એલોન મસ્કને રાતોરાત મોટો ઝટકો! એક જ દિવસમાં 7.54 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા, જાણો કેમ તૂટી સંપત્તિ
દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્કની સંપત્તિમાં એક જ દિવસમાં 7.54 લાખ કરોડ રૂપિયાનો જંગી ઘટાડો થયો છે. ટેસ્લા અને સ્પેસએક્સના શેર તૂટતા આ મોટો ઝટકો લાગ્યો છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સના આંકડા મુજબ, ગુરુવારે એલોન મસ્કની નેટવર્થમાં 79.4 અબજ ડોલર એટલે કે ભારતીય ચલણ મુજબ અંદાજે 7.54 લાખ કરોડ રૂપિયાનો ધરખમ ઘટાડો નોંધાયો છે.
દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ક માટે ગુરુવારનો દિવસ અત્યંત ખરાબ સાબિત થયો. શેરબજારમાં આવેલા કડાકાને કારણે તેમની સંપત્તિમાં એક જ દિવસમાં એટલો મોટો ઘટાડો થયો કે આખી દુનિયા ચોંકી ગઈ છે. ટેસ્લા અને સ્પેસએક્સ કંપનીના શેરમાં આવેલા ભારે ઘટાડાએ મસ્કની નેટવર્થ પર સીધી અસર કરી છે.
એક જ દિવસમાં 7.54 લાખ કરોડનો ધૂમાડો
બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સના આંકડા મુજબ, ગુરુવારે એલોન મસ્કની નેટવર્થમાં 79.4 અબજ ડોલર એટલે કે ભારતીય ચલણ મુજબ અંદાજે 7.54 લાખ કરોડ રૂપિયાનો ધરખમ ઘટાડો નોંધાયો છે. આ મોટા નુકસાન સાથે તેમની કુલ સંપત્તિ 8.1 ટકા ઘટીને 906 અબજ ડોલર પર આવી ગઈ છે. રિપોર્ટ્સ મુજબ, 5 ઓગસ્ટ પછી એક જ દિવસમાં તેમની સંપત્તિમાં થયેલો આ સૌથી મોટો ઘટાડો છે.
ટેસ્લા અને સ્પેસએક્સના શેર કેમ તૂટ્યા?
મસ્કની સંપત્તિમાં ગાબડું પડવાનું મુખ્ય કારણ તેમની પોતાની કંપનીઓના શેરમાં આવેલી નબળાઈ છે. તાજેતરમાં શેરબજારમાં લિસ્ટેડ થયેલી તેમની કંપની સ્પેસએક્સના શેર ગુરુવારે 9.14 ટકા તૂટીને બંધ થયા હતા. જ્યારે તેમની ઇલેક્ટ્રિક કાર બનાવતી ફેમસ કંપની ટેસ્લાના શેરમાં પણ 3.08 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
ગઈકાલે જ કમાયા હતા અબજો ડોલર
આ ઘટનામાં રસપ્રદ વાત એ છે કે, આ જંગી નુકસાનના બરાબર એક દિવસ પહેલાં જ મસ્કની સંપત્તિમાં 64 અબજ ડોલરનો મોટો ઉછાળો આવ્યો હતો. જોકે, આજના આ કડાકા છતાં વર્ષ 2026 માં મસ્કની કમાણી શાનદાર રહી છે. આંકડાઓ પર નજર કરીએ તો, 2026 ના વર્ષમાં અત્યાર સુધીમાં તેમની નેટવર્થ 451 અબજ ડોલર વધી છે, જે લગભગ 99.1 ટકાનો જંગી ગ્રોથ દર્શાવે છે.
માર્ક ઝુકરબર્ગને પણ લાગ્યો મોટો ફટકો
અમેરિકન શેરબજારમાં આવેલા આ કડાકાની અસર માત્ર એલોન મસ્ક પર જ નહીં, પણ દુનિયાના અન્ય અબજોપતિઓ પર પણ પડી છે. ફેસબુકની પેરન્ટ કંપની મેટાના માલિક માર્ક ઝુકરબર્ગની નેટવર્થમાં પણ 16.6 અબજ ડોલરનો ઘટાડો નોંધાયો છે. જોકે, 230 અબજ ડોલરની કુલ સંપત્તિ સાથે તેઓ હજુ પણ અમીરોની યાદીમાં પાંચમા નંબરે અકબંધ છે.