ખાંડનો સ્ટોક 10 વર્ષના તળિયે: ઉત્પાદન ઘટતા નિકાસ પરનો પ્રતિબંધ યથાવત રહેવાની પૂરી શક્યતા | Moneycontrol Gujarati
Get App

ખાંડનો સ્ટોક 10 વર્ષના તળિયે: ઉત્પાદન ઘટતા નિકાસ પરનો પ્રતિબંધ યથાવત રહેવાની પૂરી શક્યતા

Sugar stock India: ભારતમાં ખાંડનો સ્ટોક છેલ્લા 10 વર્ષના સૌથી નીચલા સ્તરે 3.75 મિલિયન ટન પહોંચ્યો છે. તહેવારોમાં ભાવ કાબૂમાં લેવા સરકારે 1 મિલિયન ટન આયાત મંજૂર કરી છે. જાણો શું નિકાસ પ્રતિબંધ ચાલુ રહેશે?

અપડેટેડ 12:11:24 PM Oct 02, 2026 પર
Story continues below Advertisement
ખાંડનું ઉત્પાદન 2025-26ની સીઝનમાં 27% જેટલું ઘટીને આશરે 28.1 મિલિયન ટન થયું છે. અગાઉના વર્ષોમાં આ ઉત્પાદન 35.8 મિલિયન ટન જેટલું ઊંચું રહેતું હતું. બીજી તરફ, ખાંડનો વપરાશ સતત વધી રહ્યો છે.

Sugar stock India: ભારતમાં હાલ ખાંડના ઉત્પાદન અને સપ્લાયને લઈને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. દેશમાં નવી સીઝનની શરૂઆતમાં સુગર મિલો પાસે ખાંડનો ઓપનિંગ સ્ટોક ઘટીને માત્ર 3.75 મિલિયન ટન રહી ગયો છે. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ આંકડો છેલ્લા એક દાયકામાં સૌથી ઓછો છે. ઉત્પાદનમાં થયેલા આ મોટા ઘટાડાને કારણે ખાંડની નિકાસ પર ફરી એકવાર પ્રતિબંધ લાગવાની પૂરી શક્યતા ઊભી થઈ છે.

કેમ ઘટી રહ્યો છે ખાંડનો સ્ટોક?

નવી સીઝન ઓક્ટોબર-સપ્ટેમ્બર, 2026-27 માટે સ્ટોક ખૂબ જ સીમિત છે. 1 ઓક્ટોબર, 2025ના રોજ ખાંડનો ‘કેરી-ફોરવર્ડ' સ્ટોક 5 મિલિયન ટન નોંધાયો હતો. સામાન્ય રીતે ઓક્ટોબર મહિનાના અંતમાં શેરડીનું પિલાણ શરૂ થતું હોય છે, તેથી ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં દેશમાં ખાંડનો સપ્લાય અટક્યા વગર જળવાઈ રહે તે માટે આ ઓપનિંગ સ્ટોક ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે.

ઉત્પાદન ઘટ્યું અને વપરાશ વધ્યો

ખાંડનું ઉત્પાદન 2025-26ની સીઝનમાં 27% જેટલું ઘટીને આશરે 28.1 મિલિયન ટન થયું છે. અગાઉના વર્ષોમાં આ ઉત્પાદન 35.8 મિલિયન ટન જેટલું ઊંચું રહેતું હતું. બીજી તરફ, ખાંડનો વપરાશ સતત વધી રહ્યો છે. છેલ્લા પાંચ સીઝનમાં ખાંડનો વપરાશ 27.3 મિલિયન ટનથી વધીને 28.7 મિલિયન ટન થઈ ગયો છે. ઇન્ડિયન સુગર એન્ડ બાયો-એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશનના જણાવ્યા મુજબ, કુલ ખાંડના ઉત્પાદનનો શરૂઆતનો અંદાજ 34.5 મિલિયન ટન હતો, જેને સુધારીને હવે 30.9 મિલિયન ટન કરવામાં આવ્યો છે, આમાં ઇથેનોલ માટે ડાયવર્ટ કરાયેલી ખાંડનો સમાવેશ થતો નથી.


ભાવ કાબૂમાં લેવા સરકારના મોટા પગલાં

ખાંડના ભાવમાં ભડકો ન થાય અને સામાન્ય જનતાને તકલીફ ન પડે તે માટે સરકારે ગયા મહિને છેલ્લા 10 વર્ષમાં પહેલીવાર 1 મિલિયન ટન કાચી ખાંડની ‘ડ્યૂટી-ફ્રી’ આયાત કરવાની મંજૂરી આપી છે. આ ઉપરાંત, બજારમાં સંગ્રહખોરી અટકાવવા માટે મોટા ઉદ્યોગો પાસે રહેલા ખાંડના સ્ટોક પર લિમિટ પણ લગાવી દેવામાં આવી છે અને કડક કાર્યવાહી શરૂ કરાઈ છે.

ભાવ કેમ વધ્યા અને નિકાસનું શું થશે?

સરકારે સ્પષ્ટ કર્યું છે કે ખાંડના ભાવમાં આવેલા અચાનક ઉછાળા પાછળ કેટલાક મુખ્ય કારણો જવાબદાર છે. જેમાં ખરાબ હવામાનના કારણે સ્થાનિક ઉત્પાદનમાં થયેલું નુકસાન, તહેવારોની સિઝનમાં વધેલી માંગ, આંતરરાષ્ટ્રીય બજારમાં ઊંચા ભાવ અને અમુક વેપારીઓ દ્વારા કરવામાં આવતી સંગ્રહખોરી સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે લગભગ 1 મિલિયન ટન ખાંડની નિકાસની મંજૂરી આપ્યા બાદ, સરકારે મે 2026માં ખાંડના શિપમેન્ટ પર 30 સપ્ટેમ્બર, 2026 સુધી પ્રતિબંધ મૂક્યો હતો. ખાંડના વિદેશી શિપમેન્ટ પર મે મહિનામાં લગાવેલો આ પ્રતિબંધ બુધવારે પૂરો થયો છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિ અને ઘટતા સ્ટોકને ધ્યાનમાં રાખીને, સરકાર સ્થાનિક બજારને સુરક્ષિત રાખવા નિકાસ પરનો આ પ્રતિબંધ લંબાવે તેવી પ્રબળ સંભાવના છે.

આ પણ વાંચો - ‘અંગત મિત્ર હોવા છતાં PM મોદી યુદ્ધ રોકવાની વાત કરે છે', પુતિને કર્યા ભારતના વલણના ખુલ્લા દિલે વખાણ

MoneyControl News

MoneyControl News

First Published: Oct 02, 2026 12:00 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.