Coconut farming in Gujarat: સૌરાષ્ટ્રમાંથી દર વર્ષે 17 કરોડ લીલા નાળિયેરનું દેશભરમાં વેચાણ, ઉત્પાદનમાં ગીર સોમનાથ નંબર-1
Coconut farming in Gujarat: ગુજરાતમાં નાળિયેરીની ખેતીમાં સૌરાષ્ટ્ર મોખરે છે. દર વર્ષે દેશભરમાં 17 કરોડ લીલા નાળિયેર વેચાય છે, જેમાં ગીર સોમનાથ નંબર 1 છે. જાણો ખેડૂતોની કમાણી, વેપાર અને સરકારી સબસિડી વિશેની લેટેસ્ટ માહિતી.
નાળિયેરીના વાવેતરમાં ગીર સોમનાથ જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતના કુલ વાવેતરમાંથી એકલા ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાનો હિસ્સો 17500 હેક્ટર જેટલો છે.
Coconut farming in Gujarat: ગુજરાતને 1600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો મળ્યો છે, જે ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે. હાલના લેટેસ્ટ આંકડા મુજબ, રાજ્યમાં કુલ 45.61 લાખ હેક્ટર જમીનમાં ખેતી થાય છે, જેમાંથી 28000 હેક્ટર જમીન પર માત્ર નાળિયેરીનું વાવેતર જોવા મળે છે. ખાસ વાત એ છે કે આખા ગુજરાતમાં સૌરાષ્ટ્ર વિસ્તાર નાળિયેરના ઉત્પાદન અને વેચાણમાં મોખરે છે. દર વર્ષે સૌરાષ્ટ્રમાંથી 17 કરોડ લીલા નાળિયેર દેશના વિવિધ રાજ્યોમાં સપ્લાય કરવામાં આવે છે.
ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાનો દબદબો
નાળિયેરીના વાવેતરમાં ગીર સોમનાથ જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે છે. ગુજરાતના કુલ વાવેતરમાંથી એકલા ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાનો હિસ્સો 17500 હેક્ટર જેટલો છે.
ગીર સોમનાથ: અહીં 11000 હેક્ટર જમીનમાં નાળિયેરી વાવવામાં આવી છે, જેમાં માત્ર વેરાવળ પંથકમાં જ 6500 હેક્ટર વાવેતર છે. અહીંનો બાગાયત વિભાગ દર વર્ષે નવું 1000 હેક્ટર વાવેતર વધારવા માટે સક્રિય છે.
જૂનાગઢ: આ જિલ્લામાં 6770 હેક્ટરથી વધુ જમીનમાં વાવેતર છે. દર વર્ષે અહીં 130 થી 200 હેક્ટરનો વધારો નોંધાઈ રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાંથી દર વર્ષે 7 કરોડ નાળિયેર વેચાય છે.
આ ઉપરાંત ભાવનગર (મહુવા), વલસાડ, કચ્છ અને દેવભૂમિ દ્વારકા જેવા દરિયાઈ વિસ્તારોમાં પણ નાળિયેરીની ખેતી મોટા પાયે થાય છે.
ઉત્પાદન અને કમાણીના આંકડા
ગુજરાતમાં વાર્ષિક અંદાજે 26 કરોડ નાળિયેરનું ઉત્પાદન થાય છે. ગણતરી મુજબ, એક હેક્ટર જમીનમાં 177 નાળિયેરીના રોપા વાવી શકાય છે, જેમાંથી સરેરાશ 13000 નાળિયેરનું ઉત્પાદન મળે છે. આર્થિક રીતે જોઈએ તો, સોરઠ અને ગીર સોમનાથ પંથકમાંથી 17.42 કરોડ રૂપિયાના નાળિયેર રાજ્ય અને અન્ય રાજ્યોમાં એક્સપોર્ટ થાય છે, જ્યારે જૂનાગઢ જિલ્લામાં 6.97 કરોડ રૂપિયાનું ઉત્પાદન થાય છે.
ખેતીવાડી અધિકારી વિશાલ હદવાણીના જણાવ્યા અનુસાર, ખેડૂતો અત્યારે લોટણ, દેશી, ટીડી, હાઈબ્રિડ ડીટી, ફોસનોબા અને બોના જેવી વિવિધ જાતોનું વાવેતર કરી રહ્યા છે.
સરકાર અને બોર્ડ દ્વારા અપાતી લાખોની સબસિડી
રોકડિયા પાક ગણાતી નાળિયેરી, ખાસ કરીને B.T. નાળિયેરીના વાવેતરને વેગ આપવા માટે સરકાર અને 'કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ' દ્વારા ખેડૂતોને આકર્ષક પ્રોત્સાહન (ઈન્સેન્ટિવ) આપવામાં આવે છે:
રાજ્ય સરકારની યોજના: અગાઉ પ્રતિ હેક્ટર માત્ર 11700 રૂપિયાની સહાય મળતી હતી. પરંતુ હવે નવી જોગવાઈ મુજબ, ખેડૂતને પ્રતિ હેક્ટર 37500 રૂપિયાની સહાય મળે છે. આ યોજનાનો લાભ વધુમાં વધુ 4 હેક્ટર સુધી લઈ શકાય છે, એટલે કે ખેડૂત કુલ 1.50 લાખ રૂપિયા સુધીની સહાય મેળવી શકે છે.
કોકોનટ ડેવલપમેન્ટ બોર્ડ: આ બોર્ડ દ્વારા 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર 16000 રૂપિયા લેખે કુલ 32000 રૂપિયાની સહાય અપાય છે.
સૌરાષ્ટ્રના ખેડૂતોએ માર્કેટ યાર્ડ પર નિર્ભર રહેવાને બદલે પોતાની સ્વતંત્ર વેચાણ વ્યવસ્થા ઊભી કરી છે. માંગરોળ, ચોરવાડ, કુકસવાડા અને ગડુ જેવા વિસ્તારોમાંથી ખેડૂતો સીધા વાડીએથી જ નાળિયેર ભરીને ટ્રકો મારફતે મુંબઈ સુધી પહોંચાડે છે.
અન્ય રાજ્યોના વેપારીઓને દક્ષિણ ભારતથી નાળિયેર મંગાવવામાં ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ઘણો મોંઘો પડે છે, જેના કારણે સૌરાષ્ટ્રના નાળિયેરની માંગ ખૂબ વધી ગઈ છે. આજ કારણ છે કે વાર્ષિક વેચાણનો આંકડો કરોડોને પાર કરી ગયો છે.
ગડુથી ચોરવાડ, માંગરોળ, કેશોદ અને માધવપુરથી પોરબંદર સુધીના પટ્ટામાં લહેરાતી નાળિયેરીઓ જોઇને કોઈપણ વ્યક્તિને એવું જ લાગે કે તે દક્ષિણ ભારતમાં આવી ગયા છે. આધુનિક ખેતી, સરકારનો સાથ અને ખેડૂતોની મહેનતને કારણે વર્ષ 2025 અને આવનારા સમયમાં ગુજરાતનો નાળિયેર ઉદ્યોગ નવી ઊંચાઈઓ સર કરશે તેમાં કોઈ શંકા નથી.