CNG price hike: દિવાળીના તહેવાર ટાણે અમદાવાદમાં અદાણી ગેસ દ્વારા CNG ના ભાવમાં 4.45 રૂપિયાનો મોટો વધારો ઝીંકાયો છે. સીએનજીનો નવો ભાવ 98.47 રૂપિયા થયો છે, જેનાથી વાહનચાલકો અને રિક્ષાચાલકોનું બજેટ ખોરવાયું છે.
અદાણી ગેસ દ્વારા CNG ના ભાવમાં એકઝાટકે પ્રતિ કિલો 4.45 રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાવવધારા બાદ અમદાવાદમાં અદાણી CNG નો નવો ભાવ 98.47 રૂપિયા પ્રતિ કિલોની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે.
CNG price hike: દિવાળીના પવિત્ર તહેવારોની શરૂઆત થઈ ચૂકી છે. લોકો ઉત્સાહભેર ખરીદી અને પરિવાર સાથે બહાર ફરવાનું આયોજન કરી રહ્યા છે. પરંતુ આ ખુશીના માહોલ વચ્ચે અમદાવાદની સામાન્ય જનતા અને વાહનચાલકો પર મોંઘવારીનો મોટો બોમ્બ ફૂટ્યો છે. અદાણી ગેસ (Adani Gas) દ્વારા કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે સીએનજી ના ભાવમાં રાતોરાત મોટો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
CNG નો નવો ભાવ 98.47 રૂપિયા પર પહોંચ્યો
અદાણી ગેસ દ્વારા CNG ના ભાવમાં એકઝાટકે પ્રતિ કિલો 4.45 રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. આ નવા ભાવવધારા બાદ અમદાવાદમાં અદાણી CNG નો નવો ભાવ 98.47 રૂપિયા પ્રતિ કિલોની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે.
તમને જણાવી દઈએ કે, આ પહેલા ઓગસ્ટ 2026 માં પણ અદાણી ગેસ દ્વારા પ્રતિ કિલો 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, ત્યારે ભાવ 94.20 રૂપિયા પર પહોંચ્યો હતો. હવે બે જ મહિનાના ટૂંકા ગાળામાં ફરીથી થયેલા આ 4.45 રૂપિયાના વધારાએ સામાન્ય માણસની કમર તોડી નાખી છે.
રિક્ષાચાલકોની રોજીરોટી પર સીધો ફટકો
વાહનોમાં CNG મોંઘો થવાથી સૌથી વધુ નુકસાન રોજનું કમાઈને રોજ ખાનારા રિક્ષાચાલકોને થઈ રહ્યું છે. આ ભાવવધારાને કારણે રિક્ષાચાલકોમાં ભારે અસંતોષ અને નારાજગી જોવા મળી રહી છે. તેમની મુખ્ય ફરિયાદ એ છે કે ગેસ કંપનીઓ સતત ભાવ વધારી રહી છે, પરંતુ તેની સામે વાહન વ્યવહાર કમિશનર દ્વારા રિક્ષાના ભાડામાં કોઈ યોગ્ય વધારો મંજૂર કરવામાં આવતો નથી. આવક કરતા જાવક વધતા તેમના માટે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે.
સામાન્ય માણસનું બજેટ ખોરવાયું
અગાઉ પણ ઓનલાઈન કેબ અને રિક્ષા એપ્લિકેશનોના વિરોધમાં તેમજ ભાડા વધારાની માંગ સાથે રિક્ષાચાલકોએ હડતાળ પાડીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. હવે બરાબર દિવાળીના સમયે જ આવેલો આ નવો ભાવવધારો બળતામાં ઘી હોમવાનું કામ કરી રહ્યો છે. આ વધારાથી માત્ર રિક્ષાચાલકો જ નહીં, પરંતુ રોજિંદા કામકાજ માટે કાર લઈને નીકળતા સામાન્ય નોકરિયાત વર્ગનું માસિક બજેટ પણ સાવ અસ્તવ્યસ્ત થઈ ગયું છે.