JP Morgan ભારતમાં 1000 લોકોની કરશે બમ્પર ભરતી, જાણો કયા IT પ્રોફેશનલ્સ કરી શકશે એપ્લાય
નોકરી શોધી રહેલા IT પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર. દિગ્ગજ ફાઇનાન્શિયલ કંપની JP Morgan ભારતમાં 1000 લોકોની ભરતી કરશે. ક્લાઉડ, AI અને સાયબર સિક્યોરિટીના નિષ્ણાતોને મળશે જોબ.
કંપની ભારતમાં પોતાનો વ્યાપ હજુ વધુ વિસ્તારવા માંગે છે. આ હેતુથી વર્ષ 2029 સુધીમાં મુંબઈમાં 20 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં એક નવું વિશાળ GCC બનાવવાનું આયોજન છે.
જો તમે IT સેક્ટરમાં નોકરી શોધી રહ્યા છો અને સારી તકની રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે એક ખુશખબર છે. અમેરિકાની દિગ્ગજ ફાઇનાન્શિયલ કંપની અને બેંક જેપી મોર્ગન ભારતમાં મોટા પાયે ભરતી કરવાની તૈયારી કરી રહી છે. મળેલી માહિતી મુજબ, કંપની ભારતમાં આવેલા પોતાના ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરમાં લગભગ 1000 લોકોની નવી ભરતી કરશે.
રસપ્રદ વાત એ છે કે, એક તરફ કંપનીના વૈશ્વિક CEO જેમી ડાયમન કહી રહ્યા છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે બેંકના કેટલાક વિભાગોમાં કર્મચારીઓની જરૂરિયાતમાં 30 થી 40 ટકાનો ઘટાડો થયો છે. આમ છતાં, ભારતમાં કંપની પોતાના બિઝનેસનો વ્યાપ વધારી રહી છે અને નવી નોકરીઓ ઊભી કરી રહી છે.
કયા પ્રોફેશનલ્સ કરી શકશે એપ્લાય?
આ 1000 નોકરીઓ માટે JP Morgan ખાસ કરીને ટેક્નોલોજી નિષ્ણાતો પર ફોકસ કરશે. આ ભરતીમાં મુખ્યત્વે નીચેના ક્ષેત્રોના પ્રોફેશનલ્સની માંગ રહેશે.
ક્લાઉડ આર્કિટેક્ચર
સાયબર સિક્યોરિટી
AI ડેટા પાઇપલાઇન્સ
કેવી રીતે થશે પસંદગી?
આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોએ હેકરરેન્ક પ્લેટફોર્મ પર આધારિત ટેસ્ટ આપવી પડશે. જેમાં તેમની કોડિંગની આવડત, ડેટા સ્ટ્રક્ચર્સ, અલ્ગોરિધમ અને સિસ્ટમ આર્કિટેક્ચરને લગતા સવાલો દ્વારા કસોટી લેવામાં આવશે.
ભારતના 5 શહેરોમાં છે કંપનીના મોટા સેન્ટર
તમને જણાવી દઈએ કે, આ અમેરિકન કંપની પહેલેથી જ ભારતમાં બહુ મોટું નેટવર્ક ધરાવે છે. ભારતના 5 અલગ-અલગ શહેરોમાં કંપનીના સેન્ટર આવેલા છે, જેમાં હાલ 55,000 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. કંપનીના સૌથી મોટા સેન્ટર બેંગલુરુ, હૈદરાબાદ અને મુંબઈમાં આવેલા છે.
મુંબઈમાં 2029 સુધીમાં બનશે મેગા કેમ્પસ
કંપની ભારતમાં પોતાનો વ્યાપ હજુ વધુ વિસ્તારવા માંગે છે. આ હેતુથી વર્ષ 2029 સુધીમાં મુંબઈમાં 20 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં એક નવું વિશાળ GCC બનાવવાનું આયોજન છે. આ મેગા કેમ્પસ એવું હશે જ્યાં 30,000 ટેક્નોલોજી અને ઓપરેશન્સ પ્રોફેશનલ્સ એકસાથે કામ કરી શકશે.
ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર એટલે શું?
વિશ્વની મોટી મલ્ટીનેશનલ કંપનીઓ સામાન્ય રીતે એવા દેશોમાં પોતાના GCC બનાવે છે, જ્યાં કામ કરવાનો ખર્ચ ઓછો હોય અને ઉચ્ચ કક્ષાનું ટેલેન્ટ આસાનીથી મળી રહે. આ સેન્ટર્સ મેઈન કંપનીના કામકાજને સપોર્ટ કરે છે. આજકાલ કંપનીઓ આ સેન્ટર્સનો ઉપયોગ 'ઇનોવેશન એન્જિન' તરીકે કરે છે, જ્યાં કર્મચારીઓ જટિલ કામગીરી સંભાળે છે.
જેપી મોર્ગનનું આ સેન્ટર તેની મૂળ કંપની હેઠળના ઇન્વેસ્ટમેન્ટ બેંક અને ચેઝ રિટેલ બેંક બંનેને ટેક્નોલોજી અને ઓપરેશન્સ સેવાઓ પૂરી પાડે છે.
ભારતમાં GCC ની વર્તમાન સ્થિતિ
ભારત હવે વિદેશી કંપનીઓ માટે હોટ-સ્પોટ બની ગયું છે. હાલમાં ભારતમાં 2100 થી વધુ GCC આવેલા છે, જેમાં અંદાજે 24 લાખ લોકો કામ કરે છે. આ સેન્ટર્સમાંથી દર વર્ષે લગભગ 98.4 અબજ ડોલરની માતબર આવક જનરેટ થાય છે.