બ્રિક્સ મહિલા વ્યાપાર ગઠબંધનના ‘વુમન-લેડ ડેવલપમેન્ટ સમિટ'માં બોલતા પીયૂષ ગોયલે આ આંકડાઓ રજૂ કર્યા હતા. ચાલુ નાણાકીય વર્ષના શરૂઆતના પાંચ મહિનામાં આપણો વેપાર 15% થી વધુ વધ્યો છે. જોકે, ઓગસ્ટ મહિનાના ફાઇનલ અને સત્તાવાર આંકડા વાણિજ્ય મંત્રાલય દ્વારા 15 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.
India export growth: દુનિયાભરમાં અત્યારે આર્થિક મંદી અને અનિશ્ચિતતાનો માહોલ ચાલી રહ્યો છે. પરંતુ, આવા મુશ્કેલ સમયમાં પણ ભારત માટે એક ખૂબ જ સારા સમાચાર સામે આવ્યા છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, એપ્રિલથી ઓગસ્ટ 2026ના સમયગાળા દરમિયાન ભારતના માલસામાનની નિકાસમાં લગભગ 15%નો જંગી વધારો થયો છે. જ્યારે દુનિયાના ઘણા મોટા બજારોમાં માંગ અને વેપારને લઈને ચિંતાઓ સતાવી રહી છે, ત્યારે ભારતનું એક્સપોર્ટ સેક્ટર મજબૂત પ્રદર્શન કરી રહ્યું છે.
બ્રિક્સ સંમેલનમાં આપી મહત્વની માહિતી
બ્રિક્સ મહિલા વ્યાપાર ગઠબંધનના ‘વુમન-લેડ ડેવલપમેન્ટ સમિટ'માં બોલતા પીયૂષ ગોયલે આ આંકડાઓ રજૂ કર્યા હતા. ચાલુ નાણાકીય વર્ષના શરૂઆતના પાંચ મહિનામાં આપણો વેપાર 15% થી વધુ વધ્યો છે. જોકે, ઓગસ્ટ મહિનાના ફાઇનલ અને સત્તાવાર આંકડા વાણિજ્ય મંત્રાલય દ્વારા 15 સપ્ટેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. આ અગાઉ એપ્રિલથી જુલાઈ દરમિયાનના આંકડા જોઈએ તો, ભારતની નિકાસ 17.04% વધીને 173.78 અબજ ડોલર પર પહોંચી ગઈ હતી. જ્યારે આ જ સમયગાળામાં આયાત 19.27% વધીને 292.38 અબજ ડોલર નોંધાઈ હતી.
મહિલા ઉદ્યોગસાહસિકો અને બ્રિક્સ દેશો પર વિશેષ ભાર
પીયૂષ ગોયલે માત્ર આંકડા જ નથી આપ્યા, પરંતુ ભવિષ્યના વેપાર માટે કેટલાક મહત્વના મુદ્દાઓ પર પણ ભાર મૂક્યો છે:
વેપારની તકો: ભારત અને બ્રિક્સ દેશો વચ્ચે વસ્તુઓ અને સેવાઓના વેપારને વધારવાની ખૂબ જ મોટી સંભાવનાઓ રહેલી છે.
મહિલાઓને પ્રોત્સાહન: તેમણે મહિલાઓના નેતૃત્વવાળા નાના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય માર્કેટ સુધી પહોંચાડવા માટે બ્રિક્સ દેશોને સહયોગ કરવાની અપીલ કરી છે.
સરળ નિયમો: કોઈપણ વેપારીને આંતરરાષ્ટ્રીય બજારમાં ઉતરવા માટે સરળ લોન, નવા ખરીદદારો અને સ્થિર નિયમોની જરૂર હોય છે. આ દિશામાં કામ કરવું જરૂરી છે.
ડિજિટલ પ્લેટફોર્મ: ઈલેક્ટ્રોનિક ટ્રેડ ડોક્યુમેન્ટ, ઈ-ઈનવોઈસ અને ઈ-કસ્ટમ્સ જેવી સુવિધાઓ માટે બ્રિક્સ દેશોએ એક સમાન પ્લેટફોર્મ બનાવવું જોઈએ, જેથી સરહદ પારનો વેપાર એકદમ સરળ બની શકે.
સર્વિસ સેક્ટરમાં રહેલી છે અધધ કમાણીની તક
વાણિજ્ય મંત્રીએ સર્વિસ સેક્ટરની વાત કરતા કહ્યું કે, વૈશ્વિક સર્વિસ વેપાર લગભગ 10 લાખ કરોડ ડોલરનો છે. આની સરખામણીમાં બ્રિક્સ દેશોની ભાગીદારી હજુ પણ ઘણી ઓછી છે. આથી, ડિજિટલ ઈકોનોમી અને મહિલા ઉદ્યોગ સાહસિકો માટે આ સેક્ટરમાં આગળ વધવાની અને મોટી કમાણી કરવાની અઢળક તકો રહેલી છે. અંતમાં કહીએ તો, વૈશ્વિક પડકારો વચ્ચે પણ ભારતનું અર્થતંત્ર અને વેપાર નીતિઓ સાચી દિશામાં મજબૂત ગતિએ આગળ વધી રહ્યા છે.