રશિયાથી તેલની ખરીદી ઘટી: ભારતે 15,000 કિમી દૂર આવેલા આ દેશમાંથી મંગાવ્યું ક્રૂડ ઓઈલ, જાણો અમેરિકાનું કનેક્શન
અમેરિકાએ રશિયન તેલ પર 25% ટેરિફ લગાવતા ભારતે મોટો નિર્ણય લીધો છે. હવે ભારતે રશિયાનું પ્રમાણ ઘટાડીને 15,000 કિમી દૂર આવેલા ગુયાના અને સાઉદી અરેબિયાથી ક્રૂડ ઓઈલની ખરીદી વધારી દીધી છે. વાંચો સંપૂર્ણ અહેવાલ.
ભલે ખરીદી ઘટી હોય, પણ રશિયા હજુ પણ નંબર વન સપ્લાયર છે. જોકે, જાન્યુઆરીના પહેલા પખવાડિયામાં રશિયાથી રોજના 1.179 મિલિયન બેરલ તેલ આવ્યું, જે ડિસેમ્બરની સરખામણીમાં 3% ઓછું છે.
ભારત અને રશિયા વચ્ચેના ક્રૂડ ઓઈલના વ્યાપારમાં એક મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. રશિયા હજુ પણ ભારત માટે ક્રૂડ ઓઈલનો સૌથી મોટો સપ્લાયર છે, પરંતુ જાન્યુઆરી મહિનામાં ભારતીય કંપનીઓએ રશિયા પાસેથી ખરીદીમાં ઘટાડો કર્યો છે. તેના બદલે, ભારતે હવે અન્ય દેશો તરફ નજર દોડાવી છે અને વર્ષો પછી એક નવા જ દેશમાંથી તેલ મંગાવવાનું શરૂ કર્યું છે.
રશિયાથી કેમ ઘટી ખરીદી?
આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ અમેરિકાનો એક નિર્ણય છે. નવી દિલ્હીથી મળતા અહેવાલો મુજબ, અમેરિકાએ રશિયાથી તેલ ખરીદવા માટે ભારત પર 25% વધારાનો ટેરિફ (ટેક્સ) લગાવ્યો છે. આ ટેરિફને કારણે ભારતીય રિફાઈનરી કંપનીઓ માટે રશિયન તેલ થોડું મોંઘું પડી રહ્યું છે. જેના પરિણામે ભારતીય કંપનીઓ હવે નવા વિકલ્પો શોધી રહી છે.
15,000 કિમી દૂરથી આવ્યું તેલ
રશિયાથી આયાત ઘટતા ભારતે દક્ષિણ અમેરિકાના દેશ 'ગુયાના' (Guyana) તરફ વળવું પડ્યું છે. એક રિપોર્ટ અનુસાર, ભારતે બે વર્ષ બાદ ગુયાનાથી ક્રૂડ ઓઈલનું પહેલું શિપમેન્ટ મંગાવ્યું છે. ગુયાના ભારતથી લગભગ 15,000 કિલોમીટર દૂર છે, તેથી ત્યાંથી તેલ લાવવાનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધુ થાય છે. આમ છતાં, હાલની સ્થિતિને જોતા ભારતે આ વિકલ્પ પસંદ કર્યો છે.
આંકડાઓની વાત કરીએ તો, ગ્લોબલ ડેટા પ્રોવાઈડર કેપ્લર (Kpler) મુજબ જાન્યુઆરીના પહેલા 15 દિવસમાં ભારતે ગુયાનાથી રોજના લગભગ 2,97,000 બેરલ ક્રૂડ ઓઈલની ખરીદી કરી છે. ગુયાના હાલમાં તેલ ઉત્પાદનમાં એક ઉભરતું નામ છે અને ત્યાં તેલના મોટા ભંડારો મળી આવ્યા છે.
સાઉદી અને ઈરાકથી પણ ખરીદી વધી
ભારત દુનિયાનો ત્રીજો સૌથી મોટો તેલ વપરાશકર્તા દેશ છે, એટલે આપણી માંગ બહુ મોટી છે. આ માંગને પહોંચી વળવા ભારતે માત્ર ગુયાના જ નહીં પણ અન્ય દેશો પાસેથી પણ આયાત વધારી છે:
સાઉદી અરેબિયા: અહીંથી આયાત લગભગ 36% વધીને રોજના 9,54,000 બેરલ પર પહોંચી ગઈ છે.
ઈરાક: અહીંથી આયાત 18% વધીને રોજના 1.071 મિલિયન બેરલ થઈ છે.
આફ્રિકન દેશો: નાઈજીરિયાથી સપ્લાય લગભગ બમણી થઈ છે અને અંગોલાથી આયાત ત્રણ ગણી વધી છે.
રશિયાની શું સ્થિતિ છે?
ભલે ખરીદી ઘટી હોય, પણ રશિયા હજુ પણ નંબર વન સપ્લાયર છે. જોકે, જાન્યુઆરીના પહેલા પખવાડિયામાં રશિયાથી રોજના 1.179 મિલિયન બેરલ તેલ આવ્યું, જે ડિસેમ્બરની સરખામણીમાં 3% ઓછું છે. આ આંકડો 2025 ના સરેરાશ અંદાજ કરતા લગભગ 30% જેટલો ઓછો જોવા મળ્યો છે.
બીજી તરફ, સંયુક્ત આરબ અમીરાત (UAE) થી આયાતમાં 40% નો ઘટાડો થયો છે, જ્યારે અમેરિકાથી આવતા શિપમેન્ટમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. આમ, આવનારા દિવસોમાં ક્રૂડ ઓઈલની આયાતના સમીકરણો બદલાય તેવી શક્યતા છે.