ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોમાં ધરખમ ફેરફાર! હવે ભારતીયો અને વિદેશીઓ માટે હશે અલગ રંગનું DL, જાણો નવા નિયમો
કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાઇસન્સના નિયમોમાં મોટા ફેરફારોની તૈયારી કરી છે. હવે ભારતીયો અને વિદેશીઓ માટે અલગ રંગના DL બનશે. સાથે જ ઓનલાઇન ટેસ્ટ પાસ કરવા 75% માર્ક્સ ફરજિયાત કરાયા છે. જાણો સંપૂર્ણ વિગત.
રસ્તા પર અકસ્માતો ઘટાડવા માટે સરકારે મૂલ્યાંકન પ્રક્રિયા કડક બનાવી છે. હવે ઓનલાઇન 'સેફ-ડ્રાઇવિંગ ટ્યુટોરીયલ એસેસમેન્ટ' પાસ કરવા માટેના માર્ક્સ 60 ટકાથી વધારીને 75 ટકા કરી દેવામાં આવ્યા છે.
Driving License new rules: જો તમે નવું ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા જઈ રહ્યા છો અથવા જૂના લાઇસન્સમાં કોઈ સુધારો કરવા માંગો છો, તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે. દેશમાં માર્ગ સુરક્ષા વધારવા અને લાઇસન્સ કાઢવાની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે કેન્દ્ર સરકાર મોટા ફેરફારો કરવા જઈ રહી છે. માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય દ્વારા તાજેતરમાં એક નવો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં લાઇસન્સના રંગથી લઈને ટેસ્ટ પાસ કરવાના નિયમો સુધીની બાબતો બદલવાનો પ્રસ્તાવ મુકાયો છે.
હવેથી કલર-કોડેડ ડ્રાઇવિંગ લાઇસન્સ અપાશે
નવા નિયમો મુજબ, દેશમાં પહેલીવાર 'કલર-કોડેડ' ડ્રાઇવિંગ લાઇસન્સ સિસ્ટમ લાગુ કરવામાં આવશે. આનો સીધો અર્થ એ છે કે, ભારતીય નાગરિકો અને વિદેશી નાગરિકોને અલગ-અલગ રંગના લાઇસન્સ આપવામાં આવશે. આ ફેરફાર પાછળનો મુખ્ય હેતુ એ છે કે ટ્રાફિક પોલીસ અને સુરક્ષા એજન્સીઓ માત્ર લાઇસન્સનો રંગ જોઈને જ જાણી શકશે કે વાહન ચલાવનાર વ્યક્તિ ભારતીય છે કે વિદેશી.
સોગંદનામાની ઝંઝટ ખતમ
અત્યાર સુધી ઉંમર કે સરનામાના પુરાવા માટે નોટરી કે મેજિસ્ટ્રેટ પાસે જઈને સોગંદનામું કરાવવું પડતું હતું, જેમાં ઘણા ખોટા કામ થતા હોવાનું સામે આવ્યું હતું. હવે સરકારે આ નિયમ રદ કરવાનો નિર્ણય લીધો છે. મંત્રાલયે 12 માન્ય દસ્તાવેજોની યાદી બહાર પાડી છે.
ઉંમર માટે: પાસપોર્ટ, સ્કૂલની માર્કશીટ કે જન્મનો દાખલો માન્ય રહેશે.
ઓળખ માટે: આધાર કાર્ડ, પાન કાર્ડ કે પાસપોર્ટ ચાલશે.
જો કોઈ અરજદાર પાસે આ 12 માંથી એક પણ ડોક્યુમેન્ટ ન હોય, તો જ ખાસ કિસ્સામાં સોગંદનામું સ્વીકારવામાં આવશે.
ડ્રાઇવિંગ ટેસ્ટ વધુ કડક બનશે, 75% માર્ક્સ જરૂરી
રસ્તા પર અકસ્માતો ઘટાડવા માટે સરકારે મૂલ્યાંકન પ્રક્રિયા કડક બનાવી છે. હવે ઓનલાઇન 'સેફ-ડ્રાઇવિંગ ટ્યુટોરીયલ એસેસમેન્ટ' પાસ કરવા માટેના માર્ક્સ 60 ટકાથી વધારીને 75 ટકા કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, લાઇસન્સ કઢાવતી વખતે તમારું બ્લડ ગ્રુપ, મોબાઈલ નંબર અને ઇમરજન્સી કોન્ટેક્ટ નંબર આપવો ફરજિયાત રહેશે, જેથી અકસ્માત સમયે તાત્કાલિક મદદ મળી શકે.
આધાર કાર્ડ હશે તો આ સેવાઓ મળશે બિલકુલ મફત
જો તમે તમારા લાઇસન્સમાં નામ, સરનામું કે મોબાઈલ નંબર બદલવા માંગો છો, તો સરકાર આ માટેની ફી માફ કરવાનો વિચાર કરી રહી છે. પરંતુ શરત એ છે કે, આ સેવા માત્ર 'આધાર-આધારિત ઓનલાઇન પ્રમાણીકરણ' દ્વારા જ મફત મળશે.
RTO માટે પણ નક્કી કરાયા કડક નિયમો
સામાન્ય લોકોને RTO ના ધક્કા ન ખાવા પડે તે માટે સરકારે સિસ્ટમ ફાસ્ટ કરી છે. અધિકારીઓએ લાઇસન્સમાં સુધારાની ઓનલાઇન અરજીનો 15 દિવસમાં જ નિકાલ કરવાનો રહેશે. જો અરજી રિજેક્ટ થાય, તો અધિકારીએ તેનું ચોક્કસ કારણ જણાવવું પડશે. અને જો સરનામું બદલવાની તમારી અરજી 30 દિવસ સુધી RTO માં પેન્ડિંગ રહેશે, તો સિસ્ટમ તેને જાતે જ મંજૂર કરી દેશે.