કેન્દ્ર સરકાર માટે એક સારા સમાચાર આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષ 2024-25માં 10 ઓક્ટોબર સુધી નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 18.3 ટકાનો મજબૂત વધારો નોંધવામાં આવ્યો છે, ત્યારબાદ તે 11.25 લાખ કરોડ રૂપિયા થઈ ગયો છે. જાહેર કરાયેલા સરકારી ડેટા અનુસાર, 1 એપ્રિલ, 2024 થી 10 ઓક્ટોબર, 2024 સુધીમાં, સરકારે 11.25 લાખ કરોડ રૂપિયાનું નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન કર્યું છે.
5.98 લાખ કરોડનો પર્સનલ ઇન્કમટેક્સ સામેલ
ગત વર્ષે ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રુપિયા 9.51 લાખ કરોડ હતું
કેન્દ્ર સરકારના ઇન્કમટેક્ષ વિભાગે એક વર્ષ અગાઉના સમાન સમયગાળામાં એટલે કે 1 એપ્રિલ, 2023થી 10 ઓક્ટોબર, 2023 દરમિયાન કુલ રુપિયા 9.51 લાખ કરોડનો પ્રત્યક્ષ કર એકત્રિત કર્યો હતો. ડેટા દર્શાવે છે કે 1 એપ્રિલથી 10 ઓક્ટોબર વચ્ચે 2.31 લાખ કરોડ રૂપિયાના રિફંડ પણ જાહેર કરવામાં આવ્યા છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 46 ટકા વધુ છે.
કુલ ધોરણે પ્રત્યક્ષ ટેક્સ કલેક્શનમાં 22.3 ટકાનો વધારો
આ સમયગાળા દરમિયાન સરકારનું ગ્રોસ આધાર પર ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 22.3 ટકા વધીને 13.57 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. આ કલેક્શનમાં રુપિયા 7.13 લાખ કરોડનો PIT (પર્સનલ આવકવેરો) અને રુપિયા 6.11 લાખ કરોડનો કોર્પોરેટ ટેક્સનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સમાંથી 22.07 લાખ કરોડ રૂપિયા એકત્ર કરવાનો ટાર્ગેટ રાખ્યો છે.