ઇન્ડિયન બેંકે પોતાની ખાસ એફડી સ્કીમ 'Ind Grow' ના વ્યાજ દરમાં 15 બેસિસ પોઈન્ટ (0.15 ટકા) નો વધારો કર્યો છે.
FD Calculator: જો તમે બેંકમાં ફિક્સ ડિપોઝિટ કરીને સુરક્ષિત વળતર મેળવવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે એક ખૂબ જ સારા સમાચાર છે. સરકારી બેંક ગણાતી 'ઇન્ડિયન બેંક'દ્વારા એફડીના વ્યાજ દરોમાં વધારો કરવામાં આવ્યો છે. બેંકના આ નવા વ્યાજ દર 23 ઓક્ટોબરથી લાગુ પણ થઈ ગયા છે. વ્યાજદરમાં થયેલા આ વધારાથી ગ્રાહકોને હવે પહેલા કરતા વધુ કમાણી થશે.
સ્કીમનો વ્યાજ દર 6.80 ટકા પર પહોંચ્યો
ઇન્ડિયન બેંકે પોતાની ખાસ એફડી સ્કીમ 'Ind Grow' ના વ્યાજ દરમાં 15 બેસિસ પોઈન્ટ (0.15 ટકા) નો વધારો કર્યો છે. આ સ્કીમ 555 દિવસની મુદતવાળી છે. અગાઉ આ સ્કીમ પર 6.65 ટકા વ્યાજ મળતું હતું, જે હવે વધારીને વાર્ષિક 6.80 ટકા કરી દેવામાં આવ્યું છે.
બેંકે વ્યાજ દર કેમ વધાર્યા?
આ મહિનાની શરૂઆતમાં જ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવ્યો હતો. 7 ઓક્ટોબરના રોજ RBIએ રેપો રેટ 5.25 ટકાથી વધારીને 5.50 ટકા કર્યો હતો. સામાન્ય રીતે જ્યારે પણ કેન્દ્રીય બેંક રેપો રેટ વધારે છે, ત્યારે તમામ બેંકો પોતાની ડિપોઝિટ અને લોન બંનેના વ્યાજ દરોમાં વધારો કરે છે.
સામાન્ય નાગરિક: 10 લાખના રોકાણ પર કેટલી કમાણી થશે?
જો કોઈ સામાન્ય નાગરિક ઇન્ડિયન બેંકની આ 555 દિવસવાળી સ્કીમમાં 10 લાખ રૂપિયાનું રોકાણ કરે છે, તો નવા 6.80 ટકાના વ્યાજ દર મુજબ,,
સાદા વ્યાજની ગણતરી પ્રમાણે તમને વ્યાજ તરીકે અંદાજે 1,03,397 રૂપિયા મળશે. મુદત પૂરી થવા પર તમને કુલ 11,03,397 રૂપિયા પરત મળશે. જો વ્યાજની ચૂકવણી દર 3 મહિને થતી હોય, તો તમારું મેચ્યોરિટી અમાઉન્ટ વધીને અંદાજે 11.10 લાખ રૂપિયા થઈ જશે.
સિનિયર સિટીઝન માટે ખાસ ફાયદો
આ સ્કીમમાં વડીલો ને સામાન્ય લોકો કરતા 0.50 ટકા વધારે વ્યાજ આપવામાં આવે છે. એટલે કે તેમને કુલ 7.30 ટકા વ્યાજ મળશે. જો કોઈ સિનિયર સિટીઝન 10 લાખ રૂપિયા જમા કરાવે છે, તો 7.30 ટકાના દરે 555 દિવસ પછી વ્યાજના 1,11,000 રૂપિયા મળશે. મુદત પૂરી થતા તેમને કુલ 11,11,000 રૂપિયા મળશે. જો ત્રિમાસિક વ્યાજની ગણતરી કરીએ, તો આ રકમ વધીને 11.17 લાખ રૂપિયા થઈ જશે.
ટેક્સના નિયમો પણ ધ્યાનમાં રાખો
FD માં રોકાણ કરતા પહેલા એ જાણવું જરૂરી છે કે એફડીમાંથી મળતું વ્યાજ સંપૂર્ણપણે કરમુક્ત નથી હોતું. વ્યાજમાંથી થતી આવકને 'અન્ય સ્ત્રોતોમાંથી થતી આવક'માનવામાં આવે છે. આ કમાણી રોકાણકારની કુલ આવકમાં ઉમેરાય છે અને ત્યારબાદ તે જે ઇન્કમ ટેક્સ સ્લેબમાં આવતા હોય તે મુજબ તેના પર ટેક્સ લાગે છે. ઊંચા ટેક્સ સ્લેબવાળાને વધારે ટેક્સ અને નીચા સ્લેબવાળાને ઓછો ટેક્સ ચૂકવવો પડે છે.