માઇક્રોસોફ્ટમાં 4800 કર્મચારીઓની છટણી, એક્ઝિક્યુટિવે કહ્યું- 'AI ના કારણે નથી ગઈ નોકરી, આ છે અસલી કારણ'
માઇક્રોસોફ્ટે પોતાના 4800 કર્મચારીઓની છટણી કરી છે. કંપનીના એક્ઝિક્યુટિવ એમી કોલમેને સ્પષ્ટ કર્યું કે આ પાછળ AI કારણ નથી. જાણો કયા વિભાગ પર સૌથી વધુ અસર પડશે.
આ છટણીનો સૌથી મોટો ફટકો માઇક્રોસોફ્ટના એક્સબોક્સ (Xbox) ગેમિંગ ડિવિઝનને પડશે. પ્રાપ્ત માહિતી અનુસાર,,,ગેમિંગ ડિવિઝનમાં કુલ 3200 લોકોની નોકરીઓ જશે.
ટેક જગતની દિગ્ગજ કંપની માઇક્રોસોફ્ટએ એક મોટો નિર્ણય લેતા લગભગ 4800 કર્મચારીઓને નોકરીમાંથી કાઢવાની જાહેરાત કરી છે. આ આંકડો કંપનીના કુલ વૈશ્વિક વર્કફોર્સના લગભગ 2.1 ટકા જેટલો થાય છે. કંપનીનું કહેવું છે કે આ છટણી તેમના 'રીસ્ટ્રક્ચરિંગ પ્લાન' નો એક ભાગ છે. બિઝનેસની બદલાતી જરૂરિયાતો અને પ્રાથમિકતાઓને ધ્યાનમાં રાખીને કંપની પોતાના કર્મચારીઓની સંખ્યામાં આ ફેરફાર કરી રહી છે.
શું AI ના કારણે નોકરીઓ ગઈ? કંપનીએ આપી સ્પષ્ટતા
જ્યારથી આ છટણીના સમાચાર આવ્યા છે, ત્યારે લોકોમાં એવી ચર્ચા હતી કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે લોકોની નોકરીઓ છીનવાઈ રહી છે. પરંતુ, માઇક્રોસોફ્ટના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ચીફ પીપલ ઓફિસર એમી કોલમેનએ આ વાતને સ્પષ્ટપણે નકારી કાઢી છે.
તેમણે કર્મચારીઓને મોકલેલા એક મેસેજમાં લખ્યું છે કે, "હું સ્પષ્ટ કરવા માંગુ છું કે આજે જે કર્મચારીઓને કંપનીમાંથી હટાવવામાં આવ્યા છે, તેમની જગ્યાએ AI કામ નહીં કરે. છટણી પાછળ AI બિલકુલ કારણ નથી. જોકે, એ વાત સાચી છે કે AI કામ કરવાની રીત બદલી રહ્યું છે. આપણા રોજના કેટલાક કામ ઓટોમેટિક થઈ શકે છે, જેનો અર્થ એ છે કે આપણે સૌએ સતત નવું શીખતા રહેવું પડશે."
નવી સ્કિલ શીખવી જરૂરી બની
કોલમેને કર્મચારીઓને નવી સ્કિલ શીખવા અને કામના બદલાતા સ્વરૂપ સાથે પોતાને અપડેટ રાખવા પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે કંપનીના ગ્રાહકો પણ આધુનિક ટેકનોલોજી અપનાવી રહ્યા છે અને તેઓ તેમાં આપણી મદદ ઈચ્છે છે. જ્યાં સુધી કંપની પોતાની અંદર ફેરફાર નહીં કરે, ત્યાં સુધી ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા આપી શકાશે નહીં.
Xbox ગેમિંગ ડિવિઝન પર સૌથી મોટી અસર
આ છટણીનો સૌથી મોટો ફટકો માઇક્રોસોફ્ટના એક્સબોક્સ ગેમિંગ ડિવિઝનને પડશે. પ્રાપ્ત માહિતી અનુસાર,,,ગેમિંગ ડિવિઝનમાં કુલ 3200 લોકોની નોકરીઓ જશે. જેમાંથી 1600 કર્મચારીઓને તાત્કાલિક અસરથી નોકરીમાંથી છૂટા કરવામાં આવશે.
ગેમિંગ સ્ટ્રેટેજીમાં કેમ થયો ફેરફાર?
માઇક્રોસોફ્ટે તાજેતરમાં જ એક્ટિવિઝન બ્લિઝાર્ડનું અધિગ્રહણ કર્યું હતું અને Xbox માં અબજો ડોલરનું જંગી રોકાણ કર્યું છે. આમ છતાં, કંપની ગેમિંગ માર્કેટમાં સોનીના પ્લેસ્ટેશન અને નિન્ટેન્ડોની હરીફાઈમાં પાછળ રહી ગઈ છે. આથી, માઇક્રોસોફ્ટ હવે પોતાની ગેમિંગ સ્ટ્રેટેજી બદલી રહી છે. તે હવે માત્ર પોતાના એક્સક્લુઝિવ કન્સોલ પર નિર્ભર રહેવા માંગતી નથી, પરંતુ પોતાની ગેમ્સને અન્ય પ્લેટફોર્મ્સ પર પણ ઉપલબ્ધ કરાવી રહી છે.