Indian Economy: ચીનના 'ખાસ ક્લબ'માં ભારતની એન્ટ્રી! 2030 સુધીમાં દરેક ભારતીયની કમાણીમાં થશે મોટો વધારો | Moneycontrol Gujarati
Get App

Indian Economy: ચીનના 'ખાસ ક્લબ'માં ભારતની એન્ટ્રી! 2030 સુધીમાં દરેક ભારતીયની કમાણીમાં થશે મોટો વધારો

Indian Economy: ભારત હવે અર્થતંત્રમાં નવી ઊંચાઈ સર કરવા જઈ રહ્યું છે. SBIના લેટેસ્ટ રિપોર્ટ મુજબ 2030 સુધીમાં ભારત 'અપર મિડલ ઇન્કમ' ધરાવતો દેશ બની જશે. જાણો ચીન અને જર્મનીને ક્યારે પછાડશે ભારત અને શું છે ભવિષ્યનું ચિત્ર.

અપડેટેડ 02:31:36 PM Jan 22, 2026 પર
Story continues below Advertisement
SBI રિસર્ચનો રિપોર્ટ જણાવે છે કે આગામી 4 વર્ષમાં ભારતની ઈકોનોમીમાં મોટો બદલાવ જોવા મળશે. 2030 સુધીમાં ભારતની માથાદીઠ આવક વધીને 4000 ડોલર સુધી પહોંચવાની શક્યતા છે.

Indian Economy: ભારતીય અર્થવ્યવસ્થા માટે એક ખૂબ જ સારા અને ઉત્સાહ વધારનારા સમાચાર આવ્યા છે. જે રીતે ભારત પ્રગતિ કરી રહ્યું છે, તે જોતા હવે તે દિવસ દૂર નથી જ્યારે ભારત દુનિયાના અમીર દેશોની હરોળમાં ઊભું જોવા મળશે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના રિસર્ચ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત 2030 સુધીમાં 'અપર મિડલ ઇન્કમ' એટલે કે ઉચ્ચ-મધ્યમ આવક ધરાવતો દેશ બની જશે.

આ ઉપલબ્ધિ સાથે ભારત ચીન અને ઈન્ડોનેશિયા જેવા દેશોના ક્લબમાં સામેલ થઈ જશે. એટલું જ નહીં, અર્થવ્યવસ્થાની રેસમાં ભારત 2028 સુધીમાં દુનિયાની ત્રીજી સૌથી મોટી ઈકોનોમી બનવા જઈ રહ્યું છે.

2030 સુધીમાં કેવી રીતે બદલાશે ચિત્ર?

SBI રિસર્ચનો રિપોર્ટ જણાવે છે કે આગામી 4 વર્ષમાં ભારતની ઈકોનોમીમાં મોટો બદલાવ જોવા મળશે. 2030 સુધીમાં ભારતની માથાદીઠ આવક વધીને 4000 ડોલર સુધી પહોંચવાની શક્યતા છે. જ્યારે કોઈ દેશની પ્રતિ વ્યક્તિ આવક આ સ્તરે પહોંચે છે, ત્યારે તેને 'અપર-મિડલ-ઇન્કમ' ગ્રુપમાં ગણવામાં આવે છે. આ ભારતની આર્થિક પ્રગતિ અને લોકોની કમાણીમાં થઈ રહેલા વધારાનો સીધો પુરાવો છે.

વિશ્વ બેંક કેવી રીતે નક્કી કરે છે કેટેગરી?


તમને થતું હશે કે આ અપર મિડલ કે લોઅર મિડલ શું છે? તો તમને જણાવી દઈએ કે વિશ્વ બેંક (World Bank) દેશોને તેમની કમાણીના આધારે ચાર ભાગમાં વહેંચે છે:

લો ઇન્કમ (ઓછી આવક)

લોઅર-મિડલ ઇન્કમ (નિમ્ર-મધ્યમ આવક)

અપર-મિડલ ઇન્કમ (ઉચ્ચ-મધ્યમ આવક)

હાઈ ઇન્કમ (ઉચ્ચ આવક)

1990માં દુનિયાના 218 દેશોમાંથી 51 દેશો ગરીબ એટલે કે 'લો ઇન્કમ' કેટેગરીમાં હતા, જે સંખ્યા 2024માં ઘટીને માત્ર 26 રહી ગઈ છે. હવે ભારત પણ પોતાની કેટેગરી બદલીને ઉપરના લેવલ પર જવા સજ્જ છે.

આઝાદી પછી ભારતની ધીમી પણ મક્કમ રફ્તાર

રિપોર્ટમાં એક રસપ્રદ આંકડો આપવામાં આવ્યો છે. આઝાદી પછી ભારતને 'લોઅર-મિડલ ઇન્કમ' વર્ગમાં આવતા લગભગ 60 વર્ષ લાગ્યા હતા.

1962: ભારતની માથાદીઠ આવક માત્ર 90 ડોલર હતી.

2007: આ આવક વધીને 910 ડોલર થઈ.

2009: ભારત 1,000 ડોલરના આંકડાને સ્પર્શ્યું.

2019: માથાદીઠ આવક 2,000 ડોલર પર પહોંચી.

2026 (અનુમાન): આવક 3,000 ડોલર થવાની ધારણા છે.

2030 (અનુમાન): ભારત 4,000 ડોલરના માઈલસ્ટોન પર પહોંચી જશે.

'વિકસિત ભારત' બનવા કેટલી સ્પીડ જોઈશે?

ભારતનો આગામી મોટો ટાર્ગેટ 2047 સુધીમાં 'હાઈ ઇન્કમ' એટલે કે વિકસિત દેશ બનવાનો છે. આ માટે ભારતે પોતાની ગ્રોસ નેશનલ ઇન્કમ (GNI) માં દર વર્ષે 7.5% ના ચક્રવૃદ્ધિ દરે વધારો કરવો પડશે. છેલ્લા બે દાયકા (2001-2024) દરમિયાન ભારતનો ગ્રોથ રેટ 8.3% રહ્યો છે, જે દર્શાવે છે કે આ લક્ષ્ય હાંસલ કરવું મુશ્કેલ નથી. જોકે, રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે જો વિકસિત દેશ બનવાની લિમિટ 2047 સુધીમાં વધીને 18,000 ડોલર પ્રતિ વ્યક્તિ થઈ જાય, તો ભારતે વાર્ષિક 8.9% ની ઝડપે વૃદ્ધિ કરવી પડશે.

2028માં ભારત બનશે ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા

ફક્ત લોકોની આવક જ નહીં, પણ દેશની કુલ અર્થવ્યવસ્થાનું કદ પણ વધી રહ્યું છે. અત્યારે અમેરિકા અને ચીન સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. રિપોર્ટ અનુસાર ભારત 2028 સુધીમાં જર્મનીને પાછળ છોડીને દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. 2028 સુધીમાં ભારતની ઈકોનોમી 5 ટ્રિલિયન (5 લાખ કરોડ) ડોલર ની થઈ જશે. 2035 સુધીમાં ભારત 10 ટ્રિલિયન ડોલર ની અર્થવ્યવસ્થા બનવાની ક્ષમતા ધરાવે છે. યાદ રહે કે 1990માં ભારત અર્થવ્યવસ્થાની બાબતમાં દુનિયામાં 14મા નંબરે હતું, જે 2025 સુધીમાં ચોથા નંબરે અને 2028માં ત્રીજા નંબરે આવી જશે.

આગળનો રસ્તો: સુધારાઓ જારી રાખવા પડશે

SBI રિસર્ચે સ્પષ્ટ કહ્યું છે કે આ ગ્રોથ ચાલુ રાખવા માટે ભારતે આર્થિક સુધારાઓ ચાલુ રાખવા પડશે. રિપોર્ટ મુજબ, ભારતની જીડીપીમાં સરેરાશ 11 થી 11.5% (વર્તમાન કિંમતો પર) ના દરે વધારો થવાની પૂરી શક્યતા છે. આ ગતિ જ ભારતને 2047 સુધીમાં એક સુપરપાવર અને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં મદદરૂપ થશે.

આ પણ વાંચો-Australia Firing: ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સમાં ગોળીબાર, 3 લોકોના મોત - એક ઘાયલ

MoneyControl News

MoneyControl News

First Published: Jan 22, 2026 2:31 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.