RBI નો મોટો નિર્ણય: ધમાકેદાર રિસ્પોન્સ બાદ FCNR(B) સ્કીમ સમય કરતા પહેલા બંધ થશે, જાણો રૂપિયા અને બેંકો પર શું અસર પડશે?
RBI એ NRI માટેની FCNR(B) ડિપોઝિટ સ્કીમ 31 ઓગસ્ટે બંધ કરવાનો નિર્ણય લીધો છે. સ્કીમમાં 52 બિલિયન ડોલરનું જંગી રોકાણ આવ્યું છે. જાણો બેંકો અને રૂપિયા પર તેની અસર.
ભારતમાં આટલા મોટા પાયે ડોલર આવ્યા હોવા છતાં, ભારતીય રૂપિયામાં કોઈ મોટી મજબૂતી જોવા મળી નથી. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે RBI એ આ ઇનફ્લોનો મોટો હિસ્સો પોતાનું વિદેશી હૂંડિયામણ વધારવા માટે વાપરી લીધો છે.
RBIs big decision: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નોન-રેસિડેન્ટ ઈન્ડિયન્સને લઈને એક મોટો નિર્ણય લીધો છે. સ્કીમને મળેલા ઐતિહાસિક અને શાનદાર રિસ્પોન્સને જોતા RBI એ FCNR (B) ડિપોઝિટ વિન્ડો સમય કરતા એક મહિનો વહેલી બંધ કરવાની જાહેરાત કરી છે. પહેલા આ સ્કીમની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી, પરંતુ હવે તે 31 ઓગસ્ટના રોજ જ બંધ થઈ જશે.
રોકાણની સ્પીડ જોઈને સૌ કોઈ દંગ
અત્યાર સુધીમાં આ સ્કીમમાં વિદેશી ભંડોળનો વરસાદ થયો છે. 13 ઓગસ્ટ સુધીના આંકડા મુજબ, બેંકોને FCNR ડિપોઝિટ સ્કીમ હેઠળ 52 અબજ ડોલરથી વધુની રકમ મળી છે. સ્વેપ ફેસિલિટી મારફતે કુલ 57 અબજ ડોલરનું ફંડ આવ્યું છે.
આ સ્કીમમાં રોકાણની સ્પીડ જબરદસ્ત રહી છે. પહેલા 20 અબજ ડોલર આવવામાં 38 દિવસ લાગ્યા હતા. જ્યારે બીજા 20 અબજ ડોલર માત્ર 14 દિવસમાં જ જમા થઈ ગયા. છેલ્લા 13 દિવસમાં જ વધુ 16 અબજ ડોલરનું ઇનફ્લો જોવા મળ્યું છે.
હજુ કેટલા ફંડની છે અપેક્ષા?
માર્કેટ એક્સપર્ટ્સ અને અર્થશાસ્ત્રીઓ માને છે કે ઓગસ્ટના અંત સુધીમાં આ સ્કીમ દ્વારા 65 થી 75 અબજ ડોલરનું ઇનફ્લો થઈ શકે છે. કુલ મળીને આ આંકડો 80 થી 100 અબજ ડોલર સુધી પહોંચવાની શક્યતા છે. અગાઉ SBI રિસર્ચનો અંદાજ હતો કે જો આ વિન્ડો સપ્ટેમ્બર સુધી ખુલ્લી રહેત તો 70 અબજ ડોલર આવત, જે વર્ષ 2013 ના ઐતિહાસિક રોકાણ કરતા પણ ઘણું વધારે હોત.
જંગી ડોલર આવ્યા છતાં રૂપિયો કેમ મજબૂત ન થયો?
ભારતમાં આટલા મોટા પાયે ડોલર આવ્યા હોવા છતાં, ભારતીય રૂપિયામાં કોઈ મોટી મજબૂતી જોવા મળી નથી. આ પાછળનું મુખ્ય કારણ એ છે કે RBI એ આ ઇનફ્લોનો મોટો હિસ્સો પોતાનું વિદેશી હૂંડિયામણ વધારવા માટે વાપરી લીધો છે.
આંકડા મુજબ, 5 જૂનના રોજ ડોલર સામે રૂપિયો 95.39 પર હતો, જે 14 ઓગસ્ટે 95.45 પર રહ્યો. એટલે કે રૂપિયામાં બહુ મોટો ઉતાર-ચઢાવ નથી આવ્યો.વચ્ચે જુલાઈમાં રૂપિયો થોડો મજબૂત થઈને 94.30 પર પહોંચ્યો હતો, પણ પછી તેની ગતિ ધીમી પડી ગઈ.ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને વૈશ્વિક ટેન્શનને કારણે રૂપિયા પર દબાણ છે. જોકે, જાણકારોના મતે રૂપિયાને વધુ પડતો ગગડતો અટકાવવા માટે RBI માર્કેટમાં ડોલર વેચી રહી છે.
બેંકોને થયો મોટો ફાયદો: કઈ બેંકે મારી બાજી?
FCNR(B) સ્કીમની સીધી પોઝિટિવ અસર બેંકોની ડિપોઝિટ પર પડી છે. 15 જૂનથી 31 જુલાઈ વચ્ચે બેંકોની 'ટાઈમ ડિપોઝિટ'માં 8.5 લાખ કરોડ રૂપિયાનો તોતિંગ વધારો થયો છે. જેમાં એકલા FCNR નો ફાળો 3 થી 3.5 લાખ કરોડ રૂપિયા છે. SBI રિસર્ચ અનુસાર, ઓગસ્ટમાં આ ડિપોઝિટ વધુ 5 લાખ કરોડ વધી શકે છે. આનાથી બેંકોને સસ્તું અને સ્થિર ફંડ મળશે.
આ સ્કીમથી ખાનગી અને સરકારી બેંકોને એકસરખો 42%-42% હિસ્સો મળ્યો છે. જ્યારે વિદેશી બેંકોને 15% હિસ્સો મળ્યો છે. આ સ્કીમ હેઠળ ફંડ ભેગું કરવામાં વિદેશી બેંક HSBC સૌથી આગળ છે, જેણે 6.1 અબજ ડોલર એકઠા કર્યા છે. ત્યારપછી SBI અને ICICI બેંકનો નંબર આવે છે, જ્યારે HDFC બેંક આ રેસમાં પાછળ રહી ગઈ છે.
નિષ્ણાતો શું કહે છે?
કરૂર વૈશ્ય બેંકના ટ્રેઝરી હેડ રામચંદ્ર રેડ્ડીએ જણાવ્યું હતું કે, "સ્કીમ સમય પહેલા બંધ કરવી એ કોઈ નીતિગત ફેરફાર નથી, પરંતુ લક્ષ્ય પૂરું થઈ ગયાનો સંકેત છે. પૂરતું ફંડ આવી ગયું હોવાથી હવે RBI પોતાનું પૂરું ધ્યાન લિક્વિડિટી મેનેજ કરવા અને ફોરેન એક્સચેન્જની અસરને કાબૂમાં રાખવા પર કેન્દ્રિત કરશે." માર્કેટના અન્ય જાણકારો પણ માને છે કે જરૂર કરતા વધુ પૈસા આવી ગયા હોવાથી જ સેન્ટ્રલ બેંકે આ વિન્ડો વહેલી બંધ કરવાનો નિર્ણય લીધો છે.
ડિસ્ક્લેમર: Moneycontrol.com પર વ્યક્ત કરાયેલા મંતવ્યો નિષ્ણાતોના અંગત મંતવ્યો છે. આ માટે વેબસાઇટ અથવા મેનેજમેન્ટ જવાબદાર નથી. મની કંટ્રોલ યુઝર્સને કોઈપણ રોકાણ નિર્ણય લેતા પહેલા પ્રમાણિત નિષ્ણાતની સલાહ લેવાની સલાહ આપે છે.