પેટ્રોલ પંપ પર ભેળસેળવાળું પેટ્રોલ મળશે તો ડીલરનું આવી બનશે, સરકારી ઓઈલ કંપનીઓએ દેશભરમાં શરૂ કર્યું મેગા ચેકિંગ
સોશિયલ મીડિયા પર પેટ્રોલની ગુણવત્તાના વિવાદ વચ્ચે IOCL, BPCL અને HPCL એ દેશભરમાં 10,000 થી વધુ પેટ્રોલ પંપ પર સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કર્યું છે. ભેળસેળ કરનારા ડીલરો સામે કડક કાર્યવાહી થશે. જાણો લેટેસ્ટ રિપોર્ટ.
ભારત પેટ્રોલિયમે પણ આ મામલે કમર કસી છે. કંપનીએ જાહેર કરેલા આંકડા મુજબ,,,3 જુલાઈ થી 13 જુલાઈ વચ્ચે રિટેલ પંપો પર 932 ટેસ્ટ કરવામાં આવ્યા.
હાલમાં સોશિયલ મીડિયા પર પેટ્રોલ અને ડીઝલની ગુણવત્તાને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. આ અફવાઓ અને ગ્રાહકોની ચિંતાને દૂર કરવા માટે દેશની અગ્રણી સરકારી પેટ્રોલિયમ કંપનીઓ એક્શન મોડમાં આવી ગઈ છે. ગ્રાહકોનો ભરોસો જાળવી રાખવા માટે ઇન્ડિયન ઓઇલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમએ દેશભરના રિટેલ પેટ્રોલ પંપો પર ઇંધણની ક્વોલિટી તપાસવાનું અભિયાન ખૂબ જ ઝડપી બનાવી દીધું છે.
ઇન્ડિયન ઓઇલે કર્યા 10,000 સરપ્રાઇઝ ચેકિંગ
દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલે જણાવ્યું છે કે, તેમણે ગયા અઠવાડિયે જ પોતાના રિટેલ પંપો પર આશરે 10,000 'સરપ્રાઇઝ ઇન્સ્પેક્શન' કર્યા છે અને 8,500 થી વધુ ફ્યુઅલ ક્વોલિટી ટેસ્ટ પૂર્ણ કર્યા છે. કંપનીએ સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, "ગ્રાહકોને નિર્ધારિત માપદંડો મુજબનું શુદ્ધ ઇંધણ મળે તે અમારા માટે સૌથી મહત્વનું છે. અમારી ટીમ આ માટે દરરોજ દેશભરમાં સઘન કામગીરી કરી રહી છે."
ભેળસેળ કરનારા ડીલરો સામે ઝીરો ટોલરન્સની નીતિ
જો કોઈ પેટ્રોલ પંપ પરથી ભેળસેળવાળું કે અશુદ્ધ તેલ મળશે, તો તેની ખેર નથી! ઇન્ડિયન ઓઇલે સ્પષ્ટ ચેતવણી આપી છે કે પેટ્રોલ-ડીઝલમાં કોઈપણ પ્રકારની ભેળસેળ અથવા ગુણવત્તાના નિયમોનું ઉલ્લંઘન ચલાવી લેવામાં આવશે નહીં. જે પણ ડીલર કોન્ટ્રાક્ટની શરતોનો ભંગ કરતો પકડાશે, તેની સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
ભારત પેટ્રોલિયમ દ્વારા પણ મોટા પાયે ટેસ્ટિંગ
ભારત પેટ્રોલિયમે પણ આ મામલે કમર કસી છે. કંપનીએ જાહેર કરેલા આંકડા મુજબ,,,3 જુલાઈ થી 13 જુલાઈ વચ્ચે રિટેલ પંપો પર 932 ટેસ્ટ કરવામાં આવ્યા. કંપનીના ક્વોલિટી કંટ્રોલ સેલ દ્વારા વધારાના 111 ટેસ્ટ કરાયા. ઇન્સ્પેક્શન વિભાગે પોતાની 'મોબાઈલ લેબોરેટરી' મારફતે 50 સેમ્પલ લીધા અને સ્થળ પર જ તપાસની પ્રક્રિયા પૂરી કરી.
હિન્દુસ્તાન પેટ્રોલિયમે પણ ગુણવત્તા જાળવવા મોટા પગલાં લીધા છે. 3 જુલાઈ થી 13 જુલાઈની વચ્ચે 1,385 નિયમિત તપાસ કરવામાં આવી. પંપ પર 'ઇથેનોલ બ્લેન્ડિંગ' ના નિયમોનું બરાબર પાલન થાય છે કે કેમ, તે ચકાસવા માટે 7 થી 13 જુલાઈ વચ્ચે 2,173 સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યા. આ ઉપરાંત ક્વોલિટી એશ્યોરન્સ સેલે 93 સરપ્રાઇઝ ચેકિંગ અને મોબાઈલ લેબ દ્વારા 49 સેમ્પલનું ટેસ્ટિંગ કર્યું. રાહતની વાત એ છે કે, HPCL ની આ સઘન તપાસ દરમિયાન કોઈપણ રિટેલ પંપ પર ભેળસેળ કે નિયમોના ભંગનો કોઈ મોટો કેસ સામે આવ્યો નથી.