ટાટા ગ્રુપમાં મોટો વિવાદ: નોએલ ટાટાએ એન ચંદ્રશેખરનની ચેરમેન પદે પુનઃનિમણૂકને 'ગેરકાયદેસર' ગણાવી, જાણો શું છે સમગ્ર મામલો? | Moneycontrol Gujarati
Get App

ટાટા ગ્રુપમાં મોટો વિવાદ: નોએલ ટાટાએ એન ચંદ્રશેખરનની ચેરમેન પદે પુનઃનિમણૂકને 'ગેરકાયદેસર' ગણાવી, જાણો શું છે સમગ્ર મામલો?

ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ એન ચંદ્રશેખરનને ટાટા સન્સના ચેરમેન પદે મળેલા 5 વર્ષના એક્સટેન્શનને 'ગેરકાયદેસર' ગણાવ્યું છે. જાણો ટાટા ગ્રુપના આ મોટા વિવાદની સંપૂર્ણ વિગતો.

અપડેટેડ 06:00:32 PM Sep 17, 2026 પર
Story continues below Advertisement
કંપનીના નિયમ મુજબ, જો કોઈ વ્યક્તિને ડિરેક્ટર પદ પરથી હટાવી દેવામાં આવે, તો તે ચેરમેન પદે રહી શકે નહીં.

દેશના સૌથી પ્રતિષ્ઠિત અને મોટા બિઝનેસ ગ્રુપ Tata Groupની ટોચની લીડરશીપમાં હાલમાં મોટો ખળભળાટ મચી ગયો છે. ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ ટાટા સન્સના ચેરમેન પદે એન ચંદ્રશેખરનની પુનઃનિમણૂકને ગેરકાયદેસર ગણાવીને બોર્ડના નિર્ણય સામે ખુલ્લેઆમ સવાલો ઊભા કર્યા છે. આ વિવાદની સીધી અસર ટાટા ગ્રુપના ભવિષ્યના નેતૃત્વ પર પડી શકે છે.

17 સપ્ટેમ્બરની બોર્ડ મીટિંગમાં શું થયું હતું?

ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની 'ટાટા સન્સ' ની બોર્ડ મીટિંગ ગત 17 સપ્ટેમ્બરના રોજ યોજાઈ હતી. આ બેઠકમાં એન ચંદ્રશેખરનને એક્સટેન્શન આપવાનો પ્રસ્તાવ રજૂ થયો હતો. પ્રસ્તાવ મુજબ, 20 ફેબ્રુઆરી, 2027 ના રોજ તેમનો વર્તમાન કાર્યકાળ પૂરો થયા પછી વધુ 5 વર્ષ માટે તેમને ચેરમેન પદે જાળવી રાખવાના હતા. આ બેઠકમાં 4-1 ના વોટિંગથી આ પ્રસ્તાવ પસાર થઈ ગયો હતો. જોકે, ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ આ પ્રસ્તાવની વિરુદ્ધમાં મત આપ્યો હતો. છતાં ચંદ્રશેખરનને એક્સટેન્શન મળતા ટાટા ગ્રુપના શેરોમાં તેજી જોવા મળી હતી.

નોએલ ટાટાએ નિર્ણયને કેમ ગણાવ્યો ગેરકાયદેસર?

મનીકંટ્રોલને આપેલા એક સંક્ષિપ્ત ઈન્ટરવ્યુમાં નોએલ ટાટાએ પોતાની નારાજગી વ્યક્ત કરતા સ્પષ્ટ કર્યું હતું કે, "મેં ચંદ્રાની પુનઃનિમણૂકના પ્રસ્તાવ વિરુદ્ધ મત આપ્યો હતો. કાનૂની સલાહના આધારે મારા વીટોને ખોટી રીતે ફગાવી દેવામાં આવ્યો છે. આ નિર્ણય ગેરકાયદેસર છે અને મેં આ અંગે મારો સત્તાવાર વિરોધ નોંધાવ્યો છે."


શું છે વિવાદનું મૂળ કારણ?

આ આખા પેચવાળા મામલાનું મૂળ ટાટા સન્સના 'આર્ટિકલ્સ ઓફ એસોસિએશન' નો એક નિયમ છે. આ આર્ટિકલ મુજબ, ટાટા ટ્રસ્ટ્સ દ્વારા ટાટા સન્સના બોર્ડમાં નિયુક્ત કરાયેલા અડધાથી વધુ ડિરેક્ટર્સની મંજૂરી હોય તો જ કોઈ નિર્ણય અમલમાં મૂકી શકાય. હાલમાં ટાટા સન્સના બોર્ડમાં એન ચંદ્રશેખરન, નોએલ ટાટા, વેણુ શ્રીનિવાસન, સૌરભ અગ્રવાલ, હરીશ મનવાની અને અનિતા એમ જ્યોર્જ સામેલ છે.

અગાઉ શરૂ થઈ ગઈ હતી ઉત્તરાધિકારીની શોધ

નોંધનીય છે કે, 12 ઓગસ્ટના રોજ ચંદ્રશેખરને પોતે ત્રીજી વખત ચેરમેન ન બનવાની વાત કરી હતી. ત્યારે ટાટાના બે મુખ્ય ટ્રસ્ટોમાંથી એક સર દોરાબજી ટાટા ટ્રસ્ટએ તેમના નિર્ણયનો સ્વીકાર કર્યો હતો અને નવા ચેરમેનની શોધ માટે એક કમિટી બનાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી હતી.

આગામી AGM માં આવી શકે છે મોટો વળાંક

આ મામલા સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે નોએલ ટાટાના નેતૃત્વમાં ટાટા ટ્રસ્ટ્સ આગામી એન્યુઅલ જનરલ મીટિંગમાં એન ચંદ્રશેખરનને ટાટા સન્સમાંથી બહાર કરવાનો મોટો પ્રયાસ કરી શકે છે. કંપનીના નિયમ મુજબ, જો કોઈ વ્યક્તિને ડિરેક્ટર પદ પરથી હટાવી દેવામાં આવે, તો તે ચેરમેન પદે રહી શકે નહીં.

હવે સૌની નજર 31 ડિસેમ્બર સુધીમાં યોજાનારી AGM પર છે. સર રતન ટાટા ટ્રસ્ટના પ્રશ્નો ઉકેલાયા બાદ આ બેઠક યોજાશે. આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે રોટેશનના આધારે ચંદ્રશેખરને ડિરેક્ટર પદેથી નિવૃત્ત થવાનું છે, અને તેમની પુનઃનિમણૂક માટે શેરધારકોની મંજૂરી લેવી અનિવાર્ય છે.

આ પણ વાંચો-Tata Sons: એન. ચંદ્રશેખરન આગામી 5 વર્ષ સુધી ચેરમેન રહેશે, બોર્ડે પુનઃનિયુક્તિને મંજૂરી આપી

MoneyControl News

MoneyControl News

First Published: Sep 17, 2026 6:00 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.