તમારું સપનાનું ઘર બનાવવું થશે મોંઘું! મોરબી સિરામિક ઉદ્યોગે ટાઈલ્સના ભાવમાં કર્યો 12%નો તોતિંગ વધારો | Moneycontrol Gujarati
Get App

તમારું સપનાનું ઘર બનાવવું થશે મોંઘું! મોરબી સિરામિક ઉદ્યોગે ટાઈલ્સના ભાવમાં કર્યો 12%નો તોતિંગ વધારો

Morbi ceramic industry: મોરબી સિરામિક ઉદ્યોગે ગેસ અને વીજળી મોંઘી થતાં ટાઈલ્સના ભાવમાં 12% નો તોતિંગ વધારો કર્યો છે. ટાઈલ્સ મોંઘી થતા હવે નવું ઘર બનાવવાનો ખર્ચ સીધો વધશે. જાણો નવા ભાવ વિશે સંપૂર્ણ માહિતી.

અપડેટેડ 11:26:10 AM Oct 02, 2026 પર
Story continues below Advertisement
ઉત્પાદન ખર્ચ સતત વધવાને કારણે ઉદ્યોગકારોએ ટાઈલ્સના ભાવમાં એકઝાટકે 12 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

Morbi ceramic industry: જો તમે નવું ઘર બનાવવાનું કે જૂના ઘરને રિનોવેટ કરવાનું વિચારી રહ્યા છો, તો તમારે તમારા બજેટમાં થોડો વધારો કરવો પડી શકે છે. મોરબીના પ્રખ્યાત સિરામિક ઉદ્યોગે ટાઈલ્સના ભાવમાં મોટો વધારો ઝીંકી દીધો છે. ઉત્પાદન ખર્ચ સતત વધવાને કારણે ઉદ્યોગકારોએ ટાઈલ્સના ભાવમાં એકઝાટકે 12 ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

કઈ ટાઈલ્સ કેટલી મોંઘી થઈ?

મોરબીના સિરામિક એકમોએ લીધેલા નિર્ણય મુજબ ટાઈલ્સના નવા ભાવ નીચે મુજબ રહેશે:

વિટ્રીફાઈડ ટાઈલ્સ: પ્રતિ સ્ક્વેર ફૂટ 3.50 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો છે.

વોલ ટાઈલ્સ: દિવાલમાં લાગતી વોલ ટાઈલ્સના ભાવમાં પ્રતિ બોક્સ 20 રૂપિયાનો વધારો કરાયો છે.


ફ્લોર ટાઈલ્સ: જોકે, સામાન્ય રીતે જમીન પર લાગતી ફ્લોર ટાઈલ્સના ભાવ વધારવા અંગે હજુ કોઈ અંતિમ નિર્ણય લેવાયો નથી.

ભાવ વધારા પાછળનું સાચું કારણ શું છે?

ટાઈલ્સ મોંઘી થવા પાછળનું મુખ્ય કારણ ઉત્પાદન ખર્ચમાં થયેલો અધધ વધારો છે. ગેસ, કોલસો અને વીજળીના ભાવમાં સતત થઈ રહેલા વધારાએ મોરબીના સિરામિક ઉદ્યોગનું આર્થિક ગણિત ખોરવી નાખ્યું છે.

આંતરરાષ્ટ્રીય અસરો: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તણાવને કારણે આંતરરાષ્ટ્રીય ઉર્જા બજાર અસ્થિર બન્યું છે. જેની સીધી અસર સ્થાનિક ઈંધણના ભાવો પર પડી રહી છે. ટાઈલ્સ બનાવવા માટે સૌથી વધુ ખર્ચ ઉર્જા પાછળ થાય છે.

ગેસ અને વીજળીના ભાવમાં ઉછાળો: તાજેતરમાં મોરબીમાં ઔદ્યોગિક વપરાશ માટેના નેચરલ ગેસના ભાવ વધ્યા હતા. આ ઉપરાંત પ્રોપેન ગેસમાં પણ 1.35 રૂપિયાનો વધારો નોંધાયો છે. ગેસ આધારિત યુનિટો પર ખર્ચનું દબાણ વધ્યું છે. સાથે જ વીજળી મોંઘી થવાથી ભઠ્ઠી અને અન્ય ઉત્પાદન પ્રક્રિયાનો ખર્ચ પણ આસમાને પહોંચ્યો છે.

250 યુનિટોનો સર્વાનુમતે નિર્ણય

મોરબીમાં હાલમાં 250 જેટલા વિટ્રીફાઈડ ટાઈલ્સના યુનિટો ધમધમે છે. આ તમામ એકમોના સંચાલકોએ ભેગા મળીને સર્વાનુમતે આ 12 ટકા જેટલો ભાવ વધારો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ઈન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર, લાંબા સમયથી કંપનીઓ પોતાનો નફો ઘટાડીને કામ કરતી હતી, પરંતુ હવે ખર્ચ સરભર કરવા માટે આ બોજ ગ્રાહકો પર નાખવો અનિવાર્ય બની ગયો હતો.

ટાઈલ્સના ભાવમાં 12 ટકા જેટલો મોટો ઉછાળો આવવાથી રિયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્રે ખર્ચમાં વધારો થશે. જે ગ્રાહકો નવું મકાન બનાવી રહ્યા છે, તેમના બજેટ પર આ ભાવ વધારાની સીધી અસર જોવા મળશે. ઈંધણના ભાવ જ્યાં સુધી સ્થિર નહીં થાય ત્યાં સુધી સિરામિક ઉદ્યોગ માટે રાહત મળવી મુશ્કેલ જણાઈ રહી છે.

આ પણ વાંચો- UPI યુઝર્સ માટે મોટા સમાચાર: MDR લાગુ થાય તે પહેલાં જ વ્યવહારોમાં 1.8%નો મોટો ઘટાડો, જાણો RBIનો લેટેસ્ટ રિપોર્ટ

MoneyControl News

MoneyControl News

First Published: Oct 02, 2026 11:26 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.