તેમાં માત્ર 5 નો ફ્લેટ ચાર્જ જ લાગશે. આ ઉપરાંત શેરબજાર (કેપિટલ માર્કેટ) ના ટ્રાન્ઝેક્શન પર આ ચાર્જ માત્ર 0.02% રાખવામાં આવ્યો છે.

આ નિર્ણય કેમ લેવાયો?

વર્ષ 2020થી ભારતમાં UPI પેમેન્ટ બિલકુલ ફ્રી (શૂન્ય-MDR) ચાલતું હતું. પરંતુ હવે UPI સિસ્ટમને આર્થિક રીતે મજબૂત અને સ્વનિર્ભર બનાવવા માટે આ ચાર્જ લાગુ કરવામાં આવ્યો છે. સરકાર તરફથી મળતી સબસિડી મર્યાદિત હોવાથી, આ ફીમાંથી થતી કમાણીનો ઉપયોગ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવા, સર્વરની કેપેસિટી સુધારવા અને વધતા સાયબર ફ્રોડને રોકવા માટે કરવામાં આવશે.

આ પણ વાંચો- UPIના નવા નિયમો પર PhonePeના CEOનું મોટું નિવેદન: ‘96% પેમેન્ટ ફ્રી રહેશે, જાણો શા માટે જરૂરી હતો આ નવો MDR ચાર્જ'

(નોંધ: આ નિયમ 15 ઓક્ટોબર 2026 થી 2000 થી વધુના માત્ર મર્ચન્ટ પેમેન્ટ્સ પર જ લાગુ થશે, વ્યક્તિગત ટ્રાન્ઝેક્શન પર નહીં.)

MoneyControl News

MoneyControl News

First Published: Sep 16, 2026 10:49 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.