OpenAI IPO: પૈસા કરતાં માનવતા મોટી, પહેલા સેફ્ટી પછી આઈપીઓ, 2026માં નહીં આવે ChatGPTનો શેર, સેમ ઓલ્ટમેને કરી મોટી જાહેરાત
શું તમે પણ ChatGPTની પેરેન્ટ કંપની OpenAI ના IPO ની રાહ જોઈ રહ્યા છો? CEO સેમ ઓલ્ટમેને AI થી માનવતાને રહેલા ખતરાને ધ્યાનમાં રાખીને 2026 માં IPO નહીં લાવવાની જાહેરાત કરી છે. જાણો પૂરો મામલો.
CEO સેમ ઓલ્ટમેન જે સુરક્ષાની વાત કરી રહ્યા છે તે કોઈ સામાન્ય વાત નથી. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, "આ દાયકાના અંત સુધીમાં તમામ માણસોના માર્યા જવાના 10% જોખમને સ્વીકારી શકાય નહીં."
OpenAI IPO: આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની દુનિયામાં ક્રાંતિ લાવનાર ChatGPT ની પેરેન્ટ કંપની OpenAI ના લિસ્ટિંગની શેરબજારના રોકાણકારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. પરંતુ, હવે આ ઈન્તેજાર હજુ લાંબો થવાનો છે. કંપનીના CEO સેમ ઓલ્ટમેને પોતે સ્પષ્ટ કરી દીધું છે કે વર્ષ 2026 માં કંપનીનો કોઈ IPO આવવાનો નથી. નવાઈની વાત એ છે કે આ પાછળનું કારણ શેરબજારની ખરાબ સ્થિતિ કે કંપનીની આર્થિક હાલત નથી, પરંતુ AI ના કારણે માણસોના અસ્તિત્વ પર તોળાઈ રહેલો એક મોટો ખતરો છે.
IPO કેમ અટક્યો? સેમ ઓલ્ટમેને શું કહ્યું?
ફોર્ચ્યુન મેગેઝિન સાથેના એક ઈન્ટરવ્યુમાં સેમ ઓલ્ટમેને જણાવ્યું હતું કે, અત્યારે કંપનીનું પૂરું ધ્યાન AI ટેકનોલોજી સાથે જોડાયેલા સુરક્ષાના મુદ્દાઓને ઉકેલવા પર છે. આવી સ્થિતિમાં આ વર્ષે કંપનીને શેરબજારમાં લિસ્ટ કરવાની કોઈ જ યોજના નથી. તેમણે સ્પષ્ટ કહ્યું કે, IPO લાવવા માટે આ બિલકુલ ખોટો સમય છે અને આવતા વર્ષ પહેલાં આવું કંઈ થવાનું નથી.
AI થી માનવતા પર કયો મોટો ખતરો છે?
CEO સેમ ઓલ્ટમેન જે સુરક્ષાની વાત કરી રહ્યા છે તે કોઈ સામાન્ય વાત નથી. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, "આ દાયકાના અંત સુધીમાં તમામ માણસોના માર્યા જવાના 10% જોખમને સ્વીકારી શકાય નહીં."
તેમણે ઉમેર્યું કે દુનિયા અત્યારે એક નવા યુગમાં પ્રવેશી રહી છે. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે AI નો ઉપયોગ માત્ર માનવતાના ભલા માટે જ થાય. કોઈપણ સંજોગોમાં મનુષ્યોએ પોતાનો કંટ્રોલ AI ના હાથમાં સોંપી દેવાનું જોખમ લેવું જોઈએ નહીં.
વિરોધી કંપની એન્થ્રોપિકનો વિવાદ અને ડર
હાલમાં AI થી માણસોના અસ્તિત્વના ખાતમાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે. આ મુદ્દો ત્યારે વધુ ગરમાયો જ્યારે AI સેક્ટરની જ અન્ય એક કંપની 'એન્થ્રોપિક' ના એક રિસર્ચરે સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરીને રાજીનામું આપી દીધું.આ રિસર્ચરનો આરોપ હતો કે કંપની AI ને લઈને અત્યંત બિનજવાબદાર રીતે કામ કરી રહી છે, જે દાયકાના અંત સુધીમાં માનવજાતને ખતમ કરી શકે છે. આ ઉપરાંત, આ જ કંપનીના એક હાલના કર્મચારીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરીને સ્વીકાર્યું હતું કે આગામી દાયકા સુધીમાં માણસોના વિનાશની આશંકા 10% થી વધુ હોઈ શકે છે. આ જ કારણોસર સેમ ઓલ્ટમેન હવે ઉતાવળ કરવા માંગતા નથી.
જૂનમાં ફાઈલ કરી હતી IPOની એપ્લિકેશન
તમને જણાવી દઈએ કે, OpenAI એ જૂન મહિનામાં જ પોતાના IPO માટે અત્યંત ગોપનીય રીતે એપ્લિકેશન ફાઈલ કરી હતી. જોકે, હવે સ્પષ્ટ થઈ ગયું છે કે કંપની 2026 માં શેરબજારમાં લિસ્ટ નહીં થાય, અને તે ક્યારે લિસ્ટ થશે તેની કોઈ ચોક્કસ તારીખ પણ આપવામાં આવી નથી.
બીજી તરફ, AI સેક્ટરની હરીફ કંપની એન્થ્રોપિક પણ પોતાના IPO ની તૈયારી કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, આ IPO આ વર્ષે આવેલા SpaceX ના રેકોર્ડ 86 અબજ ડોલરના IPO કરતા પણ ઘણો મોટો હોઈ શકે છે.