GSTના નવા નિયમો: 1 નવેમ્બરથી નાના વેપારીઓને મળશે મોટી રાહત, રજિસ્ટ્રેશનથી લઈને રિફંડ સુધી બધું જ થશે સરળ
1 નવેમ્બર 2026 થી GST ના નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે. જેનાથી નાના વેપારીઓ અને ઈ-કોમર્સ વિક્રેતાઓ માટે રજિસ્ટ્રેશન અને રિફંડ પ્રક્રિયા એકદમ સરળ બનશે.
નવા નિયમ મુજબ, હવે વેપારીઓ જે તે રાજ્યમાં ઈ-કોમર્સ કંપનીના વેરહાઉસને જ પોતાનું મુખ્ય વ્યાપારિક સ્થળ બતાવી શકશે.
GST new rules: જો તમે નાના વેપારી છો અથવા એમેઝોન-ફ્લિપકાર્ટ જેવા ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર સામાન વેચો છો, તો તમારા માટે આ ખૂબ જ સારા સમાચાર છે. સરકાર GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ) સાથે જોડાયેલા કામકાજને એકદમ સરળ બનાવવા જઈ રહી છે. આગામી 1 નવેમ્બર 2026 થી GST ના નવા નિયમો તબક્કાવાર રીતે લાગુ થશે. આ ફેરફારોથી વેપારીઓ પર કાગળિયાં અને કાયદાકીય પાલનનો બોજ ઘટી જશે.
ઈ-કોમર્સ વેપારીઓ માટે બીજા રાજ્યમાં રજિસ્ટ્રેશન થયું આસાન
અત્યાર સુધી ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર સામાન વેચતા વેપારીઓ માટે બીજા રાજ્યમાં માલ મોકલવો મુશ્કેલ હતો, કારણ કે ત્યાં રજિસ્ટ્રેશન માટે પોતાનું ઓફિસ હોવું જરૂરી હતું. પણ નવા નિયમ મુજબ, હવે વેપારીઓ જે તે રાજ્યમાં ઈ-કોમર્સ કંપનીના વેરહાઉસને જ પોતાનું મુખ્ય વ્યાપારિક સ્થળ બતાવી શકશે.
આ માટે વેપારીનો ઓછામાં ઓછા એક રાજ્યમાં વાસ્તવિક બિઝનેસ અને આધાર ઓથેન્ટિકેશન હોવું જરૂરી છે.બીજા રાજ્યમાં માત્ર ઈ-કોમર્સ પ્લેટફોર્મની મંજૂરીથી જ રજિસ્ટ્રેશન મળી જશે, કોઈ ટેક્સ અધિકારીની અલગથી તપાસ નહીં થાય. આ ઐતિહાસિક નિર્ણયથી દેશના અંદાજે 9.5 લાખ નાના વિક્રેતાઓને સીધો ફાયદો થશે.
GST રજિસ્ટ્રેશનની ઝંઝટમાંથી મુક્તિ
ઘણીવાર અધૂરા કાગળિયાં કે ભૂલ ભરેલી માહિતીને કારણે GST રજિસ્ટ્રેશન રદ થઈ જતું હોય છે. હવે સરકાર આ પ્રક્રિયા માટે એકદમ સ્પષ્ટ માર્ગદર્શિકા લાવશે. GST REG-01 ફોર્મમાં જ જરૂરી દસ્તાવેજો પસંદ કરવાના ઓપ્શન આપવામાં આવશે. GST પોર્ટલ પર ફોર્મ ભરવાની રીત એટલી સરળ બનાવી દેવામાં આવશે કે વેપારીઓને વારંવાર પૂછપરછનો સામનો નહીં કરવો પડે અને રજિસ્ટ્રેશન ફટાફટ થઈ જશે.
રિફંડના પૈસા બેંક ખાતામાં જલ્દી આવશે
નવા નિયમોમાં રિફંડ પ્રક્રિયાને ઓટોમેટિક કરવામાં આવી છે. તમારા ઇલેક્ટ્રોનિક કેશ લેજરમાં જમા થયેલી વધારાની રકમના રિફંડને સિસ્ટમ જાતે જ મંજૂરી આપી દેશે. આમાં કોઈ ટેક્સ અધિકારીની દખલગીરી નહીં રહે. ઝીરો-રેટેડ સપ્લાય અને ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચરના કિસ્સામાં, સિસ્ટમ જોખમનું મૂલ્યાંકન કરીને જાતે જ 90 ટકા રકમનું કામચલાઉ રિફંડ મંજૂર કરી દેશે. એટલું જ નહીં, રિફંડની અરજી મળ્યાની પહોંચ કે ભૂલ કાઢતો મેમો આપવાની સમયમર્યાદા પણ 15 દિવસથી ઘટાડીને 10 દિવસ કરી દેવામાં આવી છે.
નાની ભૂલો માટે નહીં મળે નોટિસ
નાના વેપારીઓને ખોટી હેરાનગતિ અને કોર્ટ-કચેરીથી બચાવવા માટે સરકારે 10,000 રૂપિયાની ન્યૂનતમ મર્યાદા નક્કી કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. એટલે કે, 10,000 રૂપિયાથી ઓછી રકમના કેસમાં કારણદર્શક નોટિસ નહીં ફટકારવામાં આવે.
ક્યારથી લાગુ થશે આ ફેરફારો?
8 ઓક્ટોબરના રોજ મળેલી 57 મી GST કાઉન્સિલની બેઠકમાં આ તમામ સુધારાઓને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. જે નિયમો વહીવટી પ્રક્રિયાથી બદલી શકાય તેવા છે, તે 1 નવેમ્બર 2026 થી ધીમે-ધીમે લાગુ કરવામાં આવશે. જ્યારે જે ફેરફારો માટે કાયદામાં સુધારો કરવો જરૂરી છે, તે 1 એપ્રિલ 2027 થી લાગુ થવાની પૂરેપૂરી શક્યતા છે.